અમરેલીમાં અનરાધાર વરસાદ: જાફરાબાદ, લાઠી અને રાજુલામાં મેઘમહેર, રસ્તાઓ પર નદીઓ વહી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Amreli Heavy Rain: ગુજરાતમાં સૌરાષ્ટ્ર સહિતના વિસ્તારોમાં સોમવારે(14 સપ્ટેમ્બર) હળવાથી ભારે વરસાદ વરસ્યો છે. જેમાં અમરેલીના જાફરાબાદ, વડીયા, બાબરા પંથક, લાઠી, રાજુલા સહિતના તાલુકામાં ધોધમાર વરસાદ થયો છે. અમરેલીમાં અનરાધાર વરસાદથી રસ્તાઓ પર નદી જેવા દ્રશ્યો સર્જાયા. સતત ત્રણ-ચાર દિવસથી વરસી રહેલાં વરસાદને પગલે ખેડૂતોમાં હરખ છવાયો છે.
અમરેલીમાં અનરાધાર વરસાદ
અમરેલીના ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદ થયો છે. જેમાં અમરેલીના નાના ભંડારીયા સહિતના ગામમાં સારો એવો વરસાદ થતાં ગામની શેરીઓમાં પાણી વહેતા થયા હતા. સારા વરસાદથી ધરતીપુત્રોમાં ખુશીની લહેર છવાઈ છે.

બાબરા પંથકમાં સતત બીજા દિવસે વરસાદ
બાબરા પંથકના ગામડાંઓમાં સતત બીજા દિવસે વરસાદી માહોલ જોવા મળ્યો છે. જેમાં કોટડાપીઠા, મોટાદેવળીયા, ઉટવડ, ચરખા, નિલવડા, સુકવડા, વાંકીયા સહિતના ગામડાઓમાં સારો એવો વરસાદ નોંધાયો છે. શહેરમાં સારો વરસાદ થતાં બજારોમાં પાણી પહેતા થયા હતા. બીજી તરફ, મેઘમહેરથી ખેડૂતોના મગફળી, કપાસ, સોયાબીન સહિતના પાકને જીવનદાન મળતાં જગતનોતાતે રાજીપી અનુભવ્યો હતો.

જાફરાબાદમાં વરસાદી માહોલ
અમરેલીના મોટાભાગના તાલુકામાં છેલ્લા કેટલાક દિવસથી વરસાદી માહોલ સક્રિય છે. જાફરાબાદ શહેર અને ગ્રામ્ય પંથકમાં હળવાથી ભારે વરસાદ થતાં રસ્તા પર પાણી-પાણીના દ્રશ્યો જોવા મળ્યા હતા.
લાઠી અને વડીયા પંથકમાં મેઘમહેર
અમરેલી જિલ્લામાં સતત વરસી રહેલા વરસાદથી સ્થાનિકો આનંદિત છે. જેમાં વડીયા પંથકમાં પણ સારો એવો વરસાદ થયો છે. જ્યારે લાઠીમાં રાત્રે ધોધમાર વરસાદનું આગમન થયું હતું. લાઠી અને ગ્રામ્ય વિસ્તારોમાં સતત બીજા દિવસે વરસાદ વરસતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે.
આ પણ વાંચો: મેઘતાંડવનું સંકટ હજુ ટળ્યું નથી! ગુજરાતના 7 જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી
રાજુલા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ
હવામાન વિભાગની આગાહી વચ્ચે અમરેલીના કોસ્ટલ બેલ્ટના રાજુલા શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો છે. જેમાં વડ, ભચાદર, ઉંચૈયા, ભેરાઇ, સહિત ગામોમાં વરસાદ પડ્યો છે. રાજુલા શહેરમાં ધોધમાર વરસાદ વરસતા બજારોમાં વરસાદી પાણી નદી માફક વહેતું થયું હતું.




