અમરેલીમાં સિંહના હુમલામાં યુવકના મોતનો કેસ: મેટિંગ કરતા સિંહ યુગલની પજવણી કરનાર 2 યુવકોની ધરપકડ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Amreli Lion Attack: અમરેલી જિલ્લાના લીલીયા પંથકમાં વન્યજીવની પજવણીનો એક અત્યંત ગંભીર અને ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો હતો. અંટાળિયા ગામ નજીક સિંહ જ્યારે મેટિંગની પ્રક્રિયામાં હતો, ત્યારે તેની બિલકુલ નજીક જઈને પજવણી કરવાનો પ્રયાસ કરતા સિંહે ગુસ્સામાં આવીને હુમલો કર્યો હતો. સિંહના આ હુમલામાં એક યુવકનું ગંભીર ઇજાઓના કારણે કરુણ મોત નીપજ્યું હતું. જ્યારે તેની સાથે આવેલા અન્ય બે શખસોને વન વિભાગે કાયદેસરની કાર્યવાહી હેઠળ સકંજામાં લીધા છે.
મેટિંગ પ્રક્રિયા દરમિયાન સિંહની પજવણી કરી
મળતી માહિતી અનુસાર, લીલીયા પંથકના અંટાળિયા વિસ્તારમાં સિંહની મેટિંગની પ્રક્રિયામાં દરમિયાન કેટલાક શખસોએ નિયમોનું ઉલ્લંઘન કરીને સિંહની એકદમ નજીક જઈને તેને પજવવાનું શરૂ કર્યું હતું. આ ઉશ્કેરણીના કારણે સિંહે હુમલો કર્યો હતો. જેમાં સોહિલ મુજાવર નામના યુવકને ગંભીર ઇજાઓ પહોંચતા તેનું મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતાં જ વન વિભાગની ટીમ દોડી આવી હતી અને સ્થળ પરથી અન્ય બે શખસોને દબોચી લીધા હતા.
વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટ હેઠળ ગુનો દાખલ
સિંહની પજવણીના આ બનાવને વન વિભાગે અત્યંત ગંભીરતાથી લીધો છે. કાયદાનું ઉલ્લંઘન કરનારા શખસો સામે કડક કાનૂની પગલાં ભરવામાં આવ્યા છે. વન વિભાગે મૃતક સોહિલ મુજાવર સહિત તેની સાથે ગયેલા રહેમાનખાન પઠાણ (રહે. અમરેલી) અને યશરાજસિંહ વાજા (રહે. સાવરકુંડલા) સામે વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટ હેઠળ ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
બંને આરોપીઓના 2 દિવસના રિમાન્ડ મંજૂર
વન વિભાગની ટીમ દ્વારા કસ્ટડીમાં લેવાયેલા બંને આરોપીઓ રહેમાનખાન પઠાણ અને યશરાજસિંહ વાજાને આજે સુરક્ષા વચ્ચે સ્થાનિક કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. વન વિભાગ તરફથી આ ગંભીર ગુનાની ઊંડી તપાસ અને અન્ય કોઈ શખસો આમાં સામેલ છે કે કેમ તે જાણવા માટે રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી. જેને ગ્રાહ્ય રાખતા કોર્ટ દ્વારા બંને આરોપીઓના ૨ દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે.









