અમરેલીના હનુમાનપરાની શાળામાં વીજ કરંટ વચ્ચે ભણે છે માસૂમો: અભ્યાસ માટે પણ 'ઓડ-ઈવન' પદ્ધતિ! 10 વર્ગ વચ્ચે માત્ર 2 જ રૂમ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Amreli Hanumanpara Primary School Dilapidated Building: અમરેલી શહેરના હનુમાનપરા વિસ્તારમાં આવેલી પ્રાથમિક શાળાની અત્યંત જર્જરિત હાલતને કારણે અહીં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓના જીવ પર સતત જોખમ તોળાઈ રહ્યું છે. અંદાજે 54 વર્ષ જૂના શાળાના બિલ્ડિંગની કથળી સ્થિતિ છે, જેમાં આખી બિલ્ડિંગમાં વીજકરંટ દોડતાં બાળકોના જીવનું જોખમ છે. આવી પરિસ્થિતિમાં બાળકોને હજુ પણ અભ્યાસ કરાવવામાં આવી રહ્યો હોવાથી વાલીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
હનુમાનપરાની પ્રાથમિક શાળાની અત્યંત જર્જરિત હાલત
અમરેલી હનુમાનપરા વિસ્તારમાં આવેલી આશરે 54 વર્ષ જૂના ટ્રસ્ટના ભાડાના બિલ્ડિંગમાં છેલ્લા 30 વર્ષથી શાળા ચાલી રહી છે. જેમાં બાલવાટિકાથી લઈને ધોરણ-8 સુધીના કુલ 10 વર્ગો ચાલે છે. પરંતુ શાળામાં માત્ર બે જ વર્ગખંડ અને એક ઓફિસની વ્યવસ્થા છે. પરિણામે વિદ્યાર્થીઓને અત્યંત સંકડાશભરી અને અપૂરતી સુવિધાઓ વચ્ચે અભ્યાસ કરવો પડી રહ્યો છે. આ ઉપરાંત, શાળાના જર્જરિત બિલ્ડિંગમાંથી સ્લેબના પોપડા સતત પડી રહ્યા છે. અકસ્માત ટાળવા માટે સ્લેબની નીચે નેટ લગાવી કામચલાઉ વ્યવસ્થા કરવામાં આવી હોય, તેમજ શાળાની આસપાસ વરસાદી પાણી ભરાઈ રહેતાં ગંદકીનું સામ્રાજ્ય સર્જાયું છે. જેથી મચ્છરોનો ઉપદ્રવ વધી ગયો છે અને વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય પર પણ તેની વિપરીત અસર પડી રહી છે.
શાળાની બિલ્ડિંગમાં વીજકરંટ દોડતાં બાળકોના જીવનું જોખમ
શાળામાં માત્ર બે રૂમ અને એક ઓફિસમાં તમામ વર્ગો ચલાવવામાં આવતા વાલીઓમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. પૂરતા વર્ગખંડોના અભાવે વિદ્યાર્થીઓના શિક્ષણને સીધી અસર પહોંચી રહી છે. આવી સ્થિતિમાં બાળકોના ભવિષ્ય સાથે થઈ રહેલા સમાધાનને લઈને શિક્ષણ વિભાગની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા થયા છે. વાલીઓએ તાત્કાલિક સુરક્ષિત, વિશાળ અને તમામ આધુનિક સુવિધાઓથી સજ્જ નવા શાળા ભવનનું નિર્માણ કરવામાં આવે તેમજ વિદ્યાર્થીઓ માટે પૂરતા વર્ગખંડોની વ્યવસ્થા કરવામાં આવે તેવી માગ કરવામાં આવી છે.
સ્માર્ટ ક્લાસ અને કોમ્પ્યુટર જેવી સુવિધાઓથી વંચિત વિદ્યાર્થીઓ
રાહુલભાઈ સરવૈયાએ જણાવ્યું હતું કે, મારી દીકરી અહીં અભ્યાસ કરે છે, આજના આધુનિક શિક્ષણ વ્યવસ્થાના યુગમાં પણ શાળામાં વિદ્યાર્થીઓને પૂરતી બેસવાની વ્યવસ્થા ઉપલબ્ધ નથી. કોમ્પ્યુટર, સ્માર્ટ ક્લાસ અને અન્ય ટેક્નોલોજી આધારિત શૈક્ષણિક સુવિધાઓનો પણ અભાવ હોવાથી વિદ્યાર્થીઓ આધુનિક શિક્ષણથી વંચિત રહી ગયા છે.
બાળકો દર બે દિવસે શાળાએ જાય છે
શાળામાં માત્ર બે જ વર્ગખંડ ઉપલબ્ધ હોવાથી બાલવાટિકાથી ધોરણ 8 સુધીના કુલ 10 વર્ગોનું નિયમિત સંચાલન અશક્ય બન્યું છે. પરિણામે છેલ્લાં કેટલાક સમયથી આ શાળામાં નિયમિત ક્લાસિસ ચલાવવું મુશ્કેલ બન્યું છે.
સ્થાનિક રહેવાસી મહેશભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે, વરસાદ દરમિયાન બિલ્ડિંગમાં ભેજ આવતાં ઇલેક્ટ્રિક કરંટ આખા બિલ્ડિંગમાં દોડી રહ્યો હોય છે. જેથી સલામતીના ભાગરૂપે વીજ પુરવઠો બંધ રાખવામાં આવે છે જેના કારણે બાળકોને પંખા અને લાઇટ વગર ગરમી તથા અંધારામાં અભ્યાસ કરવો પડે છે અને શિક્ષકો પણ મુશ્કેલી વચ્ચે શિક્ષણ કાર્ય કરવા મજબૂર બન્યા છે.
આચાર્યએ શું કહ્યું?
સમગ્ર મામલે હાલ આચાર્ય અંજનાબહેન ભીકડિયાએ મકાન જર્જરિત હોવાનું, કરંટ આવવાનું અને ગંદકી મામલે પરિસ્થિતિ ખરાબ હોવાનું જણાવ્યું હતું. તેમજ બાળકો માટે અનઅધ્યયન રાખી અભ્યાસ કરાવવાની વ્યવસ્થા કરી છે. તંત્ર દ્વારા યોગ્ય પગલાં લેવામાં આવે તેવી માગ આ વિસ્તારના અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ઊઠી છે.









