ખાંભામાં લોહિયાળ ખેલ: પ્રેમસંબંધની અદાવતમાં નાની ધારી રોડ પર યુવકની તલવારના ઘા ઝીંકી હત્યા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Amreli Crime News: અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના નાની ધારી ગામે મંગેતરને ભગાડી જવાની અદાવતમાં એક યુવાનની તલવારના ઘા ઝીંકી ઘાતકી હત્યા કરવામાં આવતા સમગ્ર પંથકમાં સનસનાટી મચી ગઈ છે. નાની ધારી અને ઈગરોળા ગામ વચ્ચેના માર્ગ પર ઘાત લગાવીને બેઠેલા શખસે આ વારદાતને અંજામ આપ્યો હતો.
રસ્તામાં આંતરીને કર્યો જીવલેણ હુમલો
મળતી માહિતી અનુસાર, નાની ધારી ગામનો રહેવાસી જયરાજ ઉર્ફે લાલુ ઘાખડા નામનો યુવાન જ્યારે નાની ધારી અને ઈગરોળા ગામ વચ્ચેથી પસાર થઈ રહ્યો હતો, ત્યારે ત્યાં અગાઉથી જ ઘાત લગાવીને બેઠેલા મયુર વરૂ નામના શખસે તેને રસ્તામાં આંતર્યો હતો. આરોપીએ જૂની અદાવત રાખીને જયરાજ પર તલવાર વડે આડેધડ જીવલેણ ઘા ઝીંકી દીધા હતા. હુમલો એટલો ગંભીર હતો કે જયરાજનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.
મંગેતરને ભગાડી જવાની અદાવત
પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આ હત્યા પાછળ પ્રેમસંબંધ અને જૂની અદાવત જવાબદાર છે. મૃતક જયરાજ ઉર્ફે લાલુએ આરોપી મયુર વરૂની મંગેતરને ભગાડી હતી. આ બાબતનો ખાર રાખીને આરોપી મયુરે બદલો લેવાના ઈરાદે જયરાજ પર જીવલેણ હુમલો કરી તેનું ઢીમ ઢાળી દીધું હતું.
ઘટનાની જાણ થતાં જ ખાંભા પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે મૃતકના શબને કબજે લઈ પોસ્ટમોર્ટમ અર્થે ખાંભા સિવિલ હોસ્પિટલ ખસેડ્યો છે. આ મામલે પોલીસે મયૂર વરૂ અને ત્રણ અજાણ્યા શખસો સામે નોંધી આરોપીને ઝડપી પાડવા માટે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.









