અમરેલીમાં સિંહ અને દીપડા બાદ અજગરનો આતંક: બગસરામાં ઘેટાને શિકાર બનાવનાર રાક્ષસી અજગરને મહા મહેનતે ઝડપી લેવાયો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Amreli Bagasra Giant Python Rescue: અમરેલી જિલ્લાના બગસરા પંથકમાં વન્યજીવોના આંટાફેરા સતત વધી રહ્યા છે. સિંહ અને દીપડાના શિકારની ઘટનાઓ વચ્ચે હવે બગસરાના કાગદડી ગામેથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં એક મહાકાય અજગરે ઘેટાને શિકાર બનાવીને દબોચી લીધો હતો.
માલધારી પશુ ચરાવી રહ્યા હતા ત્યારે બની ઘટના
પ્રાપ્ત વિગતો અનુસાર, કાગદડી ગામે એક માલધારી પોતાના પશુઓ ચરાવી રહ્યા હતા તે દરમિયાન અચાનક ઝાડીઓમાંથી નીકળેલા એક વિશાળ અજગરે ઘેટા પર હુમલો કરી દીધો હતો. અજગરે ઘેટાને પોતાના શિકાર તરીકે જકડી લીધો હતો અને તેની ફરતે વીંટળાઈ ગયો હતો. અજગરની મજબૂત પકડમાં આવી જવાથી ઘેટાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.
ઘટનાને પગલે સ્થાનિક ગ્રામસ્થો અને માલધારીઓમાં ડરનો માહોલ છવાઈ ગયો હતો. તાત્કાલિક આ અંગે વનવિભાગને જાણ કરવામાં આવી હતી.
વનવિભાગ દ્વારા સફળ રેસ્ક્યૂ ઓપરેશન
માહિતી મળતા જ વનવિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને ભારે જહેમત બાદ મહાકાય અજગરનું રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું હતું. પકડાયેલા આ અજગરની લંબાઈ આશરે 10 થી 12 ફૂટ અને વજન અંદાજે 25 કિલોગ્રામ જેટલું હોવાનું સામે આવ્યું છે.
વનવિભાગે ભારે સાવચેતીપૂર્વક અજગરને રેસ્ક્યૂ કરી સુરક્ષિત રીતે યોગ્ય જંગલ વિસ્તારમાં મુક્ત કરી દીધો છે, જેથી કોઈ માનવ વસ્તી કે પશુઓને નુકસાન ન થાય. પશુનો શિકાર કર્યો હોવા છતાં મહાકાય અજગરને ન મારવા બદલ કે હાની ન પહોંચાડવા બદલ વન વિભાગના કર્મચારીએ ગામલોકોનો આભાર માન્યો હતો. અવારનવાર બનતી આવી વન્યજીવ સળંગ ઘટનાઓને લઈને પંથકના ખેડૂતો અને માલધારીઓમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.









