અમરેલી SOGની કાર્યવાહી: બાબરાના નાની કુંડળ ગામેથી દેશી બંદૂક સાથે વૃદ્ધ ઝડપાયો, એક ફરાર
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Amreli News: અમરેલી જિલ્લામાં ગેરકાયદે હથિયારોની હેરાફેરી અને વપરાશને ડામવા માટે અમરેલી પોલીસ એક્શન મોડમાં આવી છે. જિલ્લામાં ગુનાખોરી નિયંત્રણના ભાગરૂપે સક્રિય બનેલી અમરેલી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG)ની ટીમે બાબરા તાલુકાના નાની કુંડળ ગામેથી એક આધેડને દેશી બનાવટની બંદૂક સાથે રંગેહાથ ઝડપી પાડ્યો છે.
બાતમીના આધારે પોલીસે વાડીમાં દરોડો
રાજ્યમાં ગંભીર ગુનાઓ અટકાવવા અને ગેરકાયદે હથિયાર રાખનારા તત્ત્વો વિરુદ્ધ પોલીસ વિભાગ દ્વારા ખાસ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ અભિયાન અંતર્ગત અમરેલી એસઓજી (SOG)ની ટીમને એક ચોક્કસ અને ખાનગી બાતમી મળી હતી. આ બાતમીના આધારે પોલીસે બાબરા તાલુકાના નાની કુંડળ ગામમાં આવેલ સાત હનુમાન મંદિર પાસેની એક વાડીમાં ઓચિંતો દરોડો પાડ્યો હતો.
દેશી બંદૂક જપ્ત, એક આરોપી ફરાર
પોલીસની આ રેડ દરમિયાન વાડીમાંથી મનજી ઓળકિયા નામનો શખસ હાથ બનાવટની દેશી બંદૂક સાથે મળી આવ્યો હતો. પોલીસે હથિયાર કબજે કરી આરોપી મનજી ઓળકિયાની અટકાયત કરી લીધી છે.
પોલીસની પ્રાથમિક પૂછપરછ અને તપાસ દરમિયાન આ હથિયારના કનેક્શનમાં હિમ્મત ઓળકિયા નામના અન્ય એક શખસનું નામ પણ સામે આવ્યું છે. જેથી પોલીસે હિમ્મત ઓળકિયાને વોન્ટેડ જાહેર કરી તેને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.









