અમરેલી નાની ધારી હત્યા કેસ: ખાંભામાં યુવકની હત્યા કરી ફરાર થયેલા 4 આરોપીઓ ઝડપાયા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Amreli Crime News: અમરેલી જિલ્લાના ખાંભાના નાની ધારી ગામે જૂની અંગત અદાવતમાં જયરાજ નામના યુવક પર તલવાર, કુહાડી અને પાઈપ વડે હુમલો કરી કરપીણ હત્યા નીપજાવી ફરાર થઈ ગયેલા મયુર વરુ સહિત ચાર આરોપીઓને અમરેલી LCBએ ઝડપી પાડ્યા છે. બાતમી અને ટેકનિકલ સોર્સના આધારે ગણતરીના દિવસોમાં આરોપીઓને પકડી આગળની કાર્યવાહી અર્થે ખાંભા પોલીસને સોંપાયા છે.
શું હતો સમગ્ર બનાવ?
મળતી માહિતી અનુસાર, ગત 15ની જુલાઈ 2026ના રોજ નાની ધારી ગામના જયરાજ ઉર્ફે લાલા ધાખડા પોતાના મોટરસાયકલ પર શક્તિરાજ વાળાને બેસાડીને જઈ રહ્યા હતા. આ દરમિયાન અંગત મનદુઃખ રાખી મયુર વરુ તથા અન્ય ત્રણ ઈસમો સ્વિફ્ટ કારમાં આવ્યા હતા. તેમણે મોટરસાયકલને ટક્કર મારી બંનેને પાડી દીધા હતા અને કારમાંથી ઉતરીને તલવાર, કુહાડી તેમજ લોખંડના પાઈપ વડે જયરાજ પર હુમલો કરી તેમની નિર્મમ હત્યા કરી ભાગી છૂટ્યા હતા. આ અંગે ખાંભા પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા (BNS) 2023ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.
LCB ટીમની સફળ કામગીરી
ભાવનગર રેન્જ આઈ.જી.પી. આર.વી. અસારી અને અમરેલી પોલીસ અધિક્ષક સંજય ખરાતની સૂચનાથી LCB પી.આઈ. સી.પી. વાઘેલા તેમજ તેમની ટીમે ટેકનિકલ સોર્સ અને બાતમીના આધારે તપાસ તેજ કરી હતી. ગણતરીના દિવસોમાં જ હત્યામાં સામેલ તમામ 4 આરોપીઓની અટકાયત કરી આગળની કાયદેસરની કાર્યવાહી માટે ખાંભા પોલીસને સોંપવામાં આવ્યા છે.
ઝડપાયેલા આરોપીઓના નામ
•મયુર વરુ (ઉં.વ. 24) – રહે. કંથારીયા, તા. જાફરાબાદ
•ચાપરાજ વાળા (ઉં.વ. 37) – રહે. ડુંગરી ઈંગોરાળા, તા. ધારી
•સુરેશ વરુ (ઉં.વ. 34) – રહે. બાલાની વાવ, તા. જાફરાબાદ
•ઉમેશ વરુ (ઉં.વ. 23) – રહે. ચોત્રા, તા. રાજુલા









