અમરેલીમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ,પાંચ તાલુકાની શાળાઓમાં રજા જાહેર, મીઠાપુર ડુંગળી ગામે 68 લોકોનું દિલધડક રેસ્ક્યૂ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Amreli Heavy Rain School Holiday Updates: અમરેલી જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ શરૂ કરી છે. સતત વરસી રહેલા ભારે વરસાદને પગલે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટી તંત્ર અને શિક્ષણ વિભાગ દ્વારા વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાને લઈ 5 તાલુકાની શાળાઓ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
સાવરકુંડલા, રાજુલા, જાફરાબાદ, ખાંભા અને ધારીની શાળાઓ બંધ
જિલ્લામાં ભારે વરસાદની આગાહી અને વર્તમાન સ્થિતિને જોતા શિક્ષણ વિભાગ દ્વારા સાવરકુંડલા, રાજુલા, જાફરાબાદ, ખાંભા અને ધારી એમ કુલ 5 તાલુકાની તમામ પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં આવતીકાલે શૈક્ષણિક કાર્ય બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે. જિલ્લાના અન્ય તાલુકાઓમાં રાત્રિ દરમિયાન વરસાદની સ્થિતિની સમીક્ષા કર્યા બાદ સ્થાનિક કક્ષાએ નિર્ણય લેવામાં આવશે તેમ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.
ધારીના મીઠાપુર ડુંગળી ગામમાં પૂરના કારણે 68 લોકો ફસાયા
વરસાદની સૌથી વધુ અસર ધારી તાલુકામાં જોવા મળી છે, જ્યાં મુશળધાર વરસાદને કારણે જનજીવન ભારે પ્રભાવિત થયું છે. ધારીના મીઠાપુર ડુંગળી ગામમાં મોરસુબડા ડેમના પાણી ફરી વળતા ગંભીર સ્થિતિ સર્જાઈ હતી. ગામમાં પાણી ઘૂસી જતાં 68થી વધુ લોકો પોતાના ઘરોમાં અને રસ્તાઓ પર ફસાઈ ગયા હતા.
ફાયર વિભાગે જીવના જોખમે 68 લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા
ગામમાં પાણી ભરાઈ જવાની જાણ થતાં જ અમરેલી ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. ફાયર ફાઇટરોએ જીવના જોખમે કેડસમા પાણીમાં ઉતરીને પૂરના પાણીમાં ફસાયેલા તમામ 68 લોકોને સહીસલામત રીતે રેસ્ક્યુ કર્યા હતા. વહીવટી તંત્રની સમયસૂચકતાને કારણે મોટી જાનહાનિ ટળી હતી. હાલ તંત્ર દ્વારા નાગરિકોને નદી-નાળાની નજીક ન જવા અને સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે.









