Amreli

અમરેલીમાં અનરાધાર! નાવલી નદી ગાંડીતૂર બની, ધારીમાં શેત્રુજી નદીના વહેણમાં ખેડૂત તણાતા મોત

By GS Team
6 Jul 20262 mins read
TukuTouch Logo
અમરેલી જિલ્લામાં મેઘમહેર યથાવત છે. દામનગર અને સાવરકુંડલામાં ધોધમાર વરસાદથી જળબંબાકાર થયો છે. નાવલી નદીમાં ઘોડાપૂર અને સુકનેરા ડેમ ઓવરફ્લો થયા છે. ખેડૂતો ખુશ છે, પરંતુ ધારી નજીક શેત્રુંજી નદીમાં એક ખેડૂત શરદભાઈ કાછડીયા તણાઈ જતાં તેમનું મૃત્યુ થયું છે. આ ઘટનાથી શોક છવાયો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમરેલીમાં અનરાધાર! નાવલી નદી ગાંડીતૂર બની, ધારીમાં શેત્રુજી નદીના વહેણમાં ખેડૂત તણાતા મોત

Amreli Heavy Rain Updates Today: અમરેલી જિલ્લામાં મેઘમહેર યથાવત છે! મેઘરાજાએ મન મૂકીને હેત વરસાવતા ધરતીપુત્રોમાં આનંદની લહેરની સાથે જિલ્લામાં ઠેર-ઠેર જળબંબાકારના દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે. દામનગર શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદનું આગમન થયું છે. શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે, જ્યારે ખેતરો પાણીથી તરબોળ થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

નાવલી નદીમાં ઘોડાપૂર, સુકનેરા ડેમ ઓવરફ્લો થયો

ગઈકાલે 7 ઈંચ વરસાદ બાદ 12 કલાકના વિરામ પછી સાવરકુંડલામાં ફરી મેઘરાજાએ એન્ટ્રી કરી છે. શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં બપોર બાદ બફારા સાથે શરૂ થયેલા વરસાદને કારણે રસ્તાઓ પાણી પાણી થઈ ગયા છે અને શહેરના માર્ગો પરથી વરસાદી પાણી વહી રહ્યા છે. સાવરકુંડલામાં ભારે વરસાદના કારણે સ્થાનિક નાવલી નદીમાં ઘોડાપૂર આવતા નદી ગાંડીતૂર બની હતી અને પાણી પુલ પર ફરી વળ્યા હતા. પૂરના પ્રચંડ પ્રવાહમાં એક વીજપોલ ધરાશાયી થવાની ઘટના કેમેરામાં કેદ થઈ હતી. નદીના પાણી કાંઠાની દુકાનોમાં ઘૂસી ગયા હતા, જ્યારે સુકનેરા ડેમ પણ ઓવરફ્લો થયો હતો.

લાઠી, લિલીયા અને કુકાવાવ પંથકમાં મેઘમહેર

લાઠી અને લિલીયા પંથકમાં પણ મેઘરાજા મહેરબાન થયા છે. લિલીયાના એકલેરા અને ગુદરણ સહિતના ગામો તેમજ લાઠીના ઈંગોરાળા અને હાવતડ પંથકમાં સારો વરસાદ નોંધાયો છે. લાંબા સમયથી વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતોના ચહેરા પર આ વરસાદે સ્મિત રેલાવી દીધું છે. તો બીજી તરફ, કુકાવાવ પંથકમાં ધીમીધારે વરસાદ શરૂ થયો છે. અમરાપુર, બરવાળા અને બાવીસી ગામમાં મેઘરાજાના હેતથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે.

પોલીસ જવાનો સ્થાનિક લોકો માટે દેવદૂત બન્યા

ભારે વરસાદના કારણે જાફરાબાદ પંથકમાં પૂર જેવી સ્થિતિ સર્જાતા પોલીસ જવાનો સ્થાનિક લોકો માટે દેવદૂત બન્યા છે. વઢેરા ગામે કમર સુધીના પૂરમાં જીવના જોખમે ઉતરીને પોલીસે બાળકો, મહિલાઓ અને વૃદ્ધોને સુરક્ષિત સ્થળે ખસેડ્યા હતા. મુશ્કેલ સમયમાં બજાવેલી આ પ્રશંસનીય ફરજને કારણે સમગ્ર પંથકમાં જાફરાબાદ પોલીસની માનવતા અને બહાદુરીના વખાણ થઈ રહ્યા છે.

WhatsApp Image 2026-07-06 at 5.13.53 PM (1).jpeg

શેત્રુજી નદીના પૂરના વહેણમાં ખેડૂત તણાયા

એક તરફ વરસાદી આનંદ વચ્ચે ધારીના ખોડીયાર ડેમના દરવાજા ખોલવામાં આવતા શેત્રુજી નદીના વહેણમાં શરદભાઈ કાછડીયા નામના ખેડૂત તણાઈ ગયા હતા. 12 કલાકની સઘન શોધખોળ બાદ તેમનો મૃતદેહ નદી કિનારેથી મળી આવતા સમગ્ર પંથકમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે.

image.png