Amreli

અમરેલી: બાબરા APMCની ચૂંટણીમાં 10 બેઠકો જીતી ભાજપે મારી બાજી, 3 અસંતુષ્ટો અને 1 અપક્ષ ઉમેદવારો વિજેતા

By GS Team
29 Sep 20262 mins read
TukuTouch Logo
અમરેલી જિલ્લાના બાબરા APMC ચૂંટણી પરિણામો જાહેર થયા છે. કુલ 14 બેઠકોમાંથી ભાજપ પ્રેરિત પેનલે 10 બેઠકો જીતી પોતાનો ગઢ અકબંધ રાખ્યો છે. ભાજપના લલીત આંબલીયા, ખોડીદાસ ભંડેરી સહિત 8 ખેડૂત વિભાગના ઉમેદવારો વિજેતા બન્યા. અસંતુષ્ટ જૂથમાંથી જીવાજી રાઠોડ સહિત 4 ઉમેદવારો ચૂંટાયા. ખેડૂતો અને વેપારીઓએ ભાજપ પર વિશ્વાસ વ્યક્ત કર્યો.

Summarized by AI; it may make mistakes. Check important info

અમરેલી: બાબરા APMCની ચૂંટણીમાં 10 બેઠકો જીતી ભાજપે મારી બાજી, 3 અસંતુષ્ટો અને 1 અપક્ષ ઉમેદવારો વિજેતા

Babra APMC Election Results: અમરેલી જિલ્લાના રાજકારણમાં ગરમાવો લાવનાર બાબરા APMCની ચૂંટણીનું પરિણામ જાહેર થઈ ગયું છે. બાબરા APMCની કુલ 14 બેઠકો માટે યોજાયેલી આ ચૂંટણીમાં ભાજપ પ્રેરિત પેનલે 10 બેઠકો પર ભવ્ય વિજય મેળવીને પોતાનો ગઢ અકબંધ રાખ્યો છે. વિજયની જાહેરાત થતાં જ જિલ્લા ભાજપ દ્વારા વિજયોત્સવ મનાવ્યો હતો.

16 રાઉન્ડની મતગણતરી બાદ ચિત્ર સ્પષ્ટ થયું
બાબરા APMC હોલ ખાતે યોજાયેલી કુલ 16 રાઉન્ડની મતગણતરીમાં વેપારી અને ખેડૂત વિભાગનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું.

વેપારી વિભાગ (4 બેઠકો): આ વિભાગમાં કુલ 38 મતદારોએ મતદાન કર્યું હતું. જેમાં ભાજપ અને ભાજપના અસંતુષ્ટ જૂથ વચ્ચે સીધી ટક્કર જોવા મળી હતી. ભાજપ પ્રેરિત પેનલના લલીત આંબલીયા અને ખોડીદાસ ભંડેરીનો વિજય થયો હતો, જ્યારે અસંતુષ્ટ જૂથમાંથી વિજય રાઠોડ અને અપક્ષ તરીકે લડેલા રાજુ મકવાણા ચૂંટાઈ આવ્યા હતા.

ખેડૂત વિભાગ (10 બેઠકો): ખેડૂત વિભાગની 10 બેઠકો માટે કુલ 21 ઉમેદવારો મેદાનમાં હતા. ભાજપે ટિકિટ ન આપતા યાર્ડના પૂર્વ ચેરમેન જીવાજી રાઠોડે અસંતુષ્ટ પેનલ બનાવીને ચૂંટણી લડી હતી. આ વિભાગમાં અસંતુષ્ટ જૂથના જીવાજી રાઠોડ અને જયસુખ કલાકાણી વિજેતા બન્યા હતા. જોકે, બાકીની 8 બેઠકો પર ભાજપે કબ્જો જમાવ્યો હતો.

'ખેડૂતો અને વેપારીઓએ ભાજપ પર વિશ્વાસ મૂક્યો'

ખેડૂત વિભાગની 8 અને વેપારી વિભાગની 2 મળીને ભાજપના કુલ 10 ઉમેદવારો ચૂંટાઈ આવ્યા છે. ચૂંટણી અધિકારી સંદીપ અણીયાળીયાએ સત્તાવાર પરિણામો જાહેર કર્યા બાદ, અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ અતુલ કાનાણી અને નવનિયુક્ત ડાયરેક્ટર જગદીશભાઈ નાકરાણીએ જણાવ્યું હતું કે, ખેડૂતો અને વેપારીઓએ ફરી એકવાર ભાજપની ખેડૂતલક્ષી નીતિઓ પર પૂર્ણ વિશ્વાસ વ્યક્ત કર્યો છે. અસંતુષ્ટોના પડકાર છતાં ભાજપે બાબરા માર્કેટિંગ યાર્ડ પર સત્તાસ્થાને બિરાજીને પોતાનો ભગવો લહેરાવ્યો છે.