ભારતમાં જળબંબાકાર હવે કાયમી સંયોગો રહેશે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- અલ્પવિરામ
- સંરક્ષણ મંત્રાલય અને નાણાં મંત્રાલયને વિશેષ મહત્ત્વ આપવામાં આવે છે એટલું જ મહત્ત્વ વિકસિત દેશોમાં હવામાનખાતાને આપવામાં આવે છે. આપણે ખરેખર હવે સારા હવામાનશાસ્ત્રીની જરૂર છે
સમગ્ર દેશમાં આ વરસે અનેક રાજ્યોમાં મેઘ તાંડવે હાહાકાર મચાવ્યો છે અને હજુ થોડા અંતરાય પછી એ ચાલુ રહેવાની સંભાવના છે. હિમાચલ અને ઉત્તરાખંડમાં પહાડો બરફની જેમ પીગળી રહ્યા છે. ઠેર ઠેર ભૂસ્ખલન થાય છે. આજે પણ સંખ્યાબંધ રસ્તાઓ બંધ છે. હવે વરસાદ અટકે એની રાહ છે અને હજુ વાદળાઓ વિખરાતા નથી. વનવગડામાં અને રસ્તાની બન્ને બાજુએ લીલા રંગનો પ્રલય થયેલો છે. કવિ પ્રહલાદ પારેખ કહે છે કે જ્યાં સુધી પહોંચે નજર ત્યાં સુધી બસ ઘાસનો વિસ્તાર છે ને પછી આકાશ કેરી નીલરંગી ક્ષિતિજ કેરી ધાર છે…!
જે રીતે સંરક્ષણ મંત્રાલય અને નાણાં મંત્રાલયને વિશેષ મહત્ત્વ આપવામાં આવે છે એટલું જ મહત્ત્વ વિકસિત દેશોમાં હવામાનખાતાને આપવામાં આવે છે. આપણે ખરેખર હવે સારા હવામાનશાસ્ત્રીની જરૂર છે. જે લોકોએ વાવણી વહેલી કરી એમના ઊભા પાક વધુ પડતા પાણીમાં બળી ગયા છે અને જેમણે મોડી વાવણી કરી અને પાક જરાક અંકુરિત થયા એ બધા ધોવાઈ ગયા છે.
કૃષિ ક્ષેત્રને સરકાર ઘણું આપે છે પણ જે હાઈટેક સજ્જતાઓ આપવી જોઈએ એ આપી નથી. કેલિફોર્નિયામાં જે એક ઓબઝર્વેટરી છે, એનું કામ તો સતત વાદળોનું નિરીક્ષણ કરવાનું છે. વર્ષોથી સંશોધનો કરતા હોવાને કારણે કુદરતના કેટલાક રહસ્યો વૈજ્ઞાાનિકોના હાથમાં આવી જાય છે અને એ પ્રમાણે તેઓ પોતાના દેશના વાતાવરણને અમુક અંશે જાતે નેવિગેટ કરી શકે છે.
આ વખતે છેલ્લા બેચાર દિવસમાં એકલા આસામમાં છ લાખ લોકોએ સ્થળાંતર કરવું પડયું. નવાઈની વાત એ છે કે આ વખતે બ્રહ્મપુત્ર અને એની ઉપનદીઓના નીર એવા પ્રદેશોમાં ફરી વળ્યા જ્યાં અગાઉ કદી આવો પ્રલય થયો ન હતો. જો કે આસામ સરકારે અથાક મહેનત કરીને સ્થિતિ થાળે પાડી છે. પરંતુ લાખો લોકો વિસ્થાપિત થઈ ગયા છે. હવામાન ખાતાની જવાબદારી દેશના અનેક પ્રકારના કૃષિ પાકને માર્ગદર્શન આપવાની છે. ઉપરાંત ખેડૂતોને હવામાન પ્રમાણે એડવાન્સમાં પાકની પસંદગીના નિર્ણયમાં મદદ કરવાની છે. સામાન્ય પ્રજા એવું માને છે કે વરસાદ આવે અથવા તો સિંચાઇથી પાણી મળે એટલે ખેતીવાડી સારી થાય. એ માન્યતા ભ્રામક છે.
જે લોકો ખેતી કરે છે એને ખબર છે કે પાકનો ઘણો મોટો આધાર માત્ર પાણી ઉપર નહીં, પરંતુ પાણી પછીના હવામાન પર નિર્ભર છે. વિકસિત દેશોમાં યુનિવર્સિટીઓ કમ સે કમ તેના વિસ્તારના કિસાનોને વરસમાં ચારથી પાંચ વાર બોલાવે છે અને એમને એમની ભાષામાં સાદગીપૂર્વક આધુનિક કૃષિ ટેકનોલોજી અને હવામાન પરિવર્તનનું જ્ઞાાન આપે છે. બદલાયેલા ઉષ્ણતામાનમાં અગાઉ લેતા હતા એ જ પાક, એટલી જ નીપજ સાથે કઈ રીતે લેવા એનું પૂરતું માર્ગદર્શન આપે છે. યુનિવર્સિટીના પ્રોફેસરો વળી વરસ દરમિયાન તેમણે ભણાવેલા એ કિસાનોના ખેતરો પર અવારનવાર મુલાકાત લે છે.
જળવાયુ સંકટની શરૂઆત હવે નવા નવા વળાંકે પહોંચવા લાગી છે. છેલ્લા ત્રણ જ વરસમાં એવો કોઈ દેશ બાકી રહ્યો નથી જ્યાં કુદરતી કોપ ન ઉતર્યો હોય. કુદરતી હોનારતો, ઝંઝાવાત, પ્રલય…. જે ક્વચિત જ બનતી ઘટનાઓ હતી તે હવે સામાન્ય થઈ ગઈ છે. આપણે ત્યાં પૂર્વોત્તર ભારતમાં બ્રહ્મપુત્ર નદી કાયમ ચોમાસામાં એના બેય કાંઠે તારાજી ફેલાવે છે. લોકમાતા એકાએક મહાવિનાશિની બની જાય છે. સંખ્યાબંધ નાગરિકો તણાઈ જાય છે અને કરોડો રૂપિયાનું જાનમાલને નુકસાન થાય છે. બ્રહ્મપુત્રમાં જે ઉછળતા ઘોડાપુર આવે છે એ પૂનમની રાતે કિનારે પછડાતા મહાસાગરની તાકાત ધરાવતા હોય છે. આજે પણ એ નિરંકુશ વહી રહ્યા છે.
આ બ્રહ્મપુત્ર નદી પર કામ કરનારા એટલે કે સંશોધન કરનારા વૈજ્ઞાાનિકોનો આપણા દેશમાં દુષ્કાળ છે. આ એટલી સમર્થ નદી છે કે અરધા ભારતને પોષણ આપી શકે છે. એની સરેરાશ ઊંડાઈ આઠસો ફૂટ છે અને ક્યાંક તો એ હજારેક ફૂટનું ઊંડાણ ધરાવે છે. તિબેટ, ભારત અને બાંગ્લાદેશમાંથી એ વહે છે. ગંગાની મૂળ નદી પદ્મા સાથે ભળીને એ બંગાળના અખાતમાં સમાઈ જાય છે. આપણી ભૌગોલિક રચના પણ એવી છે કે સરકાર ધારે તો છેક કન્યાકુમારી સુધી બ્રહ્મપુત્રની અમૃતધારા પહોંચાડી શકે. પરંતુ એ કલ્પનાનો જ વિષય છે. કારણ કે નિર્ણાયક રાજનેતાઓ પ્રજામાંથી જ આવે છે અને પ્રજા તરીકે જુઓ તો આપણામાં નદીની સંભાળ લેવાના કોઈ સંસ્કાર નથી.
ગુજરાતમાં મોટાભાગની નદીઓમાં હવે ઊંડાણ જ નથી. રસ્તાને અને આસપાસના ખેતરોને સમાંતર સપાટીએ એ વહે છે.
એને કારણે ભારેથી અતિભારે વરસાદમાં વારાફરતે સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતની લાખો હેક્ટર જમીનો ધોવાતી રહે છે. કારણ કે જળને ધારણ કરવાની નદીની ક્ષમતા જ નહિવત્ થઈ ગઈ છે. દેશમાં ઋતુઓમાં થઈ રહેલા ફેરફારો બાગાયતી પાકો માટે ઘાતક નીવડે છે.
ફળફળાદિ તો આવે છે પણ એમાં પહેલા જેવું માધુર્ય ન હોય. આ તો સહુનો અનુભવ છે. એ જ રીતે શાકભાજીના સ્વાદ પણ મોળા પડી રહ્યા છે. આ સ્થિતિ આપણને ક્યાં લઈ જશે ? એકલી સરકાર કંઈ કરી શકે એમ નથી. કારણ કે એમને શાસન જ પ્રિય હોય છે અને પોતાના પક્ષની ધજા ફરકતી રાખવામાં રસ હોય છે. રાજકીય લોકોની દ્રષ્ટિ ટૂંકી છે. એટલે એશિયામાં જે દેશ પાસે પર્યાવરણ, હવામાન અને પ્રકૃતિ વિષયક મહાન સંશોધક, રાષ્ટ્રસેવાભાવના ધરાવતા વૈજ્ઞાાનિકોનો મોટો સમૂહ હશે તે દેશો બચી જશે.
આસામના પૂરનું અત્યારે તો મુખ્ય કારણ પડોશી રાજ્યોમાંથી આવતા મજબૂત પ્રવાહો છે. ભારત સરકારના એક અહેવાલમાં જણાવાયું છે કે આસામમાં નદી ધોવાણ અટકાવવા માટે બાંધવામાં આવેલા મોટાભાગના બંધ જર્જરિત છે, અને કેટલીક જગ્યાએ સંપૂર્ણપણે નાશ પામ્યા છે. એક અંદાજ મુજબ રાજ્યમાં આશરે ૪,૪૪૮ કિલોમીટર લાંબા નદી કિનારાઓ પૂર દરમિયાન માટીનું ધોવાણ અટકાવવા માટે કોંક્રિટ બંધથી બનાવવામાં આવ્યા હતા. જોકે, આજે તેમાંથી અડધા પણ બચ્યા નથી. વર્ષોથી તેનું સમારકામ કરવામાં આવ્યું નથી.
નદીઓએ પણ પોતાનો માર્ગ ધરખમ બદલી નાખ્યો છે. જમીન ધોવાણનું એક મુખ્ય કારણ રાજ્યના જંગલો અને ભીના મેદાનો પર અતિક્રમણ છે. એ વાત જાણીતી છે કે વૃક્ષો માટીનું ધોવાણ અટકાવે છે અને વરસાદી પાણીને સીધા જમીન પર પડતા અટકાવે છે. ભીના મેદાનો મોટા પ્રમાણમાં નદીના પાણીને શોષી લેતા હતા. કમનસીબે, આવા વિસ્તારોમાં, અતિક્રમણનો રોગ ગ્રામીણ સ્તરે ફેલાયો, જેના કારણે નદી પાસે પોતાના કાંઠા કાપવા સિવાય કોઈ વિકલ્પ રહ્યો નહીં.
આજે, ડ્રેજિંગ દ્વારા આસામની નદીઓની ઊંડાઈ વધારવાની જરૂર છે. તેના કિનારામાંથી રેતીનું ખાણકામ બંધ કરવું જોઈએ. ગાઢ જંગલો પણ ધોવાણ અટકાવવામાં મદદ કરશે. અમેરિકાની મિસિસિપી નદી પણ આવી જ રીતે જમીન ધોવાણ કરતી હતી. ૧૯૮૯ માં, ત્યાં અલગ રીતે પાળા બનાવવામાં આવ્યા હતા અને ખેતીના પ્રયોગો કરવામાં આવ્યા હતા. આજે, નદીનું ધોવાણ સંપૂર્ણપણે નિયંત્રણમાં છે. આગામી દિવસોમાં, ટૂંકા ગાળામાં ભારે અને તીવ્ર વરસાદ થવાનો છે. તેથી, આસામના અસ્તિત્વને બચાવવા માટે, તેના કિનારાઓને સુરક્ષિત રાખવા માટે લાંબા ગાળાની યોજના જરૂરી છે.









