દેશની પહેલી બુલેટ ટ્રેન કેવી હશે? જાણો કોચની વિશેષતા અને કેટલા મુસાફરો બેસશે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad-Mumbai Bullet Train: છેલ્લા ઘણાં સમયથી દેશની જનતા ભારતમાં પહેલી બુલેટ ટ્રેન ક્યારે શરૂ થશે તેની આતુરતાથી રાહ જોઈ રહી છે. ત્યારે આવનારા વર્ષમાં જ અમદાવાદ-મુંબઈ હાઈસ્પ્રીડ બુલેટ ટ્રેન કોરીડોરમાં વાપીથી સુરત વચ્ચે જ પહેલી તબક્કાવારમાં ટ્રેન શરૂ થવા જઈ રહી છે ત્યારે આ ટ્રેનમાં કોચ કેટલા હશે અને તેની અંદરનું માળખું કેવું હશે તે સામે આવ્યું છે. બીઈએમએલ દ્વારા તૈયાર થઈ રહેલી બી28 ટ્રેનમાં કુલ 8 કોચ હશે. જેમાં 7 કોચ સ્ટાન્ડર્ડ ક્લાસના અને એક કોચ એક્ઝિક્યુટિવ ક્લાસનો હશે. આ ટ્રેનમાં ટોટલ 616 મુસાફરો બેસીને મુસાફરી કરી શકશે. વર્ષની શરૂઆતના એક બે પખવાડિયામાં જ બુલેટ ટ્રેનના પ્રોટોટાઈપનું ટ્રાયલ શરૂ કરવા રેલવેનું આયોજન છે.
7 કોચ સ્ટાન્ડર્ડ, 1 કોચ એક્ઝિક્યુટિવ ક્લાસનો રહેશે
બેંગલુરુમાં ભારત અર્થ મુવર્સ લિમિટેડ દ્વારા દેશની પ્રથમ સ્વદેશી બી28 બુલેટ ટ્રેન તૈયાર કરવામાં આવી રહી છે. 8 કોચની આ ટ્રેનમાં કુલ 616 મુસાફરો બેસી શકે તેવી વ્યવસ્થા કરાઈ છે. જેમાં 7 સ્ટાન્ડર્ડ ક્લાસના અને એક એક્ઝિક્યુટિવ ક્લાસના કોચ રહેશે. એક્ઝિક્યુટિવ કોચમાં 2-2 બેઠક વ્યવસ્થા, આરામદાયક સીટ, પગ ફેલાવવા માટે વધુ જગ્યા, મોટી બારીઓ અને મુસાફરોને સામાન રાખવા માટે ઉપર મોટી રેક મળશે. ટ્રેનની ડિઝાઈન ઝડપ 280 કિ.મી પ્રતિ કલાકની છે, પરંતુ તેને 249 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે દોડાવવાનું આયોજન છે. બીઈએમએલ આ પ્રકારની કુલ 47 ટ્રેન બનાવી દેશમાં કાર્યરત કરશે.
આગામી 2027ના પહેલા ત્રિમાસિક ગાળામાં અમદાવાદ-મુંબઈ વચ્ચે બુલેટ ટ્રેનના કોરિડોરમાં બે પ્રોટોટાઈપના ટ્રાયલ રૂપે દોડાવવામાં આવશે. જેની સફળતા મળ્યા બાદ સુરત-વાપી વચ્ચેના 100 કિ.મી. રૂટમાં દેશની પહેલી બુલેટ ટ્રેન દોડતી કરાશે. ત્યારબાદ 2030સુધીમાં અમદાવાદ-મુંબઈ વચ્ચેના સંપૂર્ણ રૂટ પર બુલેટ ટ્રેન શરૂ કરવા લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ પાછળ અત્યાર સુધીમાં બે લાખ કરોડથી વધુ ખર્ચ થઈ ચૂક્યો છે. બીજી તરફ, દેશને આત્મનિર્ભર બનાવવાની દિશામાં આ કંપની 350 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે દોડી શકે તેવી બીજી ટ્રેન વિકસાવશે.




