ગુજરાતમાં કિડનીની બીમારીના દર્દીઓ વધવાનું કારણ શું છે? બે વર્ષમાં ટ્રાન્સપ્લાન્ટમાં 34% નો ઉછાળો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Gujarat Kidney Disease: ગુજરાતમાં કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવનારા દર્દીઓમાં માત્ર બે વર્ષમાં 34 ટકાનો ચિંતાજનક વધારો નોંધાયો છે. જેમાં વર્ષ 2023માં 818 જ્યારે વર્ષ 2025માં 1099 દર્દીના કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યા હતા. વધુ ચિંતાની વાત એ પણ છે કે, કિડનીની રાહ જોતાં પાંચ વર્ષમાં 16 દર્દીઓના મોત થયા છે.
કિડની માટે ડોનરની રાહ જોતાં-જોતાં પાંચ વર્ષમાં 16 દર્દીઓના મોત
સિવીલની કિડની હોસ્પિટલમાં વર્ષ 2016માં કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવનારા દર્દીઓની સંખ્યા 341 હતી અને તે હવે 2025માં વધીને 500 થઈ ગઈ છે. ગયા વર્ષે 500 કિડની ટ્રાન્સપ્લાન્ટ થયેલા હતા, તેમાંથી 330 દર્દી ગુજરાતના અને 170 ગુજરાત બહારના હતા. કુલ કિડની ટ્રાન્સપ્લાન્ટમાંથી 157 કેડેવર, 49 સ્વેપ ટ્રાન્સપ્લાન્ટથી થયેલા હતા.
હાલ રજાના દિવસોને બાદ કરવામાં આવે તો દરરોજ સરેરાશ બેથી વધુ કિડની ટ્રાન્સપ્લાન્ટ સિવીલમાં થાય છે. ગુજરાત ડાયાલિસિસ પ્રોગ્રામ હેઠળ વર્ષ 2025માં 5.61 લાખ દર્દીનું ડાયાલિસિસ કરવામાં આવ્યું હતું. આમ, દરરોજ સરેરાશ 1538 દર્દીને ડાયાલિસિસની પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે.

હવે ખાસ કરીને યુવા વયે કિડનીના દર્દીઓમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. વર્ષ 2025માં સૌથી વધુ કિડની ટ્રાન્સપ્લાન્ટ થયા હોય તેવા રાજ્યમાં દિલ્હી 2458 સાથે મોખરે, તામિલનાડુ 1909 સાથે બીજા અને મહારાષ્ટ્ર 1475 સાથે ત્રીજા સ્થાને છે. વર્ષ 2025માં કિડની માટે ડોનરની રાહ જોતાં-જોતાં દિલ્હીમાંથી સૌથી વધુ 132, રાજસ્થાનમાંથી 19, ગોવામાંથી 17, મહારાષ્ટ્રમાંથી 15, મધ્ય પ્રદેશમાંથી 11, જ્યારે કર્ણાટક-હરિયાણામાંથી 10-10ના મોત થયેલા છે.
કિડનીની સમસ્યા વધવાનું કારણ
•ડાયાબિટીસ અને બ્લડ પ્રેશરના કેસમાં વધારો. ડાયાબિટીસ લાંબા સમય સુધી અનકંટ્રોલ રહે તો કિડનીને અસર થાય છે.
•વધુ મીઠું, તેલિયું અને પ્રોસેસ્ડ ફૂડ, ફાસ્ટ ફૂડની વધતી ટેવ.
•પાણી ઓછું પીવું.
•કસરતનો અભાવ.
•પેઇનકિલર અને સ્ટેરોઇડ્સનો લાંબા સમય સુધી ઉપયોગ. ડોક્ટરની સલાહ વગર દવા લેવાથી કિડની ધીમે-ધીમે ખરાબ થાય છે.
•કેટલાક વિસ્તારોમાં હાર્ડ વોટર અથવા કેમિકલ મિશ્રિત પાણી ફ્લોરાઇડ/નાઇટ્રેટની માત્રા વધારે હોવી.
•જાગૃતિ અને ડાયગ્નોસિસ વધવું. આ પણ એક મહત્વનું કારણ છે. હવે વધુ ટેસ્ટિંગ થાય છે. લોકો સમયસર ચેકઅપ કરાવે છે.









