અમદાવાદના રામોલમાં ત્રણ સવારી સાથે જોખમી સ્ટંટ કરતા સગીરનો વીડિયો વાઈરલ, માતા સામે ગુનો નોંધાયો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad News: અમદાવાદના રામોલ વિસ્તારમાં સગીર પુત્રને મોપેડ આપી જાહેર રસ્તા પર ત્રણ સવારી સાથે સર્પાકાર અને પુરઝડપે જોખમી સ્ટંટ કરાવવાના મામલે પોલીસે લાલ આંખ કરી છે. સોશિયલ મીડિયા પર સગીરનો જીવલેણ સ્ટંટ કરતો વીડિયો વાઈરલ થયા બાદ રામોલ પોલીસે તપાસ હાથ ધરી હતી. જેમાં વાહનચાલક સગીર હોવાનું અને તેની પાસે લાયસન્સ ન હોવા છતાં વાહન ચલાવવા આપ્યું હોવાનું સામે આવતાં પોલીસે તેની માતા કૌશલ્યા માજીરાણા સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
વીડિયો વાઈરલ થતાં રામોલ પોલીસે તપાસ હાથ ધરી
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર થોડા દિવસ પહેલાં એક વીડિયો વાઈરલ થયો હતો. આ વીડિયોમાં એક સગીર જાહેર માર્ગ પર મોપેડ પર ત્રણ સવારી બેસાડીને અત્યંત પુરઝડપે નાગિન સ્ટાઇલ (સર્પાકાર)માં વાહન હંકારી રહ્યો હતો. જાહેર રસ્તા પર અન્ય વાહનચાલકો અને રાહદારીઓનો જીવ જોખમાય તેમજ ગંભીર અકસ્માત સર્જાય તે રીતે જોખમી ડ્રાઇવિંગ કરવામાં આવી રહ્યું હતું.
આ વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થતાં રામોલ પોલીસના ધ્યાને આવ્યો હતો, જેના આધારે પોલીસે વાહનના નંબર અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી ચાલકની શોધખોળ શરૂ કરી હતી. પોલીસ તપાસ દરમિયાન સામે આવ્યું હતું કે મોપેડચાલક સગીર વયનો છે અને તેની પાસે વાહન ચલાવવાનું કોઈ અધિકૃત લાયસન્સ નથી. આ ઉપરાંત પ્રાથમિક તપાસમાં એ પણ બહાર આવ્યું કે સગીરની માતા કૌશલ્યા માજીરાણાએ પોતાના પુત્ર પાસે લાયસન્સ ન હોવાનું જાણવા છતાં તેને મોપેડ ચલાવવા આપ્યું હતું. જેથી સગીરને વાહન સોંપી જાહેર રસ્તા પર અન્ય લોકોની જિંદગી જોખમમાં મૂકવાની મંજૂરી આપવા બદલ રામોલ પોલીસે કૌશલ્યા માજીરાણા સામે ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ તેજ કરી છે.
રીલ્સના ચક્કરમાં સગીરો સ્ટંટબાજી તરફ, વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો
સોશિયલ મીડિયામાં લાઇક્સ અને ફોલોઅર્સ મેળવવા માટે સગીરો અને યુવાનો ટ્રાફિક નિયમો નેવે મૂકી જોખમી સ્ટંટ કરતા અચકાતા નથી. મોટર વ્હીકલ એક્ટના સુધારેલા નિયમો મુજબ, જો કોઈ સગીર વાહન ચલાવતાં પકડાય કે અકસ્માત સર્જે, તો વાહનના માલિક અથવા વાલી સામે સીધી ફોજદારી કાર્યવાહી અને ભારે દંડની જોગવાઈ છે. રામોલનો આ કિસ્સો એવા વાલીઓ માટે ચેતવણીરૂપ છે જેઓ પોતાના સગીર સંતાનોની જીદ સામે ઝૂકીને તેમને વાહન આપી દે છે.




