અમદાવાદ: વટવા-ઇસનપુર રોડ પર કારની ટક્કરે લોડિંગ રિક્ષામાં સવાર 3 વ્યક્તિને ગંભીર ઈજા, અકસ્માત બાદ ચાલક ફરાર
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad Vatva Isanpur Road Accident: અમદાવાદના વટવા-ઇસનપુર રોડ પર ગત 14 નવેમ્બરની રાત્રે પૂરઝડપે આવી રહેલી એક કારે લોડિંગ રિક્ષાને પાછળથી જોરદાર ટક્કર મારી હતી. ફર્નિચરનો સામાન ખાલી કરીને દાણીલીમડા પરત ફરી રહેલી રિક્ષાને નડેલા આ અકસ્માતમાં રિક્ષાચાલક સહિત ત્રણ વ્યક્તિઓ રસ્તા પર ફંગોળાતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. અકસ્માત સર્જ્યા બાદ કાર નજીકના ઇલેક્ટ્રિક થાંભલા અને કેનાલની દીવાલ સાથે અથડાઈ હતી, જે બાદ ચાલક ઘટનાસ્થળે કાર મૂકીને ફરાર થઈ ગયો હતો. જે-ડિવિઝન ટ્રાફિક પોલીસે કારચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
વટવા-ઇસનપુર રોડ પર પૂરઝડપે આવેલી કારે લોડિંગ રિક્ષાને પાછળથી ટક્કર મારતા અકસ્માત
પોલીસ ફરિયાદ અનુસાર, દાણીલીમડા વિસ્તારમાં રહેતા મોહમદ શાલર લાલમોહમદ શેખ અને તેમના મિત્ર મુનાફ યુસુફભાઈ શેખ ગત 14 નવેમ્બરની રાત્રે દાણીલીમડા પોલીસ સ્ટેશન સામે આવેલી ન્યુ લકી ફર્નિચરની દુકાને હાજર હતા. તે સમયે લોડિંગ રિક્ષાના ડ્રાઈવર વસીમ સલીમભાઈ લીલગરે બંનેને ફર્નિચરનો સામાન વટવા નવાપુરા ખાતે ઉતારવાની મજૂરી માટે બોલાવ્યા હતા.

રિક્ષામાં સવાર ત્રણેય વ્યક્તિઓ ઉછળીને રસ્તા પર ફંગોળાયા
ત્રણેય જણા નવાપુરા ખાતે સામાન ઉતારીને લોડિંગ રિક્ષામાં પરત દાણીલીમડા તરફ જઈ રહ્યા હતા. આ દરમિયાન વટવા-ઇસનપુર રોડ પર ગેબનશા પીર દરગાહ કેનાલ ચાર રસ્તા પાસે પહોંચતા પાછળથી પૂરઝડપે આવેલી વરના કારે રિક્ષાને ટક્કર મારી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે રિક્ષામાં સવાર ત્રણેય વ્યક્તિઓ ઉછળીને રસ્તા પર ફંગોળાયા હતા. અકસ્માતમાં રિક્ષાની પાછળની બોડીનો ભાગ છૂટો પડી ગયો હતો અને રિક્ષા ફૂટપાથ સાથે અથડાઈને ઊભી રહી ગઈ હતી.

બીજી તરફ, અકસ્માત સર્જનાર કાર કેનાલ પાસેના ઇલેક્ટ્રિક થાંભલા અને કેનાલની દીવાલ સાથે અથડાઈને રોકાઈ ગઈ હતી. અકસ્માત બાદ લોકોના ટોળા એકઠા થતા કારચાલક વાહન મૂકીને નાસી છૂટ્યો હતો. ઈજાગ્રસ્ત ત્રણેયને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી હતી. પ્રાથમિક તપાસમાં અકસ્માત સર્જનાર કાર મહેસાણા પાસિંગની હોવાનું જણાય છે.




