Ahmedabad

અમદાવાદ: ભાડે ક્રેન, હેલ્મેટ અને રિફ્લેક્ટર જેકેટ.., વાસણામાં નકલી AMC કર્મચારી બની ખુલ્લેઆમ કોપર વાયર ચોરતી ગેંગ ઝડપાઈ

By GS Team
16 Aug 20262 mins read
TukuTouch Logo
અમદાવાદના વાસણામાં BSNLના 7 લાખના કોપર વાયરની ચોરીનો પર્દાફાશ થયો છે. ઉત્તર પ્રદેશની ગેંગે AMCના નકલી કર્મચારી બની, ક્રેન અને સરકારી કામનો ડોળ કરી વાયર ચોર્યા હતા. BSNL કર્મચારીને શંકા જતાં વાસણા પોલીસે 4 આરોપીઓને ક્રેન સહિત ઝડપી પાડ્યા. 5થી 7 શખસો ફરાર થતા, પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદ: ભાડે ક્રેન, હેલ્મેટ અને રિફ્લેક્ટર જેકેટ.., વાસણામાં નકલી AMC કર્મચારી બની ખુલ્લેઆમ કોપર વાયર ચોરતી ગેંગ ઝડપાઈ

Fake AMC Workers BSNL Wire Theft In Ahmedabad: અમદાવાદના વાસણામાં જી.બી. શાહ કોલેજ પાસે મોડી રાત્રે(15 ઓગસ્ટ) AMCના નકલી કર્મચારી બનીને BSNLના ડક્ટમાંથી રૂપિયા 7 લાખના કોપર વાયરની ચોરી કરતી ઉત્તર પ્રદેશની એક ગેંગને પોલીસે ઝડપી પાડી છે. આ ગેંગ દ્વારા ક્રેન લાવી, હેલ્મેટ અને રિફ્લેક્ટર જેકેટ પહેરી, તેમજ ટ્રાફિક ડાયવર્ટ કરી બિલકુલ સત્તાવાર સરકારી કામ ચાલતું હોય તેવો ડોળ ઊભો કર્યો હતો. જોકે, BSNLના કર્મચારીને શંકા જતાં પોલીસને જાણ કરવામાં આવી હતી, જેથી તુરંત સ્થળ પર પહોંચેલી વાસણા પોલીસે આરોપીઓને ક્રેન અને ચોરાયેલા મુદ્દામાલ સાથે દબોચી લીધા હતા. જ્યારે અન્ય 5થી 7 શખસો ફરાર થઈ જતાં પોલીસે તેમની શોધખોળ અને વધુ તપાસ હાથ ધરી છે.

વાસણામાં નકલી AMC કર્મચારી બની વાયર ચોરવાનું કૌભાંડ ઝડપાયું

અમદાવાદના વાસણા વિસ્તારમાં સરકારી કામગીરીનો ડોળ કરી લાખો રૂપિયાના વાયરની ચોરી કરવાનું કૌભાંડ ઝડપાયું છે. જી.બી. શાહ કોલેજ પાસે મોડી રાત્રે એક ગેંગ ક્રેન સાથે ત્રાટકી હતી અને AMCના કર્મચારી હોવાનું કહીને રિફ્લેક્ટર જેકેટ તેમજ હેલ્મેટ પહેરીને BSNLની ડક્ટ તોડવાની કામગીરી શરૂ કરી હતી.

આ ઠગે હાથમાં દંડા રાખીને રસ્તા પરનો ટ્રાફિક પણ ડાયવર્ટ કર્યો હતો, જેથી લોકોને લાગે કે કોઈ સરકારી કામ ચાલી રહ્યું છે. એટલું જ નહીં, આ શખસોએ સ્થળ પર હાજર BSNLના સિક્યુરિટી ગાર્ડને પણ પોતે AMCના કર્મચારી હોવાનું જણાવી ગેરમાર્ગે દોર્યો હતો અને ક્રેનની મદદથી ડક્ટમાંથી કોપરના વાયર કાઢી ચોરી કરી રહ્યા હતા.

4 આરોપીને દબોચી લીધા

જો કે, આ ગેરકાયદે પ્રવૃત્તિની જાણ એક BSNL કર્મચારીને થતાં તેણે ઉચ્ચ અધિકારીઓ અને ત્યારબાદ પોલીસને માહિતી આપી હતી. વાસણા પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચતા જ નકલી કર્મચારીઓ નાસભાગ કરવા લાગ્યા હતા. પોલીસે ભારે જહેમત બાદ સ્થળ પરથી રાહુલ ભરવાડ, રવિકાન્ત શર્મા, વિષ્ણુ યાદવ અને જીતેશ યાદવ નામના ચાર શખસોને દબોચી લીધા હતા, જ્યારે અન્ય 5થી 7 સાગરીતો ફરાર થઈ ગયા હતા.

રૂ.7 લાખની કિંમતનો મુદ્દામાલ જપ્ત

પોલીસની પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે, આ મૂળ ઉત્તર પ્રદેશની ગેંગ છે. જેમણે નારોલના રાહુલ ભરવાડનો સંપર્ક કરી ચોરીના અંજામ માટે ક્રેન ભાડે લીધી હતી. પોલીસે આરોપીઓ પાસેથી ક્રેન, સાધન-સરંજામ અને 7 લાખ રૂપિયાની કિંમતના કોપર વાયરનો મુદ્દામાલ જપ્ત કરી ગુનો નોંધ્યો છે. આ ગેંગે અગાઉ અન્ય કોઈ જગ્યાએ ક્રેન વડે આવી ચોરી કરી છે કે કેમ તે દિશામાં પોલીસે હવે તપાસ હાથ ધરી છે.