અમદાવાદ: વટવામાં માથાભારે તત્ત્વોનો ત્રાસ! જૂની અદાવતમાં ફ્લેટમાં રહેતા રહીશોના વાહનોનો ભુક્કો બોલાવ્યો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad News: અમદાવાદના વટવા વિસ્તારમાં લુખ્ખા તત્ત્વોનો ત્રાસ સતત વધી રહ્યો છે. લુખ્ખા તત્ત્વો દ્વારા વધુ એક હુમલો કરવામાં આવ્યો છે. ઉત્સવ ફ્લેટમાં અગાઉના ઝઘડાની અદાવત રાખી મોડી રાત્રે ઘાતક હથિયારો સાથે ધસી આવેલા 8 અસામાજિક તત્ત્વોએ આતંક મચાવ્યો હતો. હુમલાખોરો જે યુવકને શોધવા આવ્યા હતા તે ન મળતાં રોષે ભરાઈને ફ્લેટના પાર્કિંગમાં પડેલી 5 રિક્ષા, 3 કાર અને 8 ટુ-વ્હીલર મળી કુલ 16 વાહનોમાં તલવાર અને ધોકા વડે તોડફોડ કરી નુકસાન પહોંચાડ્યું હતું. ગત (28મી સપ્ટેમ્બર) મોડી રાતે થયેલી આ તોડફોડ અને ગાળાગાળીથી સ્થાનિક રહીશોમાં ભય ફેલાયો હતો. આ મામલે વટવા પોલીસે 4 નામજોગ સહિત 8 શખસો સામે રાયોટિંગ અને તોડફોડનો ગુનો નોંધી એક આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
અદાવતમાં નિર્દોષ રહીશોના વાહનો નિશાન બન્યા
મળતી માહિતી અનુસાર, વટવા ઉત્સવ ફ્લેટમાં રહેતા અને રિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા 33 વર્ષીય જિતેન્દ્રસિંહ ભદોરિયા 28મી સપ્ટેમ્બરના રોજ રાત્રે રિક્ષા પાર્કિંગમાં મૂકીને સૂઈ ગયા હતા. આ દરમિયાન મોડી રાત્રે પાર્કિંગમાંથી જોરજોરથી કાચ તૂટવાના અને વાહનોને નુકસાન પહોંચાડવાના અવાજો આવતાં તેઓ સફાળા જાગી ગયા હતા. ઘરની ગેલેરીમાંથી નીચે જોતાં આઠ જેટલા શખસો હાથમાં તલવાર અને દંડા લઈને પાર્કિંગમાં પાર્ક કરેલાં વાહનો પર તૂટી પડ્યા હતા. હુમલાખોરો ગાળો બોલી રહીશોને ઉશ્કેરવાનો પ્રયાસ કરી રહ્યા હતા.
પી.ડી. પંડ્યા કોલેજ પાસે થયેલી બોલાચાલીનું વેર વાળવા આવ્યા હતા
સ્થાનિકોએ બૂમાબૂમ કરતાં તમામ અજાણ્યા શખસો કાર અને ટુ-વ્હીલર પર સવાર થઈને નાસી છૂટ્યા હતા. ઉત્સવ ફ્લેટ પાસે બેસતા કિશન તોમર નામના યુવક સાથે રોનક પંચાલ ઉર્ફે ગનુ, હર્ષ પંચાલ, અરુણ આહીર અને સોનુ પંચાલને થોડા દિવસ પહેલાં પી.ડી. પંડ્યા કોલેજ પાસે અગાઉના ઝઘડા બાબતે સમાધાનની વાતચીત દરમિયાન ઝઘડો થયો હતો. તે વખતે કિશન ત્યાંથી ભાગી ગયો હતો. કિશન ઉત્સવ ફ્લેટ પાસે બેસતો હોવાની જાણ થતાં આ શખસો તેને મારવાના ઇરાદે હથિયારો સાથે આવ્યા હતા.
જોકે, કિશન હાજર ન મળતાં ઉશ્કેરાયેલા શખસોએ નિર્દોષ રહીશોના વાહનોને નિશાન બનાવી તોડફોડ આચરી હતી. આ અંગે વટવા પોલીસે રોનક પંચાલ ઉર્ફે ગનુ, હર્ષ પંચાલ, અરુણ આહીર, સોનુ પંચાલ અને અન્ય 4 અજાણ્યા શખસો સામે ગુનો નોંધીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.




