Ahmedabad

ટ્રાફિક નિયમનની જવાબદારીમાંથી છટકવા અમદાવાદ મ્યુનિસિપાલિટી અને પોલીસે વગર વિચાર્યે 30 જંકશન બંધ કરી દીધા!

By GS Team
28 Nov 20262 mins read
TukuTouch Logo
અમદાવાદમાં AMC અને પોલીસે ટ્રાફિક નિયમન માટે 30 જેટલા જંકશન પર 'કેપ્સુલ ડિઝાઇન' લાગુ કરી છે. જોકે, પેલેડિયમ મોલ સામે સફળ રહેલી આ ડિઝાઇન પકવાન જંકશન પર નિષ્ફળ ગઇ છે. કેટલાક સ્થળોએ રાહદારીઓ માટે રસ્તો ઓળંગવો મુશ્કેલ બન્યો છે. મેયર હિતેશ બારોટ અને સ્થાયી સમિતિ ચેરમેન કમલેશ પટેલ આ મુદ્દે સમીક્ષા કરી ઉકેલ લાવશે.

Summarized by AI; it may make mistakes. Check important info

ટ્રાફિક નિયમનની જવાબદારીમાંથી છટકવા અમદાવાદ મ્યુનિસિપાલિટી અને પોલીસે વગર વિચાર્યે 30 જંકશન બંધ કરી દીધા!
AI IMAGE

AMC capsule design traffic news : અમદાવાદ શહેરમાં દિવસેને દિવસે વસતી અને વાહનોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. ટ્રાફિક નિયમન માટે નવા આયોજનો અને પ્રયોગો આવશ્યક છે, પરંતુ કેટલાક સમયથી મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસ તંત્ર દ્વારા 'કેપ્સુલ ડિઝાઈન'ના રૂપકડા નામે વગર વિચાર્યે આડેધડ જંકશન બંધ કરવામાં આવી રહ્યા છે. અત્યાર સુધીમાં મ્યુનિ.એ નાના-મોટા કુલ 30 જેટલા જંકશન બંધ કરી દીધા છે. સત્તાવાર અને બિનસત્તાવાર રીતે બંધ કરાયેલા આ જંકશન ઘણી જગ્યાએ શહેરીજનો માટે હાડમારીરૂપ બન્યા છે.

કેપ્સુલ ડિઝાઈનની ખામી અને વાસ્તવિકતા

અમદાવાદ શહેરના એસજી હાઈવે પર પેલેડિયમ મોલ સામે બનાવેલી કેપ્સુલ ડિઝાઈન સફળ રહી છે, પરંતુ તેનાથી માત્ર પોણા ત્રણ કિલોમીટર આગળ પકવાન જંકશન પરની કેપ્સુલ ડિઝાઈન નિષ્ફળ ગઈ છે. આ સ્થિતિ મ્યુનિ. કોર્પોરેશન અને પોલીસ તંત્ર માટે બોધપાઠ સમાન છે. જ્યાં ચારેય તરફના રસ્તા પહોળા હોય અને જંકશન પર પૂરતી જગ્યા હોય, ત્યાં જ કેપ્સુલ ડિઝાઈનની ચોક્કસ અમલવારી થવી જોઈએ.

રાહદારીઓ સરળતાથી રસ્તો ઓળંગી શકે તેવી વ્યવસ્થા રાખવી પણ અનિવાર્ય છે. ડિવાઈડરની વચ્ચે ચાલીને પસાર થઈ શકાય તેવા નાના પુલ, રસ્તા પર ઝિબ્રા ક્રોસિંગ અને રાહદારીઓ પસાર થતા હોય ત્યારે વાહનોને ઊભા રાખી શકાય તેવું આયોજન હોવું જરૂરી છે. તેની સામે ટ્રાફિક નિયમનની જવાબદારીમાંથી છટકવા લોકો પર બિનજરૂરી રીતે થોપી બેસાડવામાં આવેલી કેપ્સુલ ડિઝાઈનથી વાહનચાલકો અને રાહદારીઓ હેરાન થઈ રહ્યા છે.

રાહદારીઓની હાલત કફોડી, મેયર અને સ્ટે. ચેરમેન કરશે સમીક્ષા

અમદાવાદમાં જે જંકશન પર ચાર રસ્તા બંધ કરી દેવાયા છે, ત્યાં રાહદારીઓ માટે રસ્તો ઓળંગવાની યોગ્ય વ્યવસ્થા રાખવામાં આવી નથી. અગાઉના ઝિબ્રા ક્રોસિંગ ઉપયોગી રહ્યા નથી અને સિગ્નલ હોવાથી વાહનોનો પ્રવાહ સતત ચાલુ રહે છે. પરિણામે રાહદારીઓની સ્થિતિ સૌથી વધુ કફોડી બની છે. આ અંગે મેયર હિતેશ બારોટે જણાવ્યું કે, ટ્રાફિક પોલીસ સાથે બેઠક યોજીને આ પ્રશ્નનો ઉકેલ લાવવામાં આવશે. જ્યારે સ્થાયી સમિતિના ચેરમેન કમલેશ પટેલે જણાવ્યું કે, કેપ્સુલ ડિઝાઈનનો રિવ્યૂ કરીને જરૂરી તમામ પગલાં લેવાશે.

ક્યાં-ક્યાં અમલી થઈ કેપ્સુલ ડિઝાઈન?

  • પેલેડિયમ મોલ
  • કોઝી હોટલ
  • પીરાણા જંકશન
  • શ્યામ શિખર
  • રબારી કોલોની
  • નિકોલ-કઠવાડા
  • મધર ડેરી
  • સફળ માર્કેટ-કાગડાપીઠ
  • સીટીએમ એક્સપ્રેસ હાઈવે
  • સોલા સિવિલ
  • હાટકેશ્વર
  • હીરાવાડી
  • ઈસનપુર ચાર રસ્તા
  • કમોડ સર્કલ
  • દાસ્તાન સર્કલ
  • ભાટ જંકશન
  • નારોલ જંકશન
  • લાંભા
  • કારગીલ પેટ્રોલ પંપ
  • સ્વસ્તિક ચાર રસ્તા
  • ગરીબ નગર
  • નાના ચિલોડા
  • હાથીજણ સર્કલ
  • ઈન્દિરા બ્રિજ
  • સિવિલ હોસ્પિટલ ગેટ નં.7
  • એકા ક્લબ પાસે
  • અપોલો સર્કલ

હવે ક્યાં થશે આયોજન?

  • સોલા ભાગવત
  • સનાથલ સર્કલ
  • નારોલ-નરોડા રોડ
  • રબારી કોલોની
  • વિજય પાર્ક
  • ઠક્કરબાપાનગર
  • વૈષ્ણોદેવી જંકશન