નાગપાંચમે જાણો સત્ય: ગુજરાતમાં સર્પદંશના 15 હજાર કેસ છતાં મૃત્યુદર 1-2%, માત્ર 4 સાપ જ જીવલેણ!
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Gujarat Snakebite: શ્રાવણ માસની જન્માષ્ટમી પર્વ શ્રૃંખલામાં આજે (પહેલી સપ્ટેમ્બર) નાગપાંચમ છે. શિવજીના ગળામાં શોભતા સર્પને દેશમાં કોઈને કોઈ રીતે પૂજવામાં આવે છે. કેટલાય પરિવારમાં નાગદેવતા કુળદેવતા તરીકે પૂજાય છે, જે જુદાં જુદાં નામે પૂજાય છે. ભારતમાં 270 અને ગુજરાતમાં 63 સર્પની પ્રજાતિઓ જોવા મળે છે. તેમાં ગુજરાતમાં 59 જેટલી પ્રજાતિઓ બિનઝેરી છે, માત્ર ચાર જાત જ ઝેરી છે. રાજ્યમાં વર્ષ દરમિયાન લગભગ 10 હજારથી 15 હજાર સર્પદંશના કેસો નોંધાય છે, જેમાંથી 5થી 10 ટકા જ ઝેરી સાપોના દંશ હોય છે. તેના કારણે મૃત્યુદર માત્ર 1થી 2 ટકા જ છે.
ગુજરાતમાં ચાર સૌથી ઝેરી સાપ
વૈજ્ઞાનિક વિશ્લેષણ એવું છે કે સર્પદંશમાં મૃત્યુ માટે મોટાભાગે ન્યૂરોટોક્સિકઝેર અને હિમોટોક્સિક તેમજ કાર્ડિયાક ટોક્સિક સાપ કારણભૂત હોય છે. સાપ બિનઝેરી હોય કે ઝેરી, સાપ કરડે ત્યારે સમય બગાડ્યા વગર સારવાર લેવા માટે વેન્ટિલેટર ધરાવતા આરોગ્ય કેન્દ્ર કે હોસ્પિટલમાં પહોંચી જવું જ જોઈએ, ઘરગથ્થુ ઉપચાર કે ઝેર ચૂસવાની પ્રક્રિયા અથવા તંત્ર-મંત્ર, ભૂવા પાસે જવામાં સમય બગાડવો ન જોઈએ. સૌરાષ્ટ્રમાં જૂનાગઢ, પોરબંદર, રાજકોટ, અમરેલી, દેવભૂમિ દ્વારકા, કચ્છ અને દક્ષિણ ગુજરાત વલસાડ, અરવલ્લી ડાંગમાં સર્પદંશના કેસો વધુ જોવા મળે છે. સૌથી સામાન્ય સાપ ખડચિતળો (રસેલ્સ વાઈપર) અને ફુરસો (સો-સ્કેલ્ડ વાઈપર)ના દંશ 70-80% કેસોમાં જોવા મળે છે, ગુજરાતમાં ચાર ઝેરી સાપોમાં ક્રેઈટ, કાળોતરો, ખડચિતળો, ફુરસો એ ઝેરી છે.
સર્પ દંશની સચોટ સારવાર એન્ટિવેનમ ઈન્જેક્શનનો છે
સર્પદંશની સારવાર માટે એન્ટી-વેનમ એકમાત્ર વૈજ્ઞાનિક ઉપાય છે, ભારતમાં જોવા મળતા કેટલાક મુખ્ય ઝેરી સાપોમાં ઈન્ડિયન કોબ્રા ભારતનો સૌથી જાણીતો ઝેરી સાપ છે, તેનું ઝેર ન્યુરોટોક્સિક હોય છે, જે શ્વસનતંત્ર અને ચેતાતંત્રને નુકસાન પહોંચાડે છે, લકવો કરી દે છે અને અંધાપો પણ લાવી દે છે. આવી જ રીતે કોમન ક્રેઈટ (કાળોતરો) ઝેરી સાપ મોટાભાગે રાત્રે શિકાર કરે છે. તેનું ઝેર પણ ન્યૂરોટોક્સિક હોય છે, જે લકવો કરી નાખે છે અને શરીર ખોટું પાડી દે છે.
રસેલ્સ વાઈપર (ખડચિતળો)ના સર્પદંશ મૃત્યુ માટે સૌથી વધુ જવાબદાર છે. તેનું ઝેર હીમોટોક્સિક હોય છે, જે રક્તસ્ત્રાવ, લોહી ખરાબી અને અંગોના નુકસાનનું કારણ બની શકે છે. સો-સ્કેલ્ડ વાઈપર (ફુરસો)નું ઝેર હીમોટોક્સિક હોય છે, જે રક્તકણોનો નાશ કરે છે અને લોહીમાં ઝેર ફેલાવીને મોતને ઘાટ ઉતારી દે છે. કિંગ કોબ્રા (નાગરાજ) તેમજ ક્રેઈટ જે મુખ્યત્વે અન્ય સાપોનો શિકાર કરે છે તેનું ઝેર ન્યૂરોટોક્સિક અને કાડયોટોક્સિક હૃદય માટે ઘાતક હોય છે.
એન્ટીવેનમ અને પોલીવેનમ એન્ટીબોડી પ્રક્રિયા કઈ રીતે હોય છે
ઝેરી સાપો નાગ, કાળોતરો, ખડચિતળો, અને ફુરસો સાપોના દાંત મારફત તેનું ઝેર એકઠું કરવામાં આવે છે. તેને ‘લાઇઓફિલાઈઝડ (Lyophilized)’ સ્વરૂપમાં સંગ્રહિત કરવામાં આવે છે. એકઠા કરેલ ઝેરને શુદ્ધ કરવા માટે રાસાયણિક અને બાયોલોજિકલ પ્રક્રિયાઓનો ઉપયોગ થાય છે. આમાં પ્રોટીન અને ટોક્સિન્સને અલગ કરવા માટે ફિલ્ટરેશન અને ક્રોમેટોગ્રાફી જેવી પદ્ધતિઓનો ઉપયોગ થાય છે, જેમાં ઝેરને નબળું કરવામાં આવે છે, જેથી તે જીવો પર ઝેરી અસર ન કરે પરંતુ રોગપ્રતિકારક શક્તિ ઉત્પન્ન કરી શકે. કાઢેલા ઝેરને લાઈઓફિલાઈઝ્ડ પાવડરમાં રૂપાંતરિત કરવામાં આવે છે, જે લાંબા સમય સુધી સંગ્રહી શકાય છે.
સાપનાં ઝેરને ઘોડા જેવા પ્રાણીઓમાં મંદ માત્રામાં ઈન્જેક્ટ કરી ઈન્જેક્શનનો બનાવાય છે
સાપના ઝેરની નાની માત્રા ઘોડા જેવા પ્રાણીઓમાં ઈન્જેક્ટ કરવામાં આવે છે. આ પ્રાણીઓનું શરીર ઝેર વિરુદ્ધ એન્ટીબાર્ડીઝ ઉત્પન્ન કરે છે. પ્રાણીના રક્તમાંથી એન્ટીબાડીઝ નિષ્કર્ષિત કરી શુદ્ધ કરવામાં આવે છે અને ‘એન્ટી-વેનમ’ ઈન્જેક્શન તૈયાર કરવામાં આવે છે. જ્યારે સર્પદંશ થાય ત્યારે કઈ જાતનો સર્પ કરડ્યો એ દર્દી હિસ્ટરી ન આપી શકે એવા સંજોગોમાં તમામ પ્રકારના ઝેરી સર્પોના ઝેરને નિષ્ક્રિય કરી શકે એવી તાકાત ધરાવતું ‘પોલીવેલેન્ટ વેનમ’ આપવામાં આવે છે.
ગુજરાતમાં ધરમપુર ખાતે વન વિભાગ દ્વારા સંચાલિત સર્પગૃહ વિશ્વ કક્ષાનું સંશોધન કેન્દ્ર બનવા જઈ રહ્યું છે, જ્યાં 3000 સાપોની સંભાળ લઈ શકાય છે. આ કેન્દ્ર રીજન-સ્પેસિફિક એન્ટી-વેનમ બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે, જે ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, અને મધ્યપ્રદેશના ઝેરી સાપોના ઝેરને નિષ્ક્રિય કરી શકે છે.




