માણસના જીવની કિંમત માત્ર 6 લાખ રૂપિયા...ગુજરાત સરકારે સહાય જાહેર કરી હાથ ખંખેરી લીધા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Gujarat Fire Tragedy: ગુજરાતમાં એક પછી એક સર્જાતી માનવસર્જિત આપત્તિ અને આગ દુર્ઘટનાઓએ સાબિત કરી દીધું છે કે જનતાના જીવની કિંમત શાસકોની નજરમાં માત્ર ચાર-છ લાખ વળતર સિવાય કંઈ જ નથી. સુરતનો ભયાનક તક્ષશિલા અગ્નિકાંડ હોય, રાજકોટનો કાળજું કંપાવી દેનારો ગેમઝોન કાંડ હોય કે પછી ડીસામાં ફટાકડાના ગોડાઉનમાં લાગેલી આગ, આ તમામ ઘટનાઓમાં નિર્દોષ નાગરિકો હોમાઈ ગયા છે. પરંતુ દર વખતે પરિણામ શૂન્ય જ રહ્યું છે. સહાય આપી સરકાર સહાનુભૂતિનો દેખાડો કરીને જવાબદારીમાંથી છટકી જાય છે. વાસ્તવમાં નિષ્ઠુર શાસકો અને ભ્રષ્ટ તંત્ર જ કરુણ દુર્ઘટના માટે મુખ્ય જવાબદાર છે.
આગ દુર્ઘટના બનતી રહીને નિર્દોષ લોકો જીવ ગુમાવતા રહ્યાં પણ સરકારે ઠોસ પગલાં ન લીધાં
કોઈપણ દુર્ઘટના ઘટે એટલે સરકાર ઉચ્ચ સ્તરીય તપાસ સમિતિનું નાટક કરે છે. પરંતુ આ બધી તપાસ માત્રને માત્ર જનતાના આક્રોશને શાંત પાડવાનું એક સરકારી નાટક સાબિત થઈ છે. તપાસના અહેવાલો કાયમ મુખ્યમંત્રી કાર્યાલયમાં ધૂળ ખાતા પડી રહે છે અને મુખ્ય ગુનેગારો ખુલ્લેઆમ ફરે છે. સરકારે ભૂતકાળની દુર્ઘટનામાં ઘટનામાંથી બોધપાઠ લીધો નથી.
રાજ્યનું ફાયર સેફ્ટી વિભાગ અને સ્થાનિક મહાનગરપાલિકાઓ જાણે લાંચખોરીના અડ્ડા બની ચૂક્યા છે. ગેરકાયદેસર બાંધકામો, નો-ઓબ્જેક્શન સર્ટિફિકેટ વગર ધમધમતા કોમર્શિયલ કોમ્પ્લેક્સ, ટ્યુશન ક્લાસીસ અને ગેમઝોન ભ્રષ્ટ અધિકારીઓની રહેમનજર હેઠળ જ ચાલે છે. જ્યાં સુધી અધિકારીઓના ખિસ્સા ગરમ થતા રહે, ત્યાં સુધી સામાન્ય જનતાના જીવ જોખમમાં જ મુકાશે. આ અકસ્માતો નથી, પરંતુ ભ્રષ્ટ વહીવટીતંત્ર અને નિષ્ઠુર શાસકો દ્વારા પ્રાયોજિત 'સંસ્થાકીય હત્યા' છે.
આઘાતજનક વાત તો એ છે કે, દુર્ઘટના બાદ પણ સરકાર સંવેદનશીલતા બતાવવાને બદલે માત્ર વળતરની રકમ જાહેર કરીને જવાબદારીમાંથી મુક્ત થઈ જાય છે પણ સવાલ એ છેકે, શું કોઈના ઘરનો ચિરાગ ઓલવાઈ જાય ત્યારે 4 લાખ કે 6 લાખ રૂપિયા આપવાથી એ ખોટ પૂરી થઈ શકે ખરી? સરકાર વળતર આપીને એવો દેખાવ કરે છે જાણે તેમણે જનતા પર બહુ મોટો ઉપકાર કર્યો હોય! આ વળતર આપવાની નીતિ એ શાસકોની આંધળી અને બહેરી સંવેદનહીનતાનું જીવતું જાગતું ઉદાહરણ છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દુઃખ વ્યક્ત કર્યું
અમદાવાદમાં આગ દુર્ઘટનામાં મૃત્યુઆંક નવ સુધી પહોંચ્યો છે, ત્યારે આ ઘટનાને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દુઃખ વ્યક્ત કર્યું હતું. એટલું જ નહીં, મૃતકોને 2 લાખ રૂપિયાની સહાય આપવા જાહેરાત કરી હતી. આ તરફ, રાજ્ય સરકારે પણ મૃતકોના પરિવારોને 4 લાખ રૂપિયા સહાય આપવા એલાન કર્યું હતું.
મહિને બે લાખ રૂપિયામાં ખેતરો ભાડે લઈ શરૂ કરાતા કારખાના
મળતી માહિતી અનુસાર, રીંગ રોડ તેમજ આસપાસના ગામમાં કારખાનેદારો દ્વારા કેટલાક ખેડૂતો પાસેથી અડધાથી એક વીઘા જેટલી ખેતરની જમીન ભાડે લઈ લેવાય છે. જેના માટે દર મહિને 2 લાખ રૂપિયા જેટલું ભાડું ચૂકવવામાં આવે છે. બાદમાં આવા ખુલ્લા ખેતરોમાં માત્ર પતરાના શેડ લગાવી ફટાકડા વગેરેના જોખમી કારખાના ઉભા કરી દેવાય છે.









