Ahmedabad

અમદાવાદમાં કાંકરિયા તળાવની જૂની ટોય ટ્રેન નિવૃત્ત થશે, 3.5 કરોડની બે નવી ટ્રેનો દોડાવાશે

By GS Team
27 Aug 20262 mins read
TukuTouch Logo
અમદાવાદના કાંકરિયા તળાવે બાળકોના આકર્ષણનું કેન્દ્ર એવી જૂની ટોય ટ્રેનને બદલે હવે ₹3.5 કરોડના ખર્ચે બે નવી ટ્રેન દોડાવવામાં આવશે. આગામી અઠવાડિયામાં આ ટ્રેન કાંકરિયા પહોંચશે. બે મહિનાની ટ્રાયલ બાદ દિવાળીથી નવી ટ્રેન શરૂ થશે, જેમાં 150 પ્રવાસીઓ બેસી શકશે. ઉપરાંત, કાંકરિયામાં છ જગ્યાએ નવી પ્રવૃત્તિઓ પણ શરૂ કરાશે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદમાં કાંકરિયા તળાવની જૂની ટોય ટ્રેન નિવૃત્ત થશે, 3.5 કરોડની બે નવી ટ્રેનો દોડાવાશે

Ahmedabad Kankaria Lake Toy Train: અમદાવાદ કાંકરિયા તળાવની ફરતે મુસાફરી કરાવતી ટોય ટ્રેન બાળકોમાં આકર્ષણનું કેન્દ્ર રહી છે. ત્યારે હવે આ જૂની ટ્રેન નિવૃત્ત થવા જઈ રહી છે. તેના બદલે સાડા ત્રણ કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર કરાયેલી બે નવી ટ્રેન કાંકરિયા તળાવની પાળે દોડાવવામાં આવશે. અઠવાડિયામાં બંને નવી ટ્રેન કાંકરિયામાં આવે તેવી શક્યતાઓ છે. બીજી બાજુ પરિસરમાં ખાલી પડેલી છ જગ્યાએ નવી એક્ટિવિટીસ ઉભી કરવાનું આયોજન કરાયું છે.

તળાવ પરિસરની છ જગ્યાએ નવી એક્ટિવિટીસ ઉભી કરાશે વધુ અવાજ, લાઈટિંગ, ધુમાડો થાય તેવી પ્રવૃત્તિઓ પર રોક

અમદાવાદ મ્યુનિસિપલ દ્વારા લાંબા સમયથી કાંકરિયા લેકફ્રન્ટમાં બે નવી ટ્રેન લાવવાનું આયોજન ચાલી રહ્યું હતું. જે હવે અંતિમ ચરણમાં પહોંચ્યું છે. વટવામાં તૈયાર કરાયેલા કોચ અને પુણેમાં બનાવેલા એન્જિન સાથેની બે નવી ટ્રેન આગામી અઠવાડિયામાં કાંકરિયા પરિસરમાં પહોંચશે. મણિનગર વોર્ડના અસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરના જણાવ્યાનુસાર, બંને ટ્રેનના કોચ અને એન્જિન આવ્યા બાદ તેમને અસેમ્બલ કરી નવી ટ્રેનની ટ્રાયલ કરાશે. જેમાં બે મહિના સુધીનો સમય લાગશે. ત્યારબાદ એક-એક કરીને બંને જૂની ટ્રેન બંધ કરી તેની જગ્યાએ સંભવિત દિવાળીથી નવી ટ્રેન દોડાવવામાં આવશે. એક ટ્રેનમાં એક સાથે 150 પ્રવાસીઓ મુસાફરી કરી શકશે.

બીજી બાજુ કાંકરિયા તળાવમાં ખાલી પડેલી 150 ચો. મીટરથી લઈને સાત હજાર ચો. મીટરની જુદી જુદી છ જગ્યાએ નવી એક્ટિવિટીસ ઉભી કરવાનું આયોજન કરાયું છે. પીપીપી મોડલથી વિવિધ એક્ટિવિટીસ ઊભી કરવા ખાનગી એજન્સી પાસેથી ઓફર મંગાવાઈ છે. જો કે તેમાં કેટલીક શરતો મુકાઈ છે.

કયા છ સ્થળે નવી એક્ટિવિટીસ ઉભી કરાશે?

•પિકનિક હાઉસ પાછળની જગ્યા
•ફૂટબોલ ગ્રાઉન્ડ પાસેની જગ્યા
•ઝૂલેલાલ ઓપન એર થિએટર પાસે
•જૂની ટિકિટ બારી નં.1 નજીક
•ગેટ નં. 4, દેડકી ગાર્ડનની બાજુમાં
•ગેટ નં. 6, અમ્યુઝમેન્ટ પાર્ક પાસે

કાંકરિયા તળાવના હાલના આકર્ષણો

•પ્રાણી સંગ્રહાલય
•બાલવાટિકા
•બટરફ્લાય પાર્ક
•નોક્ટર્નલ ઝૂ
•કિડ્સ સિટી
•નગિના વાડી