ગુજરાતમાં લઠ્ઠાકાંડનો કાયદો કાગળ પર જ કડક, અત્યાર સુધીમાં એકેય બુટલેગરને નથી થઈ ફાંસીની સજા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Gujarat Prohibition Law: ગુજરાતમાં દારૂબંધીના કાયદાને વધુ કડક બનાવવા અને લઠ્ઠાકાંડ જેવી ઘટનાઓ રોકવા માટે રાજ્ય સરકારે કાયદામાં ફાંસીની સજાની જોગવાઈ કરી છે. પરંતુ વાસ્તવિકતા એ છે કે, આ સુધારો અમલમાં આવ્યા બાદ પણ રાજ્યના ઈતિહાસમાં હજુ સુધી એકપણ બુટલેગરને ફાંસીની સજા થઈ નથી. કડક કાર્યવાહીના અભાવે જ બુટલેગર અને ડ્રગ્સ માફિયાઓમાં કોઈનો ડર રહ્યો નથી.
બુટલેગરો પર પાસા જેવી કલમો લગાડી પોલીસ કાર્યવાહીનો સંતોષ માને છે
વર્ષ 2011માં ગુજરાત સરકારે બોમ્બે પ્રોહિબિશન એક્ટમાં સુધારો કરીને ઝેરી દારૂ બનાવવા અને વેચનારાઓ માટે મૃત્યુદંડ અથવા આજીવન કેદની સજા નક્કી કરી હતી. આ જોગવાઈનો મુખ્ય હેતુ ગુનેગારોમાં ધાક બેસાડવાનો હતો. અદાલતો પાસે સજા આપવાની સંપૂર્ણ સત્તા છે, તેમ છતાં કાનૂની ગૂંચવણો અને પુરાવાઓના અભાવે હજુ સુધી બૂટલેગરને ફાંસીની સજા મળી શકી નથી. કાનૂની નિષ્ણાતોના મતે, ભારતીય ન્યાય પ્રણાલી 'રેરેસ્ટ ઓફ ધ રેર' કિસ્સામાં જ ફાંસીની સજા ફટકારે છે.
અદાલતો ગુનાની ગંભીરતા, પરિસ્થિતિ અને પાકા પુરાવાઓને આધારે આજીવન કેદ અથવા અન્ય સખત સજા કરે છે. પરિણામે, કાગળ પર કડક દેખાતો કાયદો કોર્ટ રૂમમાં નરમ પડી જતો હોય તેમ લાગી રહ્યું છે. જ્યારે પણ રાજ્યમાં કોઈ ઝેરી દારૂની દુર્ઘટના બને છે, ત્યારે પોલીસ તંત્ર સફાળું જાગે છે. બૂટલેગરો વિરુદ્ધ પાસા જેવી કલમો લગાવાય છે. વાહનો અને મિલકતો જપ્ત કરવાની કાર્યવાહી પણ થાય છે. પરંતુ, જ્યાં સુધી કોઈ એક ગુનેગારને નમૂનારૂપ સજા થતી નથી. આ કારણોસર બૂટલેગરોમાં ખાખીનો ડર રહ્યો નથી. એટલું જ નહીં, ગુજરાતમાં દારૂના અડ્ડાઓ બંધ કરાવવા અશક્ય દેખાઈ રહ્યું છે.









