Ahmedabad

શોષણની પરાકાષ્ઠા : ગુજરાતમાં મનરેગાના શ્રમિકોને ફક્ત રૂ. 300 મજૂરી, ઘેરું સંકટ સર્જાશે

By GS Team
2 Jul 20263 mins read
TukuTouch Logo
કેન્દ્ર સરકારે VBG રામજી ગ્રામીણ યોજનામાં કરેલા ફેરફારો સામે વિરોધ ઉઠ્યો છે. આ ફેરફારોને મજૂર સંગઠનો અને વિપક્ષો દ્વારા મજૂરોનું શોષણ ગણાવાઈ રહ્યા છે. ગુજરાતમાં મજૂરોને માત્ર 300 રૂપિયા દૈનિક મજૂરી મળશે, જે અન્ય રાજ્યો કરતાં ઓછી છે. 40 ટકા નાણાંકીય બોજ રાજ્યો પર લાદવામાં આવ્યો છે, જેથી ગ્રામીણ રોજગાર પર સંકટ ઊભું થયું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

શોષણની પરાકાષ્ઠા : ગુજરાતમાં મનરેગાના શ્રમિકોને ફક્ત રૂ. 300 મજૂરી, ઘેરું સંકટ સર્જાશે

VBG Ramji Gramin Yojana: કેન્દ્ર સરકાર દ્વારા ગ્રામીણ રોજગારી ગેરંટી યોજનામાં કરેલા ફેરફારો સામે વિરોધ ઉઠ્યો છે. મજૂર સંગઠનો ઉપરાંત વિપક્ષો આ ફેરફારોને મજૂરોનું શોષણ ગણાવી રહ્યા છે. સાથે સાથે એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે, મનરેગાના નવા રૂપ સમાન વીબીજી રામજી ગ્રામિણ યોજનાને કારણે ગ્રામીણ રોજગાર પર ઘેરું સંકટ સર્જાશે. ગુજરાતમાં તો આ યોજના અંતર્ગત મજૂરોને માત્ર 300 રૂપિયા મજૂરી ચૂકવાશે. જે અન્ય રાજ્યો કરતાં ઓછી છે.

વીબી-જી રામજી ગ્રામિણ યોજનાનો 40 ટકા નાણાંકીય બોજ રાજ્યો પર થોપાયો

નવા નિયમો અનુસાર, અત્યાર સુધી ચાલી આવતી માંગ આધારિત રોજગાર ગેરંટી વ્યવસ્થાનો અંત આણી દેવાયો છે. હવે ગ્રામીણ રોજગાર વાસ્તવિક માંગને આધારે નહીં, પરંતુ અગાઉથી મંજૂર થયેલી બજેટ ફાળવણી પર જ નિર્ભર રહેશે. નવી નીતિમાં વાવણી અને લણણીની સીઝન દરમિયાન જાહેર કામો 60 દિવસ માટે બંધ રાખવાનું પ્રાવધાન કરવામાં આવ્યું છે. જ્યારે મજૂરોને સૌથી વધુ કામ અને આજીવિકાની જરૂર હોય છે, ત્યારે જ તેમને કામથી વંચિત રાખવામાં આવશે. આ બ્લેકઆઉટ પ્રાવધાનને કારણે ગ્રામિણ મજૂરો અત્યંત ઓછું વેતન સ્વીકારવા મજબૂર બનશે, જે સીધું મજૂરોના શોષણને વેગ આપશે.

ગુજરાતમાં મજૂરો માટે દૈનિક માત્ર 300 રૂપિયાની મજૂરી નક્કી કરી છે, જે વર્તમાન મોંઘવારીના સમયમાં મજૂરોની મજાક સમાન છે. હાલ મજૂરોને 288 રૂપિયા મજૂરી ચૂકવાય છે. ગોવા, હરિયાણા, કેરળ, પંજાબ અને તમિલનાડુ કરતાં ગુજરાતમાં આ યોજના હેઠળ મજૂરોને ઓછી મજૂરી ચૂકવાશે. અગાઉ કેન્દ્ર સરકાર મજૂરીનો 100 ટકા ખર્ચ ઉઠાવતી હતી, પરંતુ હવે રાજ્યો પર 40 ટકા નાણાંકીય બોજ થોપી દેવામાં આવ્યો છે. ગુજરાત, કર્ણાટક, ઝારખંડ, તેલંગાણા અને તમિલનાડુના મજૂરો આજે પોતાના હકના નાણાં મેળવવા માટે તરસી રહ્યા છે. વધુમાં, ગુજરાતમાં મનરેગા અધિકારીઓનો જ પાંચ થી છ માસનો પગાર બાકી છે, જે ક્યારે ચૂકવાશે તે નક્કી નથી. એવી માંગ કરાઈ છે કે, 'વીબીજી રામજી ગ્રામીણ યોજના'માં ૬૦ દિવસનું બ્લેકઆઉટ પ્રાવધાન રદ કરવામાં આવે અને મજૂરો માટે ન્યૂનતમ દૈનિક વેતન વધારીને 400 રૂપિયા કરવામાં આવે.

ગુજરાતમાં એક કરોડ મજૂરો મનરેગામાં મજૂરી કરવા મજબૂર

છ કરોડની વધુ વસ્તી ધરાવતા વાઇબ્રન્ટ ગુજરાતમાં એક કરોડ ગરીબ-આદિવાસી, પછાત વર્ગના મજૂરો મજૂરી કરવા મજૂર બન્યા છે. એક બાજુ, ગુજરાતમાં રોજગારીની ભરપૂર તકો રહેલી છે તેવા બણગાં ફૂંકવામાં આવી રહ્યા છે ત્યારે રોજગારના અભાવે ગરીબ મજૂરો મનરેગામાં મજૂરી કરીને પેટિયું રળી ખાય છે. ઓછું વેતન મેળવીને પણ મજૂરી કરી રહ્યા છે.

હજુ મજૂરોને વેતન પેટે ચાર કરોડ ચૂકવાયાં નથી

ગુજરાતમાં મળતિયા કોન્ટ્રાક્ટરોના બિલો ફટાફટ પાસ થઈ જાય છે, જ્યારે લોકસભામાં રજૂ થયેલા રિપોર્ટ અનુસાર, ગુજરાતમાં હજુ મજૂરી પેટે 4 કરોડ રૂપિયા ચૂકવાયાં નથી. મહત્વની વાત તો એ છે કે, 100 દિવસ રોજનો દેખાડો કરીને બારોબાર મજૂરો દર્શાવી દેવાયા હતા જેના પગલે વર્ષ 2023-24માં ગુજરાતમાં 9.75 લાખ ખોટા જોબકાર્ડ રદ કરવા પડ્યાં હતાં. ભ્રષ્ટ અધિકારી-એજન્ટોની મીલીભગતથી આખુય કૌભાંડ ચાલી રહ્યુ છે.