Ahmedabad

અમદાવાદમાં સ્વાઈન ફ્લૂના કેસમાં વધારો, બે દર્દી સારવાર હેઠળ, 18 શંકાસ્પદ કેસ

By GS Team
22 Aug 20262 mins read
TukuTouch Logo
અમદાવાદમાં સ્વાઈન ફ્લૂએ દેખા દીધી છે, સોલા સિવિલમાં 2 પોઝિટિવ અને 18 શંકાસ્પદ કેસ નોંધાતા આરોગ્ય તંત્ર દોડતું થયું છે. બંને પોઝિટિવ દર્દીઓને આઈસોલેશન વોર્ડમાં સારવાર અપાઈ રહી છે. વૃદ્ધો અને બીમારીવાળા દર્દીઓને ચેપનું જોખમ વધુ છે. તબીબોએ તાવ, શરદી, ઉધરસ જેવા લક્ષણો દેખાય તો તાત્કાલિક તપાસ કરાવવા અપીલ કરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદમાં સ્વાઈન ફ્લૂના કેસમાં વધારો, બે દર્દી સારવાર હેઠળ, 18 શંકાસ્પદ કેસ

Ahmedabad Swine Flu: ચોમાસામાં ભેજવાળું વાતાવરણ વધતા દિલ્હીમાં કહેર વરસાવ્યા બાદ હવે અમદાવાદમાં પણ સ્વાઈન ફ્લૂએ એન્ટ્રી કરી છે. સ્વાઈન ફ્લૂના બે પોઝિટિવ કેસ નોંધાતા આરોગ્ય તંત્ર દોડતું થયું છે. હાલ બંને દર્દીને આઈસોલેશન વોર્ડમાં સારવારમાં રખાયા છે. સાથે જ શંકાસ્પદ કેસનો આંકડો પણ ચિંતાજનક હોવાથી આરોગ્ય તંત્ર એક્શન મોડમાં આવ્યું છે.

વૃદ્ધો તથા બીપી, ડાયાબિટીસ, કેન્સર સહિતના દર્દીઓને સ્વાઈન ફલૂનો ચેપ લાગવાનું જોખમ વધુ

અમદાવાદમાં સોલા સિવિલમાં સ્વાઈન ફલૂના બે પોઝિટિવ, જ્યારે શંકાસ્પદ 18 કેસ નોંધાતા આરોગ્ય તંત્ર સતર્ક બન્યું છે. જેના પગલે બંને પોઝિટિવ દર્દીઓને ખાસ આઈસોલેશન વોર્ડમાં સારવાર હેઠળ રખાયા છે. વાતાવરણ સતત બદલવાના કારણે હાલ શરદી, ઉધરસ, તાવ સહિતના વાઈરલ ઈન્ફેક્શન કેસમાં વધારો થઈ રહ્યો છે.

સ્વાઈન ફ્લુ ચેપી રોગ હોવાથી ખાસ કરીને વૃદ્ધો તેમજ બીપી, ડાયાબિટીસ, કેન્સર સહિતની બીમારી ધરાવતા દર્દીઓ પર આનો ચેપ લાગવાનું જોખમ સૌથી વધારે હોય છે. ચેપગ્રસ્ત વ્યક્તિ છીંક કે ઉધરસ ખાય ત્યારે નીકળતાં સૂક્ષ્મ ટીપાં અથવા ચેપગ્રસ્ત સપાટીના સંપર્કથી પણ વાયરસ એક વ્યક્તિમાંથી બીજી વ્યક્તિમાં ઈન્ફેક્શન ફેલાઈ શકે છે. ખાસ કરીને બહાર ગામ કે રાજ્યના પ્રવાસેથી પરત આવેલાં વ્યક્તિમાં જો તાવ, શરદી, ઉધરસ જેવા લક્ષણો દેખાય તો તેને સામાન્ય ઈન્ફેક્શન ગણીને બેદરકારી ન દાખવવા તબીબોએ અપીલ કરી છે. સાથે જ બે દિવસ સુધી જો તબિયત ઠીક ન થાય તો તાકીદે રિપોર્ટ કરાવી યોગ્ય સારવાર શરૂ કરવી જોઈએ. સાથે જ કામ વગર ભીડભાડવાળી જગ્યાએ જવાનું ટાળવું, તેમજ જઈએ તો માસ્ક, ગ્લવ પહેરવા તથા સફાઈ બાબતે ધ્યાન રાખવા તબીબોએ અપીલ કરી છે.

સ્વાઈન ફલૂના લક્ષણો

•અચાનક તાવ અને શરદી
•ગળામાં ખરાશ કે સોજો
•માથા અને સ્નાયુમાં ભારે દુઃખાવો
•થાક અને નબળાઈ
•શ્વાસ લેવામાં તકલીફ
•ચક્કર આવવા