Ahmedabad

સુરત નાસીરનગર ડિમોલિશન મામલે હાઇકોર્ટે સરકારને લીધી આડે હાથ, કહ્યું-'અમારી પાસે રહેલી સત્તાને પડકારશો નહીં'

By GS Team
2 Jul 20263 mins read
TukuTouch Logo
સુરતના નાસીરનગર ડિમોલિશન મામલે ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકાર અને SMCને ઝાટકી. જસ્ટિસ નિખિલ કરિયલે કહ્યું કે, અમારી સત્તાને પડકારશો નહીં. કોર્ટે કોર્પોરેશનના રિપોર્ટને "આંખમાં ધૂળ નાખવા સમાન" ગણાવ્યો. ઉચ્ચ અધિકારીઓને બચાવવા નીચલા કર્મચારીઓને સસ્પેન્ડ કરવા સામે પણ કોર્ટે સવાલ ઉઠાવ્યા. 150 ફરિયાદો છતાં FIR ન થવા બદલ પોલીસની ઝાટકણી કાઢી.

Summarized by AI; it may make mistakes. Check important info

સુરત નાસીરનગર ડિમોલિશન મામલે હાઇકોર્ટે સરકારને લીધી આડે હાથ, કહ્યું-'અમારી પાસે રહેલી સત્તાને પડકારશો નહીં'

Gujarat HC Slams Govt In Surat Demolition Case: સુરતના ચકચારી નાસીરનગર ડિમોલિશન મામલે ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકાર અને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન (SMC) સામે લાલઆંખ કરી છે. જસ્ટિસ નિખિલ કરિયલે સુનાવણી દરમિયાન સરકારની ઝાટકણી કાઢતા સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી હતી કે, 'અમારી પાસે રહેલી સત્તાને પડકારશો નહીં, અમે કોઈ પણ નોટિસ વગર નિર્ણય લઈ શકીએ છીએ.' બીજી તરફ, સુરત કોર્પોરેશન દ્વારા રજૂ કરવામાં આવેલા ઇન્કવાયરી રિપોર્ટને કોર્ટે માત્ર 'આંખમાં ધૂળ નાખવા સમાન' ગણાવીને ફગાવી દીધો હતો.

'નાના કર્મચારીઓને સસ્પેન્ડ કરીને સંતોષ માનશો તો કોર્ટ નહીં ચલાવી લે'

સુનાવણી દરમિયાન હાઈકોર્ટે કોર્પોરેશનના રિપોર્ટ સામે સવાલો ઉઠાવ્યા હતા. કોર્ટે સરકારને પૂછ્યું કે, 'શું તમે નાગરિકો માટે પણ જવાબદાર નથી? કોર્પોરેશને જે રિપોર્ટ રજૂ કર્યો છે તેને ઇન્કવાયરી રિપોર્ટ જ ના કહેવાય. નાના કર્મચારીઓને સસ્પેન્ડ કરીને તમે સંતોષ માની લો તેવું કોર્ટ માનવા તૈયાર નથી.'

સરકારે એવી દલીલ કરી હતી કે આ ઘટનામાં સરકાર સીધી રીતે કોઈ જવાબદાર નથી, ત્યારે કોર્ટે વળતો પ્રહાર કરતા કહ્યું કે, 'આટલા મોટા પાયે ડિમોલિશન થયું અને તેની તમને ખબર ન હોય તેવું તો બને જ નહીં, પણ શું તમારી કોઈ જવાબદારી જ નથી? કેટલાક ઓફિસરો ભેગા થઈને આવું નક્કી કરે તેવી તમારી દલીલ ગળે ઉતરે તેવી નથી. હાઇકોર્ટમાં પિટિશન ના થાય ત્યાં સુધી કોર્પોરેશનના અધિકારીઓને ખબર જ નથી પડતી કે આ કોણે કર્યું?'

મ્યુનિસિપલ કમિશનર સંડોવાયેલા હોય તો નીચલી કેડરને તપાસ કેમ?

હાઇકોર્ટે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની તપાસના નાટક પર સવાલો ઉઠાવતા કહ્યું કે, 'આટલા મોટા ડિમોલિશનની ઘટનામાં મ્યુનિસિપલ કમિશનર અજાણ હોય તેવું શક્ય જ નથી. મ્યુનિસિપલ કમિશનરને બચાવવા માટે જ આ તપાસ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને સોંપવામાં આવી છે. સરકાર ઉચ્ચ અધિકારીઓને બચાવવા નીચલી કેડરના ઓફિસરને તપાસ સોંપે એવું આ પહેલીવાર નથી, આવું કાયમ બને છે.'

'તમે ઇન્કવાયરી-ઇન્કવાયરી રમો છો, તમારામાં કોમનસેન્સ જ નથી'

હાઇકોર્ટે સરકાર પાસે બે મુખ્ય મુદ્દા પર જવાબ માંગ્યો છે. કોર્ટે રોષે ભરાતા કહ્યું કે, '150 લોકોએ પોલીસમાં ફરિયાદ કરી હોવા છતાં તેના પર તરત કેમ કાર્યવાહી ન થઈ? ઘટનાસ્થળે સિનિયર ઓફિસરો અને પોલીસના ઉચ્ચ અધિકારીઓ હાજર હતા. એક મહિના અને બે દિવસ વીતી ગયા હોવા છતાં હજુ સુધી પોલીસે એફઆઈઆર (FIR) કેમ નથી નોંધી? તમે માત્ર ઇન્કવાયરી-ઇન્કવાયરી રમો છો, કોઈ નક્કર પગલાં કેમ નથી લીધા?" કોર્ટે આકરા શબ્દોમાં ઉમેર્યું કે, "તમારામાં કોઈ કોમનસેન્સ જ નથી. ડિમાર્કેશન માટે ગયેલી કોર્પોરેશનને આટલા મોટા પોલીસ બંદોબસ્તની શું જરૂર પડી? શું તમારા પોલીસ અધિકારીઓને ડિમાર્કેશનનો અર્થ પણ નથી ખબર?'

ડીમાર્કેશન માટે ગયેલ કોર્પોરેશને ડિમોલિશન કેમ કર્યું?

સુનાવણી દરમિયાન સરકારે એવી રજૂઆત કરી હતી કે નાસીરનગરમાં બાંગ્લાદેશીઓ ઘૂસી ગયા હોવાની માહિતી મળી હતી. સરકારની આ દલીલ પર નારાજગી વ્યક્ત કરતા કોર્ટે કહ્યું કે, 'તમે ત્યાં ડિમાર્કેશન માટે ગયા હતા, છતાં તમને જ નથી ખબર કે તમે બાંગ્લાદેશીઓને કાઢવા ગયા હતા કે અન્ય કોઈ ઈરાદાથી? જો માત્ર માપણી જ કરવાની હતી તો પછી ત્યાં પોલીસવાળાને સાથે લઈ જવાની શું જરૂર હતી? તમે કંઈ બહેરા-મૂંગા નથી કે તમને કશી ખબર ન હોય.'

અરજદારે પોલીસની ભુમિકા વિશે કોર્ટને એવી રજુઆત કરી હતી કે 'પહેલી જુન સુધી ડિમોલિશન ચાલતું હતુ. તો પણ બીજા દિવસે પણ પોલીસ ત્યા હાજર હતી.' કોર્ટે અરજદારોને જણાવ્યું હતું કે, 'અમે પોલીસ કમિશનરના સોંગદનામાને પણ ધ્યાન પર લઈશું. આ કાવતરા પાછળ કોણ જવાબદાર છે તે કોર્ટ શોધશે. ટોરન્ટને ફોન કરનાર શૈલેષ નામના વ્યકિતની તપાસ કરો.'

આ ઉપરાંત, કોર્ટે અગાઉના રિપોર્ટને ફગાવીને મ્યુનિસિપલ કમિશનરને કોર્ટે પૂછેલા તમામ મુદ્દાઓ પર નવેસરથી વિગતવાર સોગંદનામું (Affidavit) રજૂ કરવા આદેશ કર્યો છે. આ કેસની વધુ સુનાવણી હવે આગામી સપ્તાહ પર મુકરર કરવામાં આવી છે.