આંદોલનની ક્રેડિટ ચોરી રાજકારણીઓના તળિયા ચાટનારાઓને સમાજ ઓળખી ગયો છે : લાલજી પટેલ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Patidar Anamat Andolan History: ગુજરાતના રાજકીય-સામાજિક ઇતિહાસ બદલી નાખનાર પાટીદાર અનામત આંદોલનને આજે બરાબર 11 વર્ષ પૂર્ણ થયા છે. 6 જુલાઈ 2015ના રોજ મહેસાણામાં અહીં હજાર પાટીદારોએ પહેલીવાર અહીંના મોઢેરા ચાર રસ્તાથી કલેક્ટર કચેરી સુધી રેલી યોજી આવેદનપત્ર પાઠવ્યું હતું. એ રેલી સાથે જ અનામત આંદોલનનો સત્તાવાર પાયો નંખાયો હતો, અને તેના શિલ્પી હતા સરદાર પટેલ ગ્રુપ (એસપીજી)ના લાલજીભાઈ પટેલ. અહીં તેમણે આંદોલનની શરૂઆત, આંદોલનની વ્યૂહરચના, હાર્દિક પટેલ સાથેના સંબંધો, રાજકીય મહત્વાકાંક્ષા અને એસપીજીના પ્લેટફોર્મનો ઉપયોગ કરીને કઈ રીતે ચોક્કસ લોકોએ આખું આંદોલન 'હાઇજેક' કરીને મનમાની કરી તેના વિશે વિસ્તારથી વાત કરી છે.
આંદોલનની વાસ્તવિક શરૂઆત
લોકોને એવું લાગે છે કે આંદોલન 2015માં અચાનક ફાટી નીકળ્યું, પણ એવું નથી. 6 જુલાઈ 2015ના રોજ મહેસાણામાં મોઢેરા ચાર રસ્તાથી કલેક્ટર કચેરી સુધી અમે રેલીનું આયોજન કર્યું. આ રેલીમાં 2500થી વધુ યુવાનો અને દીકરા-દીકરીઓ રસ્તા પર ઉતરી આવ્યા હતા. આ એ દિવસ હતો જ્યાંથી ગુજરાતના પાટીદાર અનામત આંદોલનનો સત્તાવાર પ્રારંભ થયો હતો. એ પછી વિસનગર, વિજાપુર, માણસા, હિંમતનગર થઈને આખા ગુજરાતમાં આંદોલન શરૂ થયું હતું. આ રેકોર્ડ પરની વાત છે.
વિસનગરની તોડફોડ અને FIR
23 જુલાઈ 2015ના રોજ વિસનગરમાં ભાજપના તત્કાલીન ધારાસભ્ય ઋષિકેશ પટેલની ઑફિસમાં તોડફોડ અને આગચંપી થઈ હતી. આ મામલે પોલીસે ગુનો નોંધ્યો હતો, જેમાં કુલ 17 મુખ્ય આરોપીઓ હતા. આ એફઆઇઆરમાં પાંચમા નંબરે મુખ્ય સૂત્રધાર તરીકે મારું નામ હતું. જ્યારે હાર્દિક પટેલનું નામ છેક છેલ્લે, 17 મા નંબરે હતું!
પોલીસ પણ તેને ઓળખતી નહોતી, એટલે એફઆઇઆરમાં તેનું નામ 'હાર્દિક વિરમગામ'ને બદલે 'હાર્દિક વિસનગર' લખવામાં આવ્યું હતું! પાછળથી જ્યારે આંદોલન હાઇજેક થયું અને તે મીડિયામાં ચમકવા લાગ્યો, ત્યારે સરકારે કાયદાકીય સુધારો કરીને એફઆઇઆરમાં તેનું નામ સુધારીને 'હાર્દિક વિરમગામ' કર્યું હતું.
હાર્દિકનો લાઈમલાઈટનો મોહ
હાર્દિક સાથે મને કોઈ અંગત નારાજગી નથી, પણ હા, સમાજ સાથે વિશ્વાસઘાત જરૂર થયો છે. મારો સ્વભાવ ક્યારેય મીડિયાની સામે આવીને વાહ-વાહ લૂંટવાનો નથી, અમારો હેતુ માત્ર સમાજના ગરીબોને ન્યાય અપાવવાનો હતો. એ સમયે ટીવી ચેનલોના સ્ટુડિયો અમદાવાદ-ગાંધીનગર હાઈવે પર હતા, જે મહેસાણા કે વિરમગામથી 50-60 કિલોમીટર દૂર હતા. હાર્દિક પાસે કોઈ કામ નહોતું અને તેને કેમેરા, માઈક અને લાઈમલાઈટનો ભારે મોહ હતો. એટલે અમે જ તેને જવાબદારી આપી કે 'તું અમદાવાદ નજીક રહે છે, તને મીડિયામાં જવાનો શોખ છે, તો તું પ્રેસનોટ અને ચેનલોની ડિબેટ સંભાળ.'
પણ તે સ્ટુડિયોમાં બેસીને સરકાર વિરુદ્ધ ઉગ્ર અને ભડકાઉ ભાષણો આપવા લાગ્યો. મીડિયાને આવા ગરમ ચહેરાની જ તલાશ હતી. આજે જનતા બધું જ જાણે છે. જે લોકો માત્ર ક્રેડિટ લેવા અને પોતાની રાજકીય બજાર ગરમ કરવા આવ્યા હતા, તેમનો અસલી ચહેરો ખુલ્લો પડી ગયો છે. હાર્દિક પટેલ પહેલા કોંગ્રેસમાં ગયા, ત્યાં સેટ ન થયું એટલે ભાજપમાં જઈને ધારાસભ્ય બની ગયા.
સરકાર પર SPGનું સતત દબાણ
આંદોલન સમયે એણે જ પ્રતીતિ આપી પણ મને ભાજપ, કોંગ્રેસ અને આપ સહિતના તમામ પક્ષો તરફથી ચૂંટણી લડવા માટે કરોડો રૂપિયાની ઓફરો અને ટિકિટો ઓફર મળતી હતી. પણ અમે પહેલા દિવસે જ સરદાર પટેલના સોગંદ ખાધા હતા કે ગમે તે થાય, આ સંગઠન બિન-રાજકીય રહેશે અને ક્યારેય સત્તાની લાલચમાં સમાજનો સોદો નહીં કરીએ. આજે ક્રેડિટ ચોરીને રાજકારણીઓના તળિયા ચાટવાવાળા ક્યાં બેઠા છે અને લાલજી પટેલ ક્યાં બેઠા છે, તે આખો પાટીદાર સમાજ જોઈ રહ્યો છે.
અમારો હેતુ કોઈ મુખ્યમંત્રીની ખુરશી ખેંચવાનો કે કોઈને ગાદી પર બેસાડવાનો ક્યારેય નહોતો. હા, આંદોલન એટલું પ્રચંડ હતું કે સરકારને પોતાના રાજકીય સમીકરણો બચાવવા માટે આનંદીબેનનું રાજીનામું લેવું પડ્યું હતું. નીતિનભાઈ પટેલ સાથે અમારે સમાજની માંગણીઓ બાબતે સતત સંવાદ થતો હતો. સરકાર ગમે તેની હોય, એસપીજી હંમેશા દબાણ લાવવાનું કામ કરતું હતું. રાજકીય નેતાઓ પોતાની ખુરશી બચાવવા ગમે તે કરે, પણ અમે ક્યારેય કોઈ વ્યક્તિગત કે પક્ષીય રાજકારણમાં પડ્યા વિના માત્ર પાટીદારોના હિત માટે વાટાઘાટો કરતા હતા.
હોદ્દા કે પદનો કોઈ રંજ નથી
એસપીજીને કોઈ વ્યક્તિગત હોદ્દા કે પદ ન મળ્યાં એનો કોઈ રંજ નથી, પણ અમને એ વાતનો ગર્વ અને સંતોષ છે કે અમારી જ લડતના કારણે આજે દેશના જનરલ કેટેગરીના ગરીબ પરિવારોને 10% ઈડબલ્યુએસ (આર્થિક અનામત) મળી છે. આ ઉપરાંત સરકાર પાસેથી પાટીદાર યુવાનો માટે 1000 કરોડ રૂપિયાનું બિન-અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમ મંજૂર કરાવી શક્યા. અમારે કોઈ રાજકીય ક્રેડિટ જોઈતી જ નથી. આ આંદોલનની અસલી ક્રેડિટ તેના માટે બલિદાન આપનારા 14 પાટીદાર યુવાનોને અને લાકડીઓ ખાનારા લોકોને જાય છે, કોઈ વ્યક્તિને નહીં.
અમે હાર્દિકને બરાબર સમજાવ્યો હતો તારી મનમાની નહીં ચાલે, એસપીજીના બંધારણ પ્રમાણે જ ચાલવું પડશે
29મીની જીએમડીસી ગ્રાઉન્ડમાં યોજાયેલી રેલી પહેલાં હાર્દિક પટેલને કોઈ ઓળખતું નહોતું. વાસ્તવિકતા એ હતી કે સોલા ભાગવતની મીટિંગ પછી પણ હાર્દિક પટેલ એસપીજીની વિચારધારા અને શિસ્તથી બહાર રહેતો. તે સંગઠનને પૂછ્યા વગર વ્યક્તિગત નિર્ણયો લેતો હતો. એટલે જ મહેસાણાની કારોબારીમાં અમે તેને સ્પષ્ટ શબ્દોમાં સમજાવ્યો હતો કે 'આ મનમાની અહીં નહીં ચાલે, તારે એસપીજીના બંધારણ પ્રમાણે જ ચાલવું પડશે.' રાજીનામું લેવાની વાત તદ્દન ખોટી છે. જો એને એવું લાગતું કે વિસનગરની રેલી થઈ, તેની પોલીસ એફઆઇઆરમાં હાર્દિક પટેલ આરોપી તરીકે ન હોતો.
હાર્દિકને ફોટા પડાવવાનો અને ફેસબુક-વોટ્સએપ પર પોસ્ટો ચડાવવાનો ભારે ચસકો હતો
હાર્દિક પટેલને એસપીજીમાં લાવનાર હું પોતે જ હતો. 31 ઓક્ટોબર 2012ના રોજ મહેસાણાની અર્બન સ્કૂલમાં એસપીજીનો એક બ્લડ ડોનેશન કેમ્પ હતો. ત્યાં હાર્દિક વિરમગામથી તેના ત્રણ-ચાર મિત્રો સાથે પહેલીવાર મને મળવા આવ્યો હતો. તેણે બહુ વિનંતી કરી કે 'લાલજીભાઈ, મારે વિરમગામ વિસ્તારમાં સમાજ માટે કામ કરવું છે, મને એસપીજીનું કામ સોંપો.' અમે તેનામાં ઉત્સાહ જોયો એટલે અમે તેને વિરમગામ તાલુકા એસપીજીનો પ્રમુખ બનાવ્યો. એ સમયે એન્ડ્રોઇડ ફોન અને સોશિયલ મીડિયા માર્કેટમાં નવું-નવું આવ્યું હતું.
વોટ્સએપમાં ત્યારે માત્ર 50 લોકોનું જ ગ્રુપ બનતું હતું. હાર્દિકને ભાઈબંધી વધારવાનો, ફોટા પડાવવાનો, ફેસબુક-વોટ્સએપ પર પોસ્ટો ચડાવવાનો અને ગ્રુપો તેમજ મેસેજો શેર કરવાનો ભારે ચસકો હતો. એટલે એસપીજીના આઈટી સેલ કે સોશિયલ મીડિયા વિંગ કહી શકાય, તેનું કામ અમે તેને સોંપ્યું હતું. 2012 થી લઈને 2015 ની શરૂઆત સુધી તે માત્ર એસપીજીના સોશિયલ મીડિયા હેન્ડલર અને વિરમગામના પ્રમુખ તરીકે જ કામ કરતો હતો, તેની કોઈ સ્વતંત્ર ઓળખ નહોતી.
સમગ્ર ગુજરાતમાં અનામત માટે 148 રેલીઓ થઈ હતી જેમાંથી 138 રેલીઓનું મેનેજમેન્ટ એસપીજીએ કર્યું હતું
સમગ્ર ગુજરાતમાં અનામત માટે કુલ 148 રેલીઓ થઈ હતી, જેમાંથી 138 રેલીઓનો તમામ ખર્ચ, આયોજન અને મેનેજમેન્ટ એકલી એસપીજીએ કર્યું હતું. હાર્દિક પટેલે મીડિયા પાવર અને અમારા જ વોટ્સએપ ડેટાબેઝનો ઉપયોગ કરીને 25 ઓગસ્ટની જીએમડીસી રેલી પહેલાં 'પાટીદાર અનામત આંદોલન સમિતિ' ઊભી કરી દીધી હતી. આંદોલનની ભીડ એસપીજીની હતી, મહેનત એસપીજીની હતી, પણ સ્ટેજ પર ચહેરો હાર્દિક પટેલનો હતો. સમાજ ભોળો હતો, તેને સંગઠન સાથે કોઈ લેવા-દેવા નહોતી, તેને તો અનામત જોઈતી હતી એટલે સમાજ તેની પાછળ દોડી ગયો.









