Ahmedabad

અમદાવાદ સહિત રાજ્યભરમાં ચોરી કરતી કુખ્યાત સિકલીગર ગેંગનો મુખ્ય સૂત્રધાર ઝડપાયો, 8 ગુના ઉકેલાયા

By GS Team
15 Oct 20262 mins read
TukuTouch Logo
અમદાવાદમાં 'ઓપરેશન હન્ટ' હેઠળ LCB ઝોન-8એ રામોલના વડુ તળાવ પાસેથી કુખ્યાત સિકલીગર ગેંગના મુખ્ય સૂત્રધાર શેરસિંગ ઉર્ફે શેરૂ તેલપીતીયાને ઝડપી પાડ્યો છે. ખંભાતનો આ આરોપી પોતાના સાગરીતો સાથે મોંઘી કારમાં રેકી કરી, ચોરીના બાઈક વાપરી બંધ મકાનો-ગોડાઉનોને નિશાન બનાવતો હતો. પોલીસે 8 ચોરીના ગુના ઉકેલી, મુદ્દામાલ કબજે કર્યો છે. રાજ્યભરમાં આ ગેંગ સામે 30થી વધુ ગુના નોંધાયેલા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદ સહિત રાજ્યભરમાં ચોરી કરતી કુખ્યાત સિકલીગર ગેંગનો મુખ્ય સૂત્રધાર ઝડપાયો, 8 ગુના ઉકેલાયા

Sikligar Gang Mastermind Arrested: અમદાવાદ શહેરમાં શરીર અને મિલકત સંબંધી ગુનાઓમાં નાસતા-ફરતા આરોપીઓને પકડવા પોલીસે યોજેલી 'ઓપરેશન હન્ટ' ડ્રાઇવ અંતર્ગત LCB ઝોન-8ની ટીમે બાતમીના આધારે રામોલ ગામના વડુ તળાવ પાસેથી કુખ્યાત સિકલીગર ગેંગના મુખ્ય આરોપી શેરસિંગ ઉર્ફે શેરૂ કાલુસિંગ તેલપીતીયાને ઝડપી પાડ્યો છે. આરોપી પાસેથી પોલીસે મુદ્દામાલ કબજે કરી રામોલ, વટવા GIDC અને અમરાઈવાડી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ચોરીના કુલ 8 ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો છે.

રાજ્યભરમાં ચોરી કરતી કુખ્યાત સિકલીગર ગેંગનો મુખ્ય સૂત્રધાર ઝડપાયો

આરોપી પોતાના ત્રણ સાગરીતો સાથે મોંઘીદાટ કાર લઈને નીકળતો અને રેકી કરેલા બંધ મકાનો-ગોડાઉનમાં ચોરી કરવા માટે સ્થાનિક સ્તરેથી જ બાઇકની ચોરી કરી ગુનાને અંજામ આપતો હતો. આ મામલે પોલીસે ગેંગના અન્ય સાગરીતોની શોધખોળ સહિતની વધુ તપાસ હાથ ધરી છે.

ઝડપાયેલો આરોપી શેરસિંગ ઉર્ફે શેરૂ મૂળ ખંભાતનો વતની છે અને તે પોતે જ સિકલીગર ગેંગનું સંચાલન કરી અન્ય સભ્યોને ચોરી કરવા માટે માર્ગદર્શન પૂરું પાડતો હતો. આ ગેંગની મોડસ ઓપરેન્ડી અત્યંત શાતિર હતી. ગેંગના સભ્યો રિંગ રોડ આસપાસ પોતાની મોંઘીદાટ કાર પાર્ક કરતા હતા. ત્યારબાદ ઓળખ છુપાવવા નજીકના વિસ્તારમાંથી બાઇકની ચોરી કરતા અને અગાઉથી રેકી કરેલા બંધ મકાનો, દુકાનો કે ગોડાઉનના રાત્રિના સમયે તાળાં તોડી રોકડ-દાગીનાની ચોરી કરતા હતા. ચોરીનો ગુનો આચર્યા બાદ ચોરીનું બાઇક અવાવરૂ જગ્યાએ બિનવારસી મૂકી પોતાની અસલ કારમાં બેસીને ફરાર થઈ જતા હતા.

​રાજ્યભરમાં 30થી વધુ ગુના નોંધાયેલા છે

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, ઝડપાયેલી સિકલીગર ગેંગ સામે સમગ્ર રાજ્યમાં 30થી વધુ ગુના નોંધાયેલા છે. આરોપી અગાઉ વડોદરા, નડિયાદ, આંબલીયારા, જેતપુર અને બાલાસિનોર જેવા વિસ્તારોમાં પણ ચોરી તેમજ લૂંટ જેવા ગંભીર ગુનાઓમાં પોલીસ ચોપડે ચડી ચૂક્યો છે.
​
કયા પોલીસ સ્ટેશનના કેટલા ગુના ઉકેલાયા?

  • ​રામોલ પોલીસ સ્ટેશન: 03 ગુના
  • વટવા GIDC પોલીસ સ્ટેશન: 03 ગુના
  • અમરાઈવાડી પોલીસ સ્ટેશન: 02 ગુના
  • કુલ ઉકેલાયેલા ગુના: 08