અમદાવાદ: શીલજ હિટ એન્ડ રન કેસમાં ભાજપ MLAના ભત્રીજા સામે ઢીલી નીતિ, આરોપીને બચાવવા પોલીસના ધમપછાડા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad Shilaj Hit and Run Case: અમદાવાદના શીલજમાં ખુદની લક્ઝુરિયસ રેન્જ રોવર કારથી એક નિર્દોષ બાઈકચાલકને કચડીને મોતને ઘાટ ઉતારનારા બાપુનગરના ભાજપના MLA દિનેશ કુશવાહના ભત્રીજાને બચાવવા માટે પોલીસે રીતસરની લાજ નેવે મૂકી દીધી હોય એવું સ્પષ્ટ લાગી રહ્યું છે. કેમ કે, આ પહેલાં DySPએ બલ્ડ ટેસ્ટ અંગે જવાબ આપવાનુ ટાળ્યુ હતુ. પરંતુ આરોપીએ મીડિયા સમક્ષ બ્લડ ટેસ્ટ થયાનુ કહ્યુ હતુ. આમ હવે રાંડ્યા પછીનું ડાહપણ આપતા હોય તેમ પોલીસે આરોપીને છાવરવા અકસ્માતના 17 કલાક સુધી તેને પકડવાની તસ્દી લીધી નહીં. એટલું જ નહીં, દારૂ કે નશાની પુષ્ટિ ન થઈ શકે તેવા બદઈરાદા સાથે ઘટનાના 30 કલાક બાદ માત્ર દેખાડા ખાતર આરોપીનો બ્લડ ટેસ્ટ કરાવ્યો હોવાનું પોલીસ હવે રદિયો આપી રહી છે. બીજી તરફ, હવે કારની સાચી સ્પીડ જાણવા માટે RTO, FSL અને રેન્જ રોવર કંપની આ ત્રણેય પાસેથી ટેકનિકલ રિપોર્ટ માગ્યો છે.
શીલજ હિટ એન્ડ રન કેસ: 17 કલાકે આરોપીની ધરપકડ કરાતા પોલીસની કાર્યવાહી પર શંકા
ગત 11 નવેમ્બર MLA દિનેશ કુશવાહના ભત્રીજા રાઘવેન્દ્ર કુશવાહે રેન્જ રોવર કારની ટક્કરે એક બાઈકચાલકને અડફેટે લેતા એક યુવકનુ મોત થયુ હતુ. આરોપી અકસ્માત સર્જીને તે સ્થળ પરથી ભાગી ગયો હતો. આ કેસમાં આરોપીને છાવરવા માટે પહેલા તો પોલીસે 17 કલાક બાદ ધરપકડ કરી. એટલું જ નહીં DySPએ બ્લડ ટેસ્ટ અંગે વાત ટાળ્યા બાદ પોલીસે પોતાની ભૂલ સુધારવા ઘટનાના 30 કલાક પછી આરોપીનો બ્લ્ડ ટેસ્ટ કરાવ્યો છે.
પોલીસે જણાવ્યું કે, સાક્ષીઓના નિવેદનો અને પ્રાથમિક તપાસ મુજબ આ અકસ્માત આગળની ગાડી અને બાઈક વચ્ચે ઊભી થયેલી ગેરસમજના કારણે સર્જાયો હોવાનું જાણવા મળ્યું છે. આરોપીના કહેવા પ્રમાણે આગળની ગાડી અચાનક ઊભી રહેતા બાઈકચાલકને બચાવવા જતાં તેની ગાડી બાઈક સાથે અથડાઈ હતી. આરોપી મીડિયા સામે જાતે પોલીસ સ્ટેશનમાં હાજર થયાનો દાવો કરે છે. પરંતુ હકીકતમાં પોલીસે સાક્ષીઓ પાસેથી ગાડીનો નંબર મેળવીને બીજા દિવસે તેના ઘરેથી જ આરોપીની ધરપકડ કરી વાહન કબ્જે કર્યું હતુ. હાલમાં તેને સળંગ બે દિવસમાં 25થી 26 કલાક પૂછપરછ કર્યા બાદ જામીન પર મુક્ત કરવામાં આવ્યો છે.
અકસ્માતના 30 કલાક પછી આરોપીનું બ્લડ સેમ્પલ લેવાયુ
વધુમાં જણાવ્યું કે, આ કેસમાં આગળની કાર્યવાહી હવે FSL અને ટેકનિકલ રિપોર્ટ પર નિર્ભર છે. અકસ્માતના આશરે 30 કલાક પછી આરોપીનું બ્લડ સેમ્પલ લેવામાં આવ્યુ હતુ. જો રિપોર્ટમાં નશાકારક પદાર્થનું સેવન કર્યાનુ સામે આવશે તો કેસમાં નવી કલમો ઉમેરવામાં આવશે. આ ઉપરાંત, પ્રાથમિક તપાસમાં ગાડી બહુ ઓવરસ્પીડમાં હોવાનું જણાયું નથી. તેમ છતાં વાહનની ચોક્કસ સ્પીડ જાણવા માટે RTO, FSL અને રેન્જ રોવર કંપની આ ત્રણેય પાસેથી ટેકનિકલ રિપોર્ટ માગવામાં આવ્યા છે.
આરોપીના કૉલ ડિટેલ રેકોર્ડ ચેક કરાશે
અકસ્માત બાદ 17 કલાક સુધી આરોપી ક્યાં હતો તે પૂછતાં તે ડરી ગયો હોવાના બહાના આપી રહ્યો હતો. જો કે, પોલીસ આરોપીની વાતો પર સીધો ભરોસો કરવાના બદલે તેના CDR એટલે કે કૉલ ડિટેલ રેકોર્ડની રાહ જોઈ રહી છે, જેના એનાલિસિસ બાદ જ સાચી હકીકત સામે આવશે. સમગ્ર કેસની તપાસ PSI દ્વારા કરવામાં આવી રહી છે અને આરોપીને જ્યારે પણ નિવેદન માટે બોલાવવામાં આવે ત્યારે તેને ફરજિયાત હાજર રહેવાની સૂચના આપવામાં આવી છે.
અત્યાર સુધી શું થયું અને અધિકારીઓના વાતોના વડા
શીલજમાં ગત 11 નવેમ્બરે વહેલી સવારે સર્જાયેલા હિટ એન્ડ રન કેસમાં ભાજપના ધારાસભ્ય દિનેશ કુશવાહના ભત્રીજા રાઘવેન્દ્ર કુશવાહે પોતાની રેન્જ રોવર કારથી બાઈકને ટક્કર મારતા હર્ષદકુમાર નામના 35 વર્ષીય યુવકનુ કમકમાટીભર્યું મોત નીપજ્યુ હતુ. અકસ્માત બાદ ફરાર થઈ ગયેલા આરોપીની પોલીસે 17 કલાક બાદ ધરપકડ કરી હતી, પરંતુ તેની સામે ગંભીર ગુનાના બદલે સામાન્ય કલમો લગાવીને ગણતરીના કલાકોમાં જામીન પર મુક્ત કરી દેતા પોલીસની કામગીરી શંકાના ઘેરામાં આવી હતી. આ કેસમાં પોલીસ અને આરોપીના નિવેદનોમાં પણ મોટો વિરોધાભાસ જોવા મળ્યો હતો. ખાસ કરીને બ્લડ ટેસ્ટના મુદ્દે DySPએ સ્પષ્ટ જવાબ આપવાનું ટાળ્યું હતું. જ્યારે આરોપીએ ટેસ્ટ થઈ ગયો હોવાનો દાવો કર્યો હતો. આ સમગ્ર ઘટનાક્રમ અને પોલીસની ઢીલી કાર્યવાહી જોતા વગદાર નેતાના ભત્રીજાને બચાવવા માટે ધમપછાડા કરવામાં આવી રહ્યા હોવાનું સ્પષ્ટપણે લાગી રહ્યું છે.




