Ahmedabad

અમદાવાદ: બોપલ-શેલામાં વરસાદી પાણીમાં ફસાઈ સ્કૂલ બસ, બારીમાંથી હાથ હલાવી બૂમો પાડતા બાળકોનો વીડિયો વાયરલ!

By GS Team
14 Sep 20262 mins read
TukuTouch Logo
અમદાવાદમાં ભારે વરસાદ વચ્ચે બોપલ-શેલાના ક્લબ O7 નજીક 'એકલવ્ય સ્કૂલ'ની બસ પાણીમાં ફસાઈ હતી. પ્રાથમિક શાળાના નાના બાળકોને લઈ જતી બસ ઊંડા પાણીમાં બંધ પડતાં અફરાતફરી મચી હતી. ભયભીત બાળકો બારીઓમાંથી મદદ માટે બૂમો પાડતા જોવા મળ્યા, જેનો વીડિયો વાઈરલ થયો. જોકે, શાળા તંત્રએ તાત્કાલિક બીજી બસ મોકલી તમામ બાળકોને સુરક્ષિત રીતે ઘરે પહોંચાડ્યા હતા.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદ: બોપલ-શેલામાં વરસાદી પાણીમાં ફસાઈ સ્કૂલ બસ, બારીમાંથી હાથ હલાવી બૂમો પાડતા બાળકોનો વીડિયો વાયરલ!

Ahmedabad Rain: અમદાવાદ શહેરમાં વરસેલા ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. આ દરમિયાન બોપલ-શેલા વિસ્તારમાંથી વાલીઓની ચિંતા વધારતા દ્રશ્યો સામે આવ્યા હતા. અહીં ક્લબ O7 (Club O7) નજીક ભરાયેલા વરસાદી પાણીમાં ‘એકલવ્ય સ્કૂલ’ની બસ બંધ પડી જતાં નાના બાળકો ફસાઈ ગયા હતા.

પાણી વચ્ચે બસ બંધ પડી, બાળકોમાં અફરાતફરી

પ્રાપ્ત માહિતી અનુસાર, એકલવ્ય સ્કૂલની બસ પ્રાથમિક શાળાના નાના બાળકોને લઈને પસાર થઈ રહી હતી. આ દરમિયાન ક્લબ O7 પાસે રસ્તા પર ભરાયેલા ઊંડા પાણીમાં બસ અચાનક બંધ પડી ગઈ હતી. બસ બંધ પડતાં જ અંદર સવાર માસુમ બાળકો ભયભીત થઈ ગયા હતા.

બારીમાંથી હાથ હલાવી બૂમો પાડતા બાળકોનો વીડિયો વાયરલ

ઘટના સમયે ત્યાંથી પસાર થતાં એક સ્થાનિક નાગરિકે આ સમગ્ર બનાવનો વીડિયો પોતાના મોબાઇલમાં કેદ કરી લીધો હતો. આ વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે બાળકો બસની બારીઓમાંથી બહાર હાથ હલાવીને બૂમો પાડી રહ્યા હતા. જોકે, ધોધમાર વરસાદના અવાજના કારણે બાળકો શું બોલી રહ્યા હતા તે સ્પષ્ટ સંભળાતું નહોતું. આ હૃદયદ્રાવક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

આ પણ વાંચો: અમદાવાદમાં મેઘરાજાની ધડબટાડી, વટવા-લાંભામાં 8 કલાકમાં 5 ઈંચથી વધુ વરસાદથી જળબંબાકાર

શાળા તંત્ર દ્વારા બીજી બસની વ્યવસ્થા કરાઈ

બસ પાણીમાં બંધ પડી હોવાની જાણ થતાં જ શાળા સંચાલકો તાત્કાલિક હરકતમાં આવ્યા હતા. ઘટનાસ્થળે બીજી બસ મોકલીને તમામ બાળકોને સુરક્ષિત રીતે રેસ્ક્યૂ કરી તેમના ઘરે પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. તમામ બાળકો સુરક્ષિત હોવાથી વાલીઓએ રાહતનો શ્વાસ લીધો હતો, પરંતુ આ ઘટનાએ ચોમાસા દરમિયાન સ્કૂલ વાહનોની સલામતી સામે મોટા સવાલો ઊભા કર્યા છે.