Ahmedabad

સાણંદ: ડરણ ગામના ખેડૂતોના વિરોધ આગળ ઝૂક્યું તંત્ર, પાઇપલાઇન માટેનું ખોદકામ પૂરી દેવાની ધારાસભ્યએ આપી ખાતરી

By GS Team
28 Jun 20262 mins read
TukuTouch Logo
સાણંદના ડરણ ગામે ખેડૂતોના ખેતરમાં ગેરકાયદે પાઇપલાઇન મુદ્દે 10 દિવસથી ચાલતા વિવાદનો સુખદ અંત આવ્યો છે. ધારાસભ્ય કનુભાઈ પટેલે ખેડૂતોના હિતમાં પાઇપલાઇનનું કામ તાત્કાલિક બંધ કરવાની ખાતરી આપી હતી. વળતર કે જાણ વગર કામગીરી થતા ખેડૂતોમાં રોષ હતો. ઈશુદાન ગઢવી સહિતના નેતાઓએ ખેડૂતોને સમર્થન આપ્યું હતું. હવે વૈકલ્પિક રસ્તો શોધાશે.

Summarized by AI; it may make mistakes. Check important info

સાણંદ: ડરણ ગામના ખેડૂતોના વિરોધ આગળ ઝૂક્યું તંત્ર, પાઇપલાઇન માટેનું ખોદકામ પૂરી દેવાની ધારાસભ્યએ આપી ખાતરી

Farmers Protest in Sanand: અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના ડરણ ગામે ખેડૂતોના ખેતરમાંથી ગેરકાયદે રીતે પાણી નિકાલની પાઇપલાઇન નાખવાના મામલે છેલ્લા 10 દિવસથી ચાલી રહેલા વિવાદનો આખરે સુખદ અંત આવ્યો છે. ખેડૂતોના ભારે આક્રોશ અને વિરોધ સામે તંત્ર અને શાસક પક્ષને નમતું જોખવું પડ્યું છે. સાણંદ-બાવળાના ધારાસભ્ય કનુ પટેલે ડરણ ગામની મુલાકાત લઈ ખેડૂતોના હિતમાં પાઇપલાઇનનું કામ તાત્કાલિક અસરથી બંધ કરવાની અને ખોદકામ પૂરી દેવાની ખાતરી આપી હતી.

વળતર કે જાણ વગર લાઈન નાખતા ખેડૂતોમાં ફાટી નીકળ્યો હતો આક્રોશ

મળતી માહિતી અનુસાર, સાણંદ સિંચાઈ વિભાગ દ્વારા બાવળા, મટોડા અને ચાંગોદર વિસ્તારના વરસાદી પાણીના નિકાલ માટે એક આયોજન કરવામાં આવ્યું હતું. આ અંતર્ગત ડરણ ગામના ખેડૂતોના ખેતરમાંથી પાણી નિકાલની મોટી પાઇપલાઇન નાખવાની કામગીરી શરૂ કરાઈ હતી. જોકે, સાણંદ સિંચાઈ વિભાગ દ્વારા ખેડૂતોને કોઈ પણ પ્રકારનું વળતર આપ્યા વિના કે આગોતરી જાણ કર્યા વિના જ આ મનસ્વી કાર્યવાહી કરવામાં આવી રહી હતી. પોતાની કિંમતી જમીન બગડતી જોઈને ડરણ ગામના ખેડૂતો છેલ્લા 10 દિવસથી તંત્ર સામે બાયો ચડાવીને આંદોલન પર બેઠા હતા.

ઈશુદાન ગઢવી સહિતના નેતાઓએ આપ્યું હતું સમર્થન

ખેડૂતોનો આ વિરોધ ધીમે-ધીમે મોટું સ્વરૂપ ધારણ કરી રહ્યો હતો. આમ આદમી પાર્ટી (AAP)ના નેતા ઈશુદાન ગઢવી સહિત વિવિધ સમાજના અગ્રણીઓ પણ ખેડૂતોની વહારે આવ્યા હતા અને આ આંદોલનને સમર્થન જાહેર કર્યું હતું, જેના કારણે વહીવટી તંત્ર અને સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવી ગયો હતો.

ધારાસભ્ય કનુભાઈ પટેલ ડરણ ગામે પહોંચ્યા

પરિસ્થિતિની ગંભીરતાને જોતા સાણંદ-બાવળાના ધારાસભ્ય કનુભાઈ પટેલ પક્ષના અન્ય હોદ્દેદારો સાથે ડરણ ગામે ખેડૂતોની વચ્ચે પહોંચ્યા હતા. ખેડૂતો સાથે સીધી વાતચીત કર્યા બાદ તેમણે જાહેરમાં જાહેરાત કરી હતી કે, 'ખેતરોમાં પાઇપલાઇન નાખવા માટે જે કોઈ પણ કામગીરી કરવામાં આવી રહી છે, તેને તાત્કાલિક બંધ કરી દેવામાં આવશે. પાઇપલાઇન માટે ખેતરોમાં જે પણ ખોદકામ કરવામાં આવ્યું છે, તેને ફરીથી પૂરી દેવામાં આવશે. વરસાદી પાણીના નિકાલ માટે ખેડૂતોના ખેતરોના બદલે કોઈ અન્ય વૈકલ્પિક રસ્તો કે રૂટ શોધવાના પ્રયાસો કરવામાં આવશે.'

ખેડૂતોએ ધારાસભ્યના નિર્ણયને વધાવી લીધો

ભાજપના ધારાસભ્ય કનુ પટેલે ખેડૂતોના પક્ષમાં નિર્ણય લેતા અને ભવિષ્યમાં પણ સરકારમાં જ્યાં રજૂઆત કરવાની જરૂર પડશે ત્યાં સાથે ઊભા રહેવાની ખાતરી આપતા ઉપસ્થિત તમામ ખેડૂતોએ આ નિર્ણયને હર્ષભેર વધાવી લીધો હતો. ધારાસભ્યની આ જાહેરાત બાદ છેલ્લા 10 દિવસથી ચાલતા આ વિવાદ પર આખરે પડદો પડ્યો છે.