અમદાવાદ: પોપ્યુલર ગ્રુપના દશરથ પટેલની મુશ્કેલી વધી, સાણંદ-બોપલ જમીન કૌભાંડમાં સેશન્સ કોર્ટે જામીન ન આપ્યા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Sanand-Bopal Land Scam Case: બોગસ દસ્તાવેજોના આધારે સાણંદ અને બોપલમાં કરોડો રૂપિયાની જમીન હડપ કરનાર પોપ્યુલર ગ્રુપના દશરથ પટેલે બંને કેસમાં કરેલી જામીન અરજી પ્રિન્સિપાલ એન્ડ ડિસ્ટ્રીક સેશન્સ જજ કે.એમ.સોજીત્રાએ ફગાવી દીધી છે.
કોર્ટે આરોપીની જામીન અરજી ફગાવતા નોંધ્યું હતું કે, આરોપી આવા પ્રકારના ગુના કરવાની ટેવ ધરાવે છે. આ કેસોમાં ચાર્જશીટ રજૂ થઇ ગઇ હોવાના કારણે આરોપીને જામીન આપી ના શકાય. કારણ કે, ગુનાની ગંભીરત, આરોપીની ભૂતકાળના ગુનાહિત ઇતિહાસ અને પુરાવા સાથે ચેડાં થવાની શક્યતાઓ રહેલી છે. પોલીસે કોર્ટમાં ચાર્જશીટ દાખલ કર્યા હોવા માત્રથી કેસના તથ્યો કે ગંભીરતા બદલાઇ જતાં નથી.
વર્ષ 1996માં સાણંદના ચેખલા ગામની સર્વે નંબર 738 અને 743 વાળી નવી તથા પ્રતિબંધિત શરતની જમીનને જૂની શરતમાં દર્શાવવા માટે આરોપીઓએ સાણંદ મામલતદાર કચેરીનો બોગસ હુકમ તૈયાર કર્યો હતો. જે હુકમના આધારે 11 જાન્યુઆરી 1996ના રોજ રજિસ્ટર્ડ વેચાણ દસ્વાતેજ કરાવી લેવામાં આવ્યા હતા. જે અંગે પોલીસે તપાસ કરતા મામલતદાર કચેરીમાંથી આવો કોઇ હુકમ કરવામાં આવ્યો જ નથી. આથી પોલીસે ગુનો નોંધીને આરોપી દશરથ પટેલ સહિતના આરોપીઓની ધરપકડ કરી જેલમાં મોકલી આપ્યા હતા.
આરોપીએ જામીન અરજી કરી
આરોપીએ જામીન અરજી કરતા રજૂઆત કરી હતી કે, તેઓ 65 વર્ષના વયોવૃધ્ધ છે. તેમણે કોઇ કહેવાતો ગુનો કર્યો નથી. પોલીસે ચાર્જશીટ કોર્ટમાં દાખલ કરી દીધી છે. કોઇ તપાસ કરવાની બાકી નથી. કોર્ટ પાસે જામીન આપવાની સત્તા છે. કોર્ટ જે પણ શરતો મુકશે તેનું પાલન કરવામાં આવશે.
આરોપીની જામીન અરજીનો વિરોધ કરતા મુખ્ય સરકારી વકીલ પ્રવિણ ત્રિવેદીએ રજૂઆત કરી હતી કે, આરોપીએ મૂળ બોગસ દસ્તાવેજો અને મામલતદારનો બનાવટી હુકમ ગાયબ કરી દીધો છે. આરોપી દશરથ પટેલ સામે ભૂતકાળમાં જમીન પાડવાના અને છેતરપિંડીના 6 ગુના નોંધાયેલા છે. આરોપી વિરુધ્ધ કોર્ટે સીઆરપીસીની કલમ-70 મુજબનું વોરંટ કાઢ્યું હોવા છતાં ભાગતા ફરતા હતા. આથી આરોપીની જામીન અરજી ફગાવી દેવી જોઇએ. કોર્ટે બંને પક્ષકારોની દલીલો સાંભળ્યા બાદ આરોપીની જામીન અરજી નામંજૂર કરી હતી.









