VIDEO| અમદાવાદ: પાર્કિંગમાં ફક્ત ડિસ્પ્લેની જ મંજૂરી છતાંય સ્ટંટ થયા, રિવરફ્રન્ટ તંત્રે આયોજકની 1 લાખની ડિપોઝિટ જપ્ત કરી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad Sabarmati Riverfront Multilevel Parking Car-Bike Stunts: અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતેના મલ્ટીલેવલ પાર્કિંગમાં કાર અને બાઈકના ડિસ્પ્લે માટે યોજાયેલી ઇવેન્ટ દરમિયાન મંજૂરી ન હોવા છતાં સ્ટંટ કરવામાં આવ્યા હોવાની ઘટના સામે આવી છે. ડિસ્પ્લે માટે જગ્યા ભાડે આપવામાં આવી હતી, પરંતુ સ્ટંટ માટે પરવાનગી આપવામાં આવી ન હતી. તેમ છતાં ઇવેન્ટ દરમિયાન બાઈક અને કારના સ્ટંટ થયા હોવાની માહિતી બાદ સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ દ્વારા આયોજક સામે કાર્યવાહી કરવામાં આવી છે અને 1 લાખ રૂપિયાની ડિપોઝિટ જપ્ત કરવામાં આવી છે.
રિવરફ્રન્ટના મલ્ટીલેવલ પાર્કિંગમાં ફક્ત ડિસ્પ્લેની જ મંજૂરી છતાંય સ્ટંટ થયા
મલ્ટીલેવલ પાર્કિંગના ધાબાને કાર અને બાઈકના ડિસ્પ્લે માટે 2 લાખ રૂપિયાના ભાડે આપવામાં આવ્યો હતો. રવિવારે(27 સપ્ટેમ્બર) અહીં મોંઘી કાર અને બાઈકનો પ્રીમિયમ શૉ પ્રકારનો કાર્યક્રમ યોજાયો હતો. રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશનના અધિકારીના જણાવ્યા મુજબ, જગ્યા માત્ર કાર અને બાઈકના ડિસ્પ્લે માટે આપવામાં આવી હતી. સ્ટંટ કરવાની કોઈ મંજૂરી આપવામાં આવી નહોતી.
બાઈકનો સ્ટંટ કરતાં ચાલક પટકાયો
ઇવેન્ટ દરમિયાન બાઈકના સ્ટંટ કરવામાં આવ્યા હોવાની માહિતી સામે આવી છે. એક બાઈકચાલક સ્ટંટ કરતી વખતે કાબૂ ગુમાવતા બાઈક સાથે પટકાયો હોવાની જાણકારી મળી છે. જોકે, ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નહોતી. કારમાંથી આગ નીકળતી હોય તે પ્રકારનો સ્ટંટ પણ કરવામાં આવ્યો હોવાની માહિતી છે. ઇવેન્ટ બાદ પાર્કિંગના ધાબા પર બાઈકના ટાયરના નિશાન પણ જોવા મળ્યા હોવાનું જાણવા મળ્યું છે. આ સમગ્ર ઘટનાના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયા છે. તેમાં કાર અને બાઈકના ડિસ્પ્લે સાથે સ્ટંટ કરવામાં આવ્યા હોવાનું જોવા મળતું હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
આયોજકને લેખિત નોટિસ અપાઈ
સ્ટંટની ઘટના સામે આવ્યા બાદ રિવરફ્રન્ટ તંત્ર દ્વારા ઇવેન્ટ આયોજકને લેખિતમાં જાણ કરવામાં આવી હતી. નિયમોનું ઉલ્લંઘન થયાનું જણાતાં 1 લાખ રૂપિયાની ડિપોઝિટ જપ્ત કરવાની કાર્યવાહી કરવામાં આવી છે. આ ઇવેન્ટનું આયોજન મહારાષ્ટ્રના કબીર સધવાણી દ્વારા કરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે.
રેવન્યુ માટે જગ્યા ભાડે આપવામાં આવી હતી: અધિકારી
રિવરફ્રન્ટ તંત્રના અધિકારીના જણાવ્યા મુજબ, મલ્ટીલેવલ પાર્કિંગની જગ્યાનો ઉપયોગ વધે અને રેવન્યુ મળી રહે તે હેતુથી ધાબું ઇવેન્ટ માટે ભાડે આપવામાં આવ્યું હતું. જોકે, ભાડે આપેલી જગ્યાનો ઉપયોગ મંજૂર હેતુ સિવાય સ્ટંટ માટે કરવામાં આવ્યો હોવાની માહિતી સામે આવતાં આયોજક સામે કાર્યવાહી કરવામાં આવી છે.
પોલીસમાં હાલ કોઈ ફરિયાદ નહીં
પોલીસ અધિકારીના જણાવ્યા મુજબ, હાલ આ ઘટનાને લઈને કોઈ ફરિયાદ નોંધાઈ નથી. બાઈકચાલક પટકાયો હોવાની માહિતી હોવા છતાં કોઈ પોલીસ ફરિયાદ કરવામાં આવી નથી. અકસ્માત થયો હોય તો સંબંધિત લોકો વચ્ચે અંદરોઅંદર સમાધાન થઈ ગયું હોવાની શક્યતા હોવાનું પોલીસ તરફથી જણાવાયું છે. આ તરફ રિવરફ્રન્ટ તંત્ર દ્વારા સ્ટંટની મંજૂરી ન હોવા છતાં સ્ટંટ કરવામાં આવ્યા હોવાના મુદ્દે આયોજક સામે ડિપોઝિટ જપ્ત કરવાની કાર્યવાહી કરવામાં આવી છે.




