Ahmedabad

માર્ચ 2027 સુધીમાં સાબરમતી સ્ટેશન ધમધમતું થઇ જશે, ટિકિટથી ટ્રેન સુધી બધુ સ્માર્ટ..!

By GS Team
12 Aug 20262 mins read
TukuTouch Logo
અમદાવાદના સાબરમતી રેલવે સ્ટેશનનું રૂ. 334 કરોડના ખર્ચે કાયાપલટ અંતિમ તબક્કામાં છે. અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ મુખ્ય બિલ્ડિંગ કાર્યરત થઈ ગયું છે. 7 પ્લેટફોર્મ, લિફ્ટ, એસ્કેલેટર જેવી આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાઈ છે. જોકે, પ્લેટફોર્મ શોધવામાં મુસાફરોને હજુ હાલાકી પડી રહી છે. DRM અને GMએ કામગીરીની સમીક્ષા કરી હતી.

Summarized by AI; it may make mistakes. Check important info

માર્ચ 2027 સુધીમાં સાબરમતી સ્ટેશન ધમધમતું થઇ જશે, ટિકિટથી ટ્રેન સુધી બધુ સ્માર્ટ..!

Sabarmati Railway Station Redevelopment: અમદાવાદના સાબરમતી રેલવે સ્ટેશનથી કાયાપલટનું કામ હવે અંતિમ તબક્કામાં પહોંચી ગયું છે. રૂ.334 કરોડના ખર્ચે સ્ટેશનને આધુનિક સ્વરૂપ આપવામાં આવી રહ્યું છે. મુખ્ય બિલ્ડિંગનું કામ પૂર્ણ થતાં તેને મુસાફરો માટે કાર્યરત કરી દેવાયું છે. વેઈટિંગ એરિયા, લિફ્ટ, એસ્કેલેટર સહિતની સુવિધાઓ પણ શરૂ કરાઈ છે. જોકે, સ્ટેશનની નવી ચમક વચ્ચે મુસાફરોને કેટલીક મૂળભૂત સુવિધાઓમાં હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

રેલવે સ્ટેશન બનાવવા માટે આશરે 334 કરોડનો ખર્ચ

અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ અંદાજિત 334 કરોડના ખર્ચે સાબરમતી રેલવે સ્ટેશનને વિકસિત કરવામાં આવી રહ્યું છે. હાલ સ્ટેશનનું મુખ્ય બિલ્ડિંગ મુસાફરો માટે કાર્યરત કરી દેવાયું છે. ડીઆરએમ વેદ પ્રકાશ અને જીએમ રામાશ્રય પાંડેએ સાબરમતી સ્ટેશનની મુલાકાત લઈ કામગીરીની સમીક્ષા કરી હતી. નવા બિલ્ડિંગમાં ટિકિટિંગ, રિઝર્વેશન અને મુસાફરો માટે વેઈટિંગ એરિયાની રીતે વ્યવસ્થા કરવામાં આવી છે.

7 પ્લેટફોર્મ સાથે કોન્કોર્સનું કામ પણ ઝડપી કરાયું

સ્ટેશન પર કુલ 7 પ્લેટફોર્મ રહેશે. જેમના કામ પણ પૂરજોશ સાથે કરવામાં આવી રહ્યું છે. મુસાફરોની અવરજવર સરળ બને તે માટે વિશાળ કોન્કોર્સ, લિફ્ટ, એસ્કેલેટર અને ફૂટઓવરબ્રિજ ઉપરાંત ડિજિટલ પેસેન્જર ઈન્ફોર્મેશન, આધુનિક અનાઉન્સમેન્ટ સિસ્ટમ, સીસીટીવી, ફાયર સેફ્ટી, ફૂડ પ્લાઝા, પાર્કિંગ તથા પિક-અપ-ડ્રોપ ઝોન જેવી સુવિધાઓ પણ ઊભી કરાઈ છે. સ્ટેશનને મલ્ટીમોડલ ટ્રાન્સપોર્ટ કનેક્ટિવિટી સાથે પણ જોડવામાં આવ્યું છે.

પ્લેટફોર્મ શોધવામાં મુસાફરો મૂંઝાયા

બાંધકામની કામગીરી વચ્ચે પ્લેટફોર્મ નં. 1 થી 3 તરફ જવા માટે મુસાફરોને હાલ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ક્યાં પ્લેટફોર્મ માટે કઈ દિશામાં જવું તેની સ્પષ્ટ માહિતી આપતા માર્ગદર્શક બોર્ડનો અભાવ હોવાથી ખાસ કરીને અજાણ્યા મુસાફરો, વડીલો અને સામાન સાથેના પ્રવાસીઓને મૂંઝવણ થાય છે. સ્ટેશનનું કામ પૂર્ણ થાય ત્યાં સુધી પૂરતી વે-ફાઇન્ડિંગ અને સાઇનેજ વ્યવસ્થા ઊભી કરવાની જરૂરિયાત છે.

સાબરમતી: શેડમાં WAG-12 એન્જિનોની મેન્ટેનન્સ ક્ષમતા વધારાશે

સાબરમતી ઈલેક્ટ્રિક લોકો શેડમાં ડબલ્યુએજી-12 જેવા હાઈ પાવર માલગાડીના એન્જિનોની મેન્ટેનન્સ સુવિધા વધારવા માટે રૂ.113.63 કરોડના ખર્ચે ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવામાં આવી રહ્યું છે. 300 જેટલા WAG-12 એન્જિનોના મેન્ટેનન્સને ધ્યાનમાં રાખીને બોગી ડ્રોપ પિટ, વ્હીલ મેન્ટેનન્સ, ઓટોમેટિક વોશિંગ પ્લાન્ટ, ઓએચઈ સહિતની સુવિધાઓ ઊભી કરવામાં આવશે. 11 ઓગસ્ટના રોજ રેલવે જીએમ રામાશ્રય પાંડે અને ડીઆરએમ વેદ પ્રકાશશે સ્થળનું નિરીક્ષણ કરી કામગીરી અંગે સમીક્ષા કરી હતી.

સ્ટેશનમાં ફાઈવસ્ટાર સુવિધાઓ

  • 7 પ્લેટફોર્મ સાથેનું વિશાળ કોન્કોર્સ
  • વેઈટિંગ અને રિટાયરિંગ રૂમ
  • યુટીસી અને પીઆરએસની આધુનિક વ્યવસ્થા
  • ડિજિટલ ડિસ્પ્લે, આધુનિક અનાઉન્સમેન્ટ સિસ્ટમ
  • ફૂડ પ્લાઝા તથા ખાણીપીણીની સુવિધા
  • સીસીટીવી કેમેરા અને ફાયર સેફ્ટી સિસ્ટમ
  • પાર્કિંગ, પિક-અપ અને ડ્રોપ-ઓફ ઝોન
  • મલ્ટીમોડલ ટ્રાન્સપોર્ટ સાથે કનેક્ટિવિટી
  • સોલાર અને ગ્રીન બિલ્ડિંગની સુવિધાઓ