Ahmedabad

અમદાવાદ: બ્રિજની કામગીરીને પગલે RTO સર્કલનું BRTS સ્ટેન્ડ હટાવાયું, કામચલાઉ કેબિન બનાવાતા 6 મહિના મુસાફરો તડકામાં શેકાશે!

By GS Team
21 Nov 20262 mins read
TukuTouch Logo
અમદાવાદમાં સુભાષ અને ચીમનભાઈ પટેલ બ્રિજના કામને કારણે RTO સર્કલ પાસેનું BRTS બસ સ્ટેન્ડ હટાવી દેવાયું છે. હવે ચાંદખેડા-ઝુંડાલ તરફથી આવતી BRTS બસો નવી RTO બિલ્ડિંગના ગેટ નજીક ઊભી રહેશે. બ્રિજનું વિસ્તરણ અને નવી પાંખ બનાવવાના પ્રોજેક્ટને કારણે આ નિર્ણય લેવાયો છે. આગામી 6 મહિના સુધી મુસાફરોએ તડકામાં ઊભા રહીને બસની રાહ જોવી પડશે. કામચલાઉ કેબિનથી મુસાફરોને થોડી રાહત મળશે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદ: બ્રિજની કામગીરીને પગલે RTO સર્કલનું BRTS સ્ટેન્ડ હટાવાયું, કામચલાઉ કેબિન બનાવાતા 6 મહિના મુસાફરો તડકામાં શેકાશે!

Ahmedabad RTO Circle BRTS Bus Stand Removed: અમદાવાદના સુભાષ બ્રિજ અને ચીમનભાઈ પટેલ બ્રિજની કામગીરીના કારણે RTO સર્કલ પાસેનું BRTS બસ સ્ટેન્ડ હટાવી દેવામાં આવ્યું છે. બ્રિજના વિસ્તરણ અને સુભાષ બ્રિજ તરફ નવી પાંખ બનાવવાની કામગીરી શરૂ થવાની હોવાથી મુસાફરો માટેની હાલની સુવિધા દૂર કરવામાં આવી છે. તેના બદલે નવી RTO બિલ્ડિંગના ગેટ નજીક એક કામચલાઉ કેબિન ઊભી કરવામાં આવી છે. હવે ચાંદખેડા અને ઝુંડાલ તરફથી આવતી BRTS બસના મુસાફરોએ અહીંથી બસ પકડવી પડશે. બ્રિજની કામગીરી આગામી છ મહિના સુધી ચાલવાની હોવાથી આ સમયગાળા દરમિયાન મુસાફરોએ બસની રાહ જોવા માટે રસ્તા પર ઊભા રહેવું પડશે.

RTO સર્કલનું BRTS સ્ટેન્ડ બ્રિજની કામગીરીના કારણે હટાવાયું

BRTS વિભાગનો હવાલો સંભાળનાર વ્યક્તિએ જણાવ્યું હતું કે, ચીમનભાઈ પટેલ બ્રિજની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. બ્રિજ પ્રોજેક્ટ વિભાગ દ્વારા RTO સર્કલ પાસેનું BRTS બસ સ્ટેન્ડ ખસેડવા અંગે પત્ર લખીને જાણ કરવામાં આવી હતી. બ્રિજની કામગીરીમાં અડચણ ન આવે તે માટે બસ સ્ટેન્ડ દૂર કરવામાં આવ્યું છે. ચાંદખેડા અને ઝુંડાલ તરફથી આવતી BRTS બસ ચીમનભાઈ પટેલ બ્રિજ પરથી નીચે ઊતરી સુભાષ બ્રિજ સર્કલ તરફ વળશે અને નવી RTO બિલ્ડિંગના ગેટ નજીક બનાવેલી કામચલાઉ કેબિન પાસે ઊભી રહેશે. મુસાફરો ત્યાંથી બસમાં બેસી શકશે.

6 મહિના મુસાફરોએ તડકામાં ઊભા રહી બસની રાહ જોવી પડશે

બ્રિજ પ્રોજેક્ટ વિભાગના અધિકારીના જણાવ્યા મુજબ, હાલમાં યુટિલિટી લાઇનોની તપાસ સહિતની કામગીરી ચાલી રહી છે. RTO સર્કલ પાસેના બ્રિજના ભાગમાં ફેરફાર કરીને તેને નાનો કરવામાં આવશે. બ્રિજની નવી પાંખ તૈયાર થયા બાદ અખબારનગર તરફ જતાં વાહનો સીધા પસાર થઈ શકશે, જ્યારે સુભાષ બ્રિજ તરફ જવા માટે અલગ પાંખ બનાવવામાં આવશે. આ નવી વ્યવસ્થાથી RTO સર્કલ પાસે વાહનવ્યવહારની ગોઠવણમાં ફેરફાર થશે.

કાયમી બસ સ્ટેન્ડ બનાવવાની વિચારણા

બ્રિજનું કામ પૂર્ણ થયા બાદ BRTS અને AMTS બસના મુસાફરો માટે કાયમી બસ સ્ટેન્ડ બનાવવાની વિચારણા છે. હાલના આયોજન મુજબ અખબારનગર તરફ જતી બસો સીધી આગળ વધવાને બદલે સુભાષ બ્રિજ તરફ જઈ સર્કલ પરથી વળે તેવી વ્યવસ્થા વિચારાઈ રહી છે. સુભાષ બ્રિજ પાસે નવું બસ સ્ટેન્ડ બનાવવાની સાથે RTO સર્કલ પાસે બ્રિજની નીચે BRTS બસ સ્ટેન્ડ તૈયાર કરવાની પણ વિચારણા છે. આ વ્યવસ્થા અમલમાં આવે તો બંને સ્થળે મુસાફરોને ફરીથી બસ સ્ટેન્ડની સુવિધા મળી શકશે.

જો કે, ત્યાં સુધી મુસાફરો માટે નવી RTO બિલ્ડિંગના ગેટ નજીકની કામચલાઉ કેબિન જ બસ પકડવાનું સ્થળ રહેશે. આગામી છ મહિના સુધી બ્રિજની કામગીરી ચાલવાની હોવાથી મુસાફરોને તડકો અને વરસાદ વચ્ચે રસ્તા પર ઊભા રહી બસની રાહ જોવાની સ્થિતિ સર્જાઈ છે.