અમદાવાદમાં વિક્ટોરિયા ગાર્ડન પાસે ટ્રાફિક નિયમભંગ બાદ રિક્ષાચાલકનો આતંક, પોલીસકર્મીને ધક્કો મારી પાડી દીધા, આરોપી ઝડપાયો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad News: અમદાવાદના વિક્ટોરિયા ગાર્ડન વિસ્તારમાં ટ્રાફિક સિગ્નલનો ભંગ કરીને પસાર થવા માંગતા એક રિક્ષાચાલકે ફરજ પરના ટીઆરબી જવાન અને પોલીસ કર્મચારી પર હુમલો કર્યો હોવાની ઘટનાનો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. સિગ્નલ બંધ હોવા છતાં પૂરઝડપે આવી રહેલી રિક્ષાને અટકાવવા જતા ચાલકે વાહન સીધું જવાન સાથે અથડાવી દીધું હતું. આ ટક્કરને કારણે રિક્ષાનો કાચ પણ તૂટી ગયો હતો, ત્યારબાદ ઉશ્કેરાયેલા ચાલકે કાયદાનો ડર રાખ્યા વિના મારામારી કરી હતી.
જાણો શું છે મામલો
પ્રાપ્ત માહિતી અનુસાર, ઈ ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા અને હાલ વિક્ટોરિયા બીટમાં તહેનાત રાહુલ પટણી સોમવારે બપોરના સમયે સીટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટના પાછળના ગેટ પાસે ટ્રાફિક નિયમનનું કામ કરી રહ્યા હતા. આ દરમિયાન રાયખડ ચાર રસ્તા તરફથી જુમ્મા મસ્જિદ તરફ જઈ રહેલી રિક્ષાને રાહુલે રોકવાનો પ્રયત્ન કર્યો હતો. રિક્ષા ઊભી રાખવાના બદલે ચાલકે સીધી જવાનના હાથ સાથે અથડાવી દેતા કાચ તૂટ્યો હતો. આ બાબતે ચાલકે રોડ વચ્ચે જ ઊભા રહીને મને હાથ કેમ કરે છે તેમ કહી રાહુલ સાથે ઉગ્ર બોલાચાલી શરૂ કરી દીધી હતી અને તેને માર મારવા લાગ્યો હતો. આ ઘર્ષણ જોઈને તેમને બચાવવા વચ્ચે પડેલા મનોજ નામના અન્ય પોલીસકર્મીને પણ રિક્ષાચાલકે ધક્કો મારીને જમીન પર પાડી દીધા હતા.
બનાવની ગંભીરતાને જોતા ઘટનાસ્થળે હાજર અન્ય પોલીસકર્મીઓએ તાત્કાલિક દોડી આવીને મામલો થાળે પાડ્યો હતો. તેઓએ હુમલો કરનાર શખસને ઝડપી પાડીને પોલીસ સ્ટેશન ભેગો કરી દીધો હતો. પોલીસની પૂછપરછમાં આ આરોપીનું નામ જીગર સોલંકી હોવાનું અને તે બહેરામપુરા વિસ્તારમાં રહેતો હોવાનું સામે આવ્યું છે. સમગ્ર મામલે ઈ ટ્રાફિક પોલીસે જીગર સોલંકી સામે ફરજ પરના સરકારી કર્મચારી પર હુમલો કરવા અને સરકારી કામકાજમાં અડચણ ઊભી કરવાના ગુના હેઠળ વિધિવત ફરિયાદ નોંધીને તેની ધરપકડ કરી છે અને આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.









