Ahmedabad

'શારીરિક સંબંધ બાંધ્યા બાદ લગ્નનો ઈનકાર દંડનીય ગુનો...', ગુજરાત હાઈકોર્ટનો મહત્ત્વનો ચુકાદો

By GS Team
15 Nov 20263 mins read
TukuTouch Logo
ગુજરાત હાઈકોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે કે, લગ્નનું ખોટું વચન આપી શારીરિક સંબંધ બાંધી, પાછળથી લગ્નનો ઇન્કાર કરવો BNS કલમ-69 હેઠળ શિક્ષાપાત્ર ગુનો છે. જસ્ટિસ એમ. કે. ઠક્કરે આરોપી યુવકની FIR રદ કરવાની અરજી ફગાવી દીધી. કોર્ટે જણાવ્યું કે, કારણ વિના લગ્નનો ઇન્કાર દર્શાવે છે કે શરૂઆતથી જ યુવકનો ઈરાદો લગ્ન કરવાનો નહોતો. યુવકે 23 વર્ષીય યુવતી સાથે લગ્નના બહાને શારીરિક સંબંધ બાંધ્યા બાદ ઇન્કાર કર્યો હતો.

Summarized by AI; it may make mistakes. Check important info

'શારીરિક સંબંધ બાંધ્યા બાદ લગ્નનો ઈનકાર દંડનીય ગુનો...', ગુજરાત હાઈકોર્ટનો મહત્ત્વનો ચુકાદો
FILE PHOTO

False Promise of Marriage Punishable Offence : ગુજરાત હાઈકોર્ટે એક ચુકાદા મારફતે સ્પષ્ટ કર્યું છે કે, લગ્નનું વચન આપીને યુવતી સાથે શારીરિક સંબંધ બાંધવા અને ત્યારબાદ કોઈ પણ વ્યાજબી કારણ આપ્યા વિના લગ્ન કરવાનો ઈન્કાર કરવો તે ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ-69 હેઠળ શિક્ષાપાત્ર ગુનો બને છે. જસ્ટિસ એમ. કે. ઠક્કરે આરોપી યુવક દ્વારા પોતાના વિરુદ્ધ નોંધાયેલી FIR રદ કરવા દાદ માગતી હાઈકોર્ટ સમક્ષ કરેલી ક્વાશિંગ પિટિશન ફગાવી દીધી હતી.

કોઈ પણ કારણ દર્શાવ્યા વિના લગ્ન કરવાની ના પાડીવી એ દર્શાવે છે કે આરોપીનો ઈરાદો શરૂઆતથી જ લગ્ન કરવાનો ન હતો

અરજદાર યુવક તરફથી દલીલ કરવામાં આવી હતી કે ફરિયાદી 23 વર્ષની પુખ્ત વયની યુવતી છે અને સંબંધો સહમતિથી બંધાયા હતા. પરંતુ, જસ્ટિસ એમ. કે. ઠક્કરે આ દલીલ નકારતા મહત્વના અવલોકનો કરતાં જણાવ્યું કે, ફરિયાદી કે અરજદાર બંનેમાંથી કોઈના દ્વારા લગ્ન નહીં કરવા પાછળનું કોઈ ચોક્કસ કારણ જણાવવામાં આવ્યું નથી.

લગ્નના બહાને શારીરિક સંબંધ બાંધ્યા બાદ કોઈ પણ કારણ વગર લગ્નનો ઈન્કાર કરવો તે BNS કલમ 69 હેઠળ ગુનો આકર્ષે છે. કોઈ પણ કારણ દર્શાવ્યા વિના લગ્ન કરવાની ના પાડી એ દર્શાવે છે કે આરોપીનો ઈરાદો શરૂઆતથી જ લગ્ન કરવાનો ન હતો, પરંતુ લગ્નના ખોટા વચન હેઠળ તેણે શારીરિક સંબંધ બાંધ્યા હતા.

ખોટું વચન આપીને દૂષિત ઈરાદાથી છેતરપિંડી આચરી

સહમતિ અને છેતરપિંડી વચ્ચેનો તફાવત કરતાં હાઈકોર્ટે સ્પષ્ટ કર્યું કે, દુષ્કર્મ અને સહમતિથી બંધાયેલા શારીરિક સંબંધો વચ્ચે સ્પષ્ટ તફાવત છે. પરંતુ, સંજોગોની તપાસ પરથી જ નક્કી કરી શકાય કે આરોપી ખરેખર પીડિતા સાથે લગ્ન કરવા માગતો હતો કે પછી પોતાની વાસના સંતોષવા માટે ખોટું વચન આપીને દૂષિત ઈરાદાથી છેતરપિંડી આચરી હતી.

પ્રસ્તુત કેસમાં કાયદાકીય પ્રક્રિયાનો દુરુપયોગ નથી એમ કહેતાં હાઈકોર્ટે જણાવ્યું કે, આ કેસમાં પ્રાથમિક દૃષ્ટિએ દબલપાત્ર ગુનો બને છે અને તે સુપ્રીમ કોર્ટના સ્ટેટ ઓફ હરિયાણા વિ. ભજનલાલ ચુકાદાના માપદંડો હેઠળ આવતો નથી. તેથી, ફોજદારી કાર્યવાહી ચાલુ રાખી અને કાયદાકીય પ્રક્રિયાનો દુરુપયોગ ગણી શકાઈ નહીં અને તેથી આરોપીની FIR રદ કરવાની અરજી ફગાવવામાં આવે છે.

શું છે સમગ્ર મામલો ?…

અરજદાર યુવક અને ફરિયાદી યુવતી (ઉંમર આશરે 23 વર્ષ) છેલ્લા બે વર્ષથી વધુ સમયથી એકબીજાને ઓળખતા હતા અને તેમની વચ્ચે આત્મીય સંબંધો હતા. વર્ષ 2024માં અરજદાર યુવક યુવતીના ઘરે ગયો હતો અને ત્યારબાદ બંનેના માતા-પિતા આ લગ્ન માટે સંમત થયા હતા. બંનેની જે દિવસે સગાઈ થવાની હતી, તે દિવસે અરજદાર પરિવારમાં એક સભ્યનું અવસાન થવાથી સગાઈ થઈ શકી ન હતી. જોકે, યુવતીના માતા-પિતાને ખાતરી આપવામાં આવી હતી કે લગ્ન તો યુવતી સાથે જ કરવામાં આવશે. ત્યારબાદ યુવતી અરજદાર સાથે ઉદયપુર ગઈ હતી, જ્યાં લગ્નના વચન હેઠળ બંને વચ્ચે શારીરિક સંબંધો બંધાયા હતા.

આ ઘટના બાદ અરજદારના પિતાએ સગાઈ આગળ વધારવા માટે રૂ.15 લાખની માગણી કરી હતી, જેના માટે યુવતીના માતા-પિતા સંમત પણ થયા હતા. પરંતુ, આ વર્ષે મે મહિનામાં જ્યારે યુવતીના પિતાએ લગ્નની તારીખ અંગે પૂછપરછ કરી, ત્યારે અરજદારના પરિવારજનોએ લગ્ન માટે સ્પષ્ટ ના પાડી દીધી હતી. અરજદાર યુવક પણ યુવતીને જણાવી દીધું હતું કે તે તેની સાથે લગ્ન કરવા માગતો નથી. તેથી યુવતીએ BNS કલમ 69 હેઠળ અમદાવાદના મહિલા પોલીસ મથક(પૂર્વ)માં આરોપી યુવક વિરુદ્ધ પોલીસ ફરિયાદ (એફઆઈઆર) નોંધાવી હતી.

શું છે ભારતીય ન્યાય સંહિતાની કલમ-69…..??

ભારતીય ન્યાય સંહિતા (બીએનએસ) ની કલમ-69 હેઠળ છેતરપિંડીથી અથવા લગ્નનું ખોટું વચન આપીને શારીરિક સંબંધ બાંધવાને ગુનો ગણવામાં આવ્યો છે. 1 જુલાઈ, 2024 થી ભારતમાં જૂના આઈપીસીના કાયદાના સ્થાને અમલમાં આવેલા નવા કાયદામાં આ એક મહત્વપૂર્ણ અને નવી જોગવાઈ ઉમેરવામાં આવી છે. આ કલમનો સરળ ભાષામાં અર્થ સમજીએ તો, જો કોઈ પુરુષ કોઈ સ્ત્રી સાથે લગ્ન કરવાનો ઈરાદો ન હોવા છતાં લગ્નનું ખોટું વચન આપીને અથવા અન્ય કોઈ છેતરપિંડીથી શારીરિક સંબંધ બાંધે, તો આ કલમ હેઠળ દંડનીય ગુનો બને છે.