Ahmedabad

IRCTC પર એક જ દિવસમાં 20.06 લાખ ટિકિટ બુકિંગનો રેકોર્ડ

By GS Team
13 Sep 20262 mins read
TukuTouch Logo
અમદાવાદ સહિત દેશભરમાં IRCTCએ 7 સપ્ટેમ્બર 2026ના રોજ એક જ દિવસમાં 20,06,353 ટિકિટ બુક કરીને નવો રેકોર્ડ બનાવ્યો છે. તહેવારોની સિઝનના એડવાન્સ રિઝર્વેશનને કારણે આ સિદ્ધિ નોંધાઈ છે. 89% ટિકિટ ઓનલાઈન બુક થાય છે. IRCTCએ સિસ્ટમ ક્ષમતા વધારી છે અને બોટ ટ્રાફિક ઘટાડવા પગલાં લીધા છે. એજન્ટોને પ્રથમ 10 મિનિટ બુકિંગ પ્રતિબંધિત છે.

Summarized by AI; it may make mistakes. Check important info

IRCTC પર એક જ દિવસમાં 20.06 લાખ ટિકિટ બુકિંગનો રેકોર્ડ

Ahmedabad News : ભારતીય રેલવેની ઓનલાઈન ટિકિટ બુકિંગ સેવા IRCTCએ એક જ દિવસમાં સૌથી વધુ ટિકિટ બુકિંગનો નવો રેકોર્ડ બનાવ્યો છે.અમદાવાદ સહિત દેશભરમાં 7 સપ્ટેમ્બર 2026ના રોજ IRCTC પર કુલ 20,06,353 ટિકિટ બુક થઈ હતી. તહેવારોની સિઝન માટે શરૂ થયેલા એડવાન્સ રિઝર્વેશન પિરિયડ (ARP) બુકિંગને કારણે આ રેકોર્ડ નોંધાયો છે. આ પહેલાં 19 ઓગસ્ટ 2026ના રોજ એક દિવસમાં 18,40,203 ટિકિટ બુક થઈ હતી. નવા રેકોર્ડ બાદ 8 સપ્ટેમ્બરે પણ 19,50,699 ટિકિટનું બુકિંગ થયું હતું.

89 ટકા રિઝર્વ ટિકિટ ઓનલાઈન બુકિંગ

IRCTCના જણાવ્યા મુજબ, હાલ કુલ રિઝર્વ ટિકિટમાંથી આશરે 89 ટકા ટિકિટ ઓનલાઈન માધ્યમથી બુક થઈ રહી છે. તહેવારો દરમિયાન બુકિંગનો વધેલો ટ્રાફિક સંભાળવા માટે NGeT (નેક્સ્ટ જનરેશન ઈ-ટિકિટિંગ) સિસ્ટમની ક્ષમતામાં વધારો કરવામાં આવ્યો છે. રેલવેના જણાવ્યા મુજબ, 7 સપ્ટેમ્બરના રેકોર્ડ બુકિંગ દરમિયાન સિસ્ટમમાં કોઈ નિષ્ફળતા કે આઉટેજ નોંધાયો નહોતો.

પ્રથમ 15 મિનિટમાં સૌથી વધુ બુકિંગ

હાલના બુકિંગ ટ્રેન્ડ મુજબ સવારે 8થી 9 વાગ્યા વચ્ચે દિવસના કુલ બુકિંગમાંથી આશરે 8.43થી 14.14 ટકા ટિકિટ બુક થાય છે. જોકે, આ એક કલાકની શરૂઆતના 15 મિનિટ એટલે કે સવારે 8થી 8.15 વાગ્યા દરમિયાન સૌથી વધુ બુકિંગ ટ્રાફિક નોંધાય છે. રેલવેના જણાવ્યા મુજબ, બાકીના 85 ટકાથી વધુ બુકિંગ દિવસ દરમિયાન અન્ય સમયે સફળતાપૂર્વક પૂર્ણ થાય છે.

સર્વર ક્ષમતા બમણી કરવામાં આવી

IRCTC દ્વારા NGeT સિસ્ટમના રિફ્રેશ હેઠળ જૂના સર્વરની જગ્યાએ નવા સર્વર લગાવવામાં આવ્યા છે. હાર્ડવેર અપગ્રેડ ઉપરાંત સોફ્ટવેર ઓપ્ટિમાઇઝેશન અને આર્કિટેક્ચરલ સુધારાઓ દ્વારા સમગ્ર સિસ્ટમની ક્ષમતામાં નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો છે.

નવા યુઝર ઇન્ટરફેસથી એક જ સ્ક્રીન પર ટ્રેનની ઉપલબ્ધતા

15 જુલાઈ 2026થી IRCTCના નવા યુઝર ઇન્ટરફેસનું બીટા વર્ઝન શરૂ કરવામાં આવ્યું છે. નવા ઇન્ટરફેસમાં સ્લીપર, થર્ડ એસી, અને સેકન્ડ એસી સહિત વિવિધ ક્લાસની સીટ ઉપલબ્ધતાની માહિતી એક જ સ્ક્રીન પર જોવા મળે છે. જેના કારણે પેસેન્જરો માટે વિકલ્પોની સરખામણી કરીને ટિકિટ બુક કરવાનું સરળ બન્યું છે.

બોટ ટ્રાફિક અને ફેક આઈડી સામે કાર્યવાહી

IRCTCએ એન્ટી-બોટ ટેકનોલોજી અને CDN (કન્ટેન્ટ ડિલિવરી નેટવર્ક) સિસ્ટમ પણ અમલમાં મૂકી છે. એન્ટી-બોટ સિસ્ટમ દ્વારા તાજેતરના મહિનાઓમાં શંકાસ્પદ બોટ ટ્રાફિકમાં 55થી 65 ટકા સુધી ઘટાડો કરવામાં આવ્યો હોવાનું જણાવાયું છે. ટિકિટ બુકિંગમાં ગેરરીતિ રોકવા માટે 3.04 કરોડ યુઝર આઈડી ડિએક્ટિવેટ કરવામાં આવી છે, જ્યારે 6.33 કરોડ આઈડીને રિ-વેલિડેશન માટે મૂકવામાં આવી છે. 16,041 શંકાસ્પદ ઈ-મેલ ડોમેન બ્લોક કરવામાં આવ્યા છે અને 4.21 લાખ શંકાસ્પદ PNR સાથે સંબંધિત 592 ફરિયાદો સાયબર ક્રાઈમ પોર્ટલ પર નોંધાવવામાં આવી છે.

એજન્ટો માટે પ્રથમ 10 મિનિટ બુકિંગ પર પ્રતિબંધ

રેલવેના અધિકૃત ટિકિટિંગ એજન્ટો, જેમાં YTSK, RTSA અને IRCTC એજન્ટોનો સમાવેશ થાય છે, તેમને એડવાન્સ રિઝર્વેશન વિન્ડો શરૂ થયા બાદ પ્રથમ 10 મિનિટ સુધી ટિકિટ બુક કરવાની મંજૂરી નથી. આ સમયગાળો સવારે 8થી 8.10 વાગ્યા સુધીનો છે.