સોહરાબુદ્દીન કેસમાં 92 સાક્ષીઓનું ફરી જવું એ ચિંતાજનક, સુનાવણી કરીશું: સુપ્રીમ કોર્ટ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Sohrabuddin Sheikh Case: સોહરાબુદ્દીન શેખ, કૌસર બી, તુલસીરામ પ્રજાપતિના કથિત ફેક એન્કાઉન્ટર મામલે 21 પોલીસકર્મીઓ સહિત તમામ આરોપીઓને છોડી મુકવાના ચુકાદા સામે સુપ્રીમ કોર્ટમાં અરજી થઈ છે. જેની સુપ્રીમ કોર્ટ દ્વારા સુનાવણી કરવામાં આવશે. આ કેસમાં ટ્રાયલ દરમિયાન 92 જેટલા સાક્ષીઓ ફરી ગયા તે મુદ્દે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ જોયમાલ્યા બાગચીએ મૌખિક રીતે આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું અને કહ્યું હતું કે 'આ ખરેખર ચિંતાજનક બાબત છે.'
ટ્રાયલમાં પારદર્શિતા હતી કે કેમ તેની સુપ્રીમ ચકાસણી કરશે
સીબીઆઈના કેસ મુજબ, સોહરાબુદ્દીન, તેની પત્ની કૌસર બી અને તુલસી પ્રજાપતિ હૈદરાબાદથી મહારાષ્ટ્રના સાંગલી તરફ બસમાં આવી રહ્યા હતા. 22-23મી નવેમ્બર 2005ના રોજ પોલીસ ટીમે તેને કસ્ટડીમાં લઈ લીધા હતા. સોહરાબુદ્દીન 26મી નવેમ્બર 2005ના રોજ અમદાવાદ નજીક માર્યો ગયો હતો, તેનું એન્કાઉન્ટર કરાયું હોવાનો પોલીસે દાવો કર્યો હતો. આ એન્કાઉન્ટરમાં રાજસ્થાન અને ગુજરાતના પોલીસના તત્કાલીન કર્મચારીઓ સામેલ હતા. 3 દિવસ બાદ કૌસર બીનું પણ મોત થયું હતું, ઉદયપુર સેન્ટ્રલ જેલમાં કેદ તુલસી પ્રજાપતિ કે જે મુખ્ય સાક્ષી હતો તે પણ 27મી ડિસેમ્બર 2006ના રોજ માર્યો ગયો હતો.
આ હાઈપ્રોફાઈલ કેસમાં વર્તમાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, રાજસ્થાનના તત્કાલીન પૂર્વ ગૃહ મંત્રી ગુલાબચંદ કટારિયા, ગુજરાત એટીએસના પૂર્વ ડીઆઈજી ડી. જી. વણઝારા, ગુજરાત પોલીસના અન્ય તત્કાલીક અધિકારીઓ પી. સી. પાંડે, ગીતા જોહરી, અભય ચુડાસમા, એન. કે. અમીન, રાજકુમાર પાંડિયન વગેરે આરોપી હતા. જોકે, તમામને સીબીઆઈ કોર્ટ દ્વારા નિર્દોષ જાહેર કરવામાં આવી ચૂક્યા છે. હવે આ મામલો બોમ્બે હાઈકોર્ટ બાદ સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. સુપ્રીમ કોર્ટ અમિત શાહને છોડી મુકવાના મામલાને ફરી નહીં ખોલે તેવી સ્પષ્ટતા કરી છે. સોહરાબુદ્દીન શેખના ભાઈ નયાબુદ્દીન શેખ દ્વારા સુપ્રીમ કોર્ટમાં અપીલ કરાઈ છે. 2018માં સીબીઆઈ કોર્ટે તમામને છોડી મુકેલા, જે ચુકાદાને બોમ્બે હાઈકોર્ટ દ્વારા યોગ્ય ઠેરવાયો હતો.
સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત, ન્યાયાધીશ જોયમાલ્યા બાગચી ન્યાયાધીશ વી. મોહનાની બેંચે આ અપીલ પર સીબીઆઈ, તમામ છોડી મુકાયેલા 22 લોકોને નોટિસ પાઠવીને જવાબ માગ્યો છે. આ કેસની ટ્રાયલ સમયે 92 સાક્ષીઓ હતા, જે તમામ બાદમાં ફરી ગયા હતા, જે અંગે ટિપ્પણી કરતા બેંચમાં સામેલ ન્યાયાધીશ જોયમાલ્યા બાગચીએ કહ્યું હતું કે 'આ તો હોલસેલ વિટનેસ હોસ્ટાઈલ કહેવાય, અમે સાક્ષીઓના નિવેદનોની પણ ચકાસણી કરીશું. ખરેખર ટ્રાયલમાં પારદર્શિતા હતી કે કેમ તેની ચકાસણી કરવામાં આવશે. જો કોઈ ટ્રાયલમાં 92 સાક્ષીઓ ફરી જાય તો તે ખરેખર ગંભીર અને ચિંતાજનક છે.'
એક વર્ષ પછી તુલસી પ્રજાપતિનું એન્કાઉન્ટર
સોહરાબ અને કૌસરબીના પોલીસ કસ્ટડીમાં મૃત્યુના લગભગ એક વર્ષ પછી આ સમગ્ર ઘટનાના મહત્ત્વના સાક્ષી એવા તુલસીરામ પ્રજાપતિને પણ ડિસેમ્બર 2006માં બનાસકાંઠા નજીક છાપરી ખાતે અન્ય એક પોલીસ એન્કાઉન્ટરમાં મારી નાખવામાં આવ્યો હતો.
ચકચારભર્યા કેસમાં કોણ કોણ આરોપીઓ હતા?
ચકચારભર્યા એવા આ કેસમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, રાજસ્થાનના તત્કાલીન ગૃહમંત્રી ગુલાબચંદ કટારિયા, અને ટોચના પોલીસ અધિકારીઓ ડી.જી. વણઝારા, રાજકુમાર પાંડિયન, અભય ચુડાસમા, એન.કે. અમીન અને રાજસ્થાન પોલીસના દિનેશ એમ.એન. સહિત કુલ 38 લોકોને આરોપી બનાવવામાં આવ્યા હતા.
સોહરાબુદ્દીન અને કૌસરબીની હત્યાનો ઘટનાક્રમ
23મી નવેમ્બર, 2005ના રોજ સોહરાબુદ્દીન શેખ, તેની પત્ની કૌસર બી અને તેનો સાથી તુલસીરામ પ્રજાપતિ હૈદરાબાદથી મહારાષ્ટ્રના સાંગલી જઈ રહ્યા હતા ત્યારે ગુજરાત પોલીસની ટીમ દ્વારા બસ રોકીને ત્રણેયનું અપહરણ કરવામાં આવ્યું હતું. એ પછી તા.૨૬ નવેમ્બર ૨૦૦૫ના રોજ અમદાવાદ નજીક વિશાલા સર્કલ પાસે હાઈવે પર સોહરાબુદ્દીનનું એક કથિત એન્કાઉન્ટરમાં મારી નાખવામાં આવ્યો હતો. પોલીસે તે સમયે દાવો કર્યો હતો કે તે લશ્કર-એ-તોયબાનો આંતંકવાદી હતો અને તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની હત્યાના કાવતરા માટે આવ્યો હતો. સોહરાબુદ્દીનની પત્ની કૌસર બીને અમદાવાદની બહાર એક ફાર્મહાઉસમાં રાખવામાં આવી હતી અને 28-29મી નવેમ્બર દરમિયાન તેની પણ હત્યા કરી તેના મૃતદેહનો સળગાવી દઈને નિકાલ કરવામાં આવ્યો હતો.
મુંબઈ સીબીઆઈ કોર્ટે 2014માં અમિત શાહ સહિત તમામને નિર્દોષ છોડ્યા
વર્ષ 2014માં મુંબઈની સીબીઆઈની વિશેષ અદાલતે પુરાવાના અભાવે અમિત શાહને તમામ આરોપોમાંથી મુક્ત કર્યા હતા. કોર્ટે નોંધ્યું હતું કે તેની સામે રાજકીય હેતુથી પ્રેરાઈ થઈને કેસ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ડી.જી. વણઝારા સહિત અન્ય 15 વરિષ્ઠ અધિકારીઓને પણ કેસ શરૂ થાય તે પહેલાં જ કોર્ટે ડિસ્ચાર્જ કરી દીધા હતા. એ પછી ડિસેમ્બર- 2018માં કોર્ટે બાકીના તમામ 22 આરોપીઓને પુરાવાના અભાવે નિર્દોષ જાહેર કર્યા હતા.
સોહરાબુદ્દીન વિરુદ્ધ 60 વધુ ગુનાઈત કેસ નોંધાયેલા હતા
સોહરાબુદ્દીન શેખ મધ્ય પ્રદેશના ઉજ્જૈન જિલ્લાનો વતની હતો. પોલીસ રેકોર્ડ અનુસાર તે અંડરવર્લ્ડ અને ગુનાઈત પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલો ગેંગસ્ટર હતો. તેના પર 1995માં તેના ઘરેથી 40 એકે-47 રાઈફલ્સ મળી આવવાનો આરોપ હતો અને તેની સામે હત્યા તેમજ માર્બલના વેપારીઓ પાસેથી બંડગૌ (પ્રોટેક્શન મની) વસૂલવા સહિતના 60થી વધુ ગુનાઈત કેસ નોંધાયેલા હતા.




