અમદાવાદ-મુંબઈ વચ્ચે દોડતી પ્રીમિયમ ટ્રેનમાં વરસાદી પાણી ઘૂસ્યું, પેસેન્જરોની હાલત કફોડી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad Train news : અમદાવાદથી (દાદર) મુંબઈ જતી પ્રીમિયમ ટ્રેન નંબર 12902 ગુજરાત મેલમાં વરસાદ દરમિયાન પેસેન્જરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. 12 સપ્ટેમ્બરની રાત્રે ટ્રેનના B1 કોચમાં છતમાંથી પાણી ટપકતું હોવાનો વીડિયો સામે આવ્યો છે. કોચમાં પાણીનો ધોધ વહેતો હોય તેવી સ્થિતિ સર્જાતાં પેસેન્જરોને અસુવિધાનો સામનો કરવો પડ્યો હતો.
મળતી માહિતી મુજબ, ટ્રેન અમદાવાદથી મુંબઈ તરફ જઈ રહી હતી ત્યારે વરસાદ શરૂ થતાં B1 કોચમાં પાણી લીકેજ થયું હતું. કોચની છતમાંથી પાણી ટપકતું હોવાથી સીટ અને પેસેજ વિસ્તારમાં ભેજ તથા પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ હતી. પ્રીમિયમ કેટેગરીની ટ્રેનમાં આવી સ્થિતિ સામે આવતા રેલવેના મેન્ટેનન્સ વિભાગની કામગીરી અંગે ગંભીર સવાલો ઉઠ્યા છે.
મેન્ટેનન્સની બેદરકારી સામે સવાલ
પેસેન્જરો માટે ઉચ્ચ સુવિધાઓ અને આરામદાયક મુસાફરીના દાવા કરતી ટ્રેનમાં વરસાદી પાણી ઘૂસવાની ઘટના રેલવેની કોચ જાળવણી વ્યવસ્થાની ખામીઓને ઉજાગર કરે છે. ખાસ કરીને ચોમાસા દરમિયાન કોચની છત, સીલિંગ અને વોટરપ્રૂફિંગની યોગ્ય ચકાસણી થવી જરૂરી છે. તેમ છતાં, આવી સ્થિતિ સર્જાતા મુસાફરોમાં રોષ જોવા મળ્યો હતો.
પેસેન્જરોની સુરક્ષા અને સુવિધા પ્રાથમિકતા ક્યારે?
ટ્રેનમાં મુસાફરી કરતા પેસેન્જરો પાસેથી પ્રીમિયમ ભાડું વસૂલવામાં આવે છે. તેના બદલામાં સ્વચ્છતા, સુરક્ષા અને આરામદાયક મુસાફરીની અપેક્ષા રાખવામાં આવે છે. પરંતુ કોચની અંદર પાણીનો ધોધ વહેતો હોય તેવી સ્થિતિ રેલવેના જાળવણી વિભાગની ગંભીર બેદરકારી તરફ ઈશારો કરે છે.
ઘટના અંગે પશ્ચિમ રેલવે અથવા સંબંધિત મેન્ટેનન્સ વિભાગ તરફથી સત્તાવાર સ્પષ્ટતા સામે આવી નથી. વીડિયો વાયરલ થયા બાદ હવે જવાબદાર વિભાગ સામે કાર્યવાહી અને કોચની જાળવણી વ્યવસ્થાની તપાસની માંગ ઉઠી રહી છે.




