Ahmedabad

રેલવે ટ્રેક ઓળંગતી વખતે અકસ્માતે મોત થાય તો રેલવેએ વળતર ચૂકવવું પડે : ગુજરાત હાઈકોર્ટનો ચુકાદો

By GS Team
26 Nov 20262 mins read
TukuTouch Logo
ગુજરાત હાઈકોર્ટે રેલવે ટ્રેક પર અકસ્માતમાં મૃત્યુના કેસમાં મહત્વનો ચુકાદો આપ્યો છે. કોર્ટે જણાવ્યું કે, ટ્રેક ક્રોસ કરવાની બેદરકારીને કારણે મૃત્યુ થયું હોવાનું કહી વળતર નકારી શકાય નહીં. રેલવે પોતાની જવાબદારીમાંથી છટકી શકે નહીં. હાઈકોર્ટે મૃતક યુવકના પરિવારજનોને 9 ટકા વ્યાજ સાથે રૂ. 8 લાખનું વળતર ચૂકવવાનો આદેશ કર્યો છે. રેલવે ટ્રિબ્યુનલનો વળતર નકારવાનો નિર્ણય હાઈકોર્ટે રદ કર્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

રેલવે ટ્રેક ઓળંગતી વખતે અકસ્માતે મોત થાય તો રેલવેએ વળતર ચૂકવવું પડે : ગુજરાત હાઈકોર્ટનો ચુકાદો
FILE PHOTO

Gujarat High Court railway compensation : ગુજરાત હાઈકોર્ટે એક મહત્ત્વપૂર્ણ ચુકાદા મારફતે ઠરાવ્યું છે કે, રેલવે ટ્રેક પર અકસ્માતમાં મૃત્યુ થાય તો ટ્રેક ક્રોસ કરવાની બેદરકારીના આધારે મૃત્યુ થયું હોવાનું કહી ભોગ બનનારના કિસ્સામાં વળતર નકારી શકાય નહીં. રેલવે ટ્રેક પર અકસ્માતમાં મૃત્યુના કિસ્સામાં વળતર નકારવાનો રેલવે ટ્રિબ્યુનલનો અભિગમ ખામીયુક્ત અને રેલવે અકસ્માત વળતર કાયદાની જોગવાઈ વિરુદ્ધનો છે.

મુસાફરોની બેદરકારી ગણાવીને રેલવે જવાબદારીમાંથી છટકી ન શકેઃ હાઈકોર્ટ

વ્યસ્ત રેલવે સ્ટેશનો અને યાર્ડ્સ, ખાસ કરીને જ્યાં ફુટ ઓવરબ્રિજ અથવા તો દુર્ગમ, દૂર કે ભીડભાડવાળા હોય છે, ત્યાં મુસાફરો વારંવાર પ્લેટફોર્મ પર પહોંચવા અથવા પરિસરમાંથી બહાર નીકળવા માટે પાટા ઓળંગતા હોય છે. ત્યારે રેલવે તંત્ર પોતાની જવાબદારીમાંથી છટકવા માટે આવા કૃત્યોને મુસાફરીની બેદરકારી ગણાવી તેને ગુનાહિત કૃત્ય અથવા જાતે પહોંચાડેલી ઈજા તરીકે સરખાવી શકે નહીં.

પરિવારજનોને 9 ટકા વ્યાજ સાથે રૂ. 8 લાખનું વળતર ચૂકવવા હાઈકોર્ટનો હુકમ

રેલવે ટ્રેક ક્રોસ કરતી વખતે કપાઈને મૃત્યુ પામનાર એક યુવકના કિસ્સામાં તેના આશ્રિતોને વળતર નકારવાના રેલવે ટ્રિબ્યુનલના હુકમને હાઈકોર્ટના જસ્ટિસ દિવ્યેશ એ. જોશીએ ગેરકાયદે અને રદબાતલ ઠરાવ્યો હતો અને મૃતક યુવકના પરિવારજનોને 9 ટકા વ્યાજ સાથે રૂ. 8 લાખનું વળતર ચૂકવવાનો હુકમ કર્યો હતો. રાજબહાદુર અને અન્યની યુનિયન ઓફ ઈન્ડિયા સામેની ફર્સ્ટ અપીલમાં હાઈકોર્ટે આ ચુકાદો આપ્યો હતો.

શું હતી સમગ્ર ઘટના?

કેસની હકીકત મુજબ, ગત તા. 18 જુલાઈ, 2023ના રોજ યુવક કાનપુર સેન્ટ્રલથી અમદાવાદ આવતી હાવડા-ગાંધીધામ ગરબા સુપરફાસ્ટ એક્સપ્રેસમાં માન્ય ટિકિટ સાથે મુસાફરી કરી રહ્યો હતો. ટ્રેનના જનરલ કોચમાં ભારે ભીડ અને ટ્રેનના અચાનક ઝટકાને કારણે તે ટ્રેનમાંથી પડી ગયો હતો અને ટ્રેન સાથે ઘસડાતાં ગંભીર ઈજાઓ થઈ હતી. ત્યારબાદ તે ટ્રેકની બીજી તરફ જવાનો પ્રયાસ કરતી વખતે અમદાવાદ-વડોદરા મેમુ સ્પેશિયલ ટ્રેનની અડફેટે આવી જતાં તેનું સ્થળ પર જ મૃત્યુ થયું હતું. પરિવારજનોએ રૂ. 8 લાખના વળતર માટે રેલવે ક્લેમ્સ ટ્રિબ્યુનલમાં અરજી કરી હતી, પરંતુ ટ્રિબ્યુનલ દ્વારા તા. 7 નવેમ્બર, 2024ના રોજ અરજી ફગાવી દેવાઈ હતી. જેને પગલે પરિવારજનોએ હાઈકોર્ટમાં વળતર મેળવવા અપીલ કરી હતી.