VIDEO: ઈન્સ્ટાગ્રામ પર રીલ બનાવવાની ઘેલછામાં સ્ટંટબાજી! અમદાવાદમાં બેફામ સ્પીડે કાર દોડાવનાર યુવક ઝડપાયો, કાર જપ્ત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad Porsche Rash Driving Stunt Viral Video: સોશિયલ મીડિયામાં લાઈક્સ અને ફોલોઅર્સ મેળવવાની ઘેલછામાં જાહેર રોડ પર લોકોના જીવ જોખમમાં મૂકી સ્ટંટબાજી કરતા અસામાજિકતત્ત્વો સામે અમદાવાદ પોલીસે લાલ આંખ કરી છે. શહેરના નવરંગપુરા વિસ્તારમાં પોર્શ કાર પુરપાટ ઝડપે અને જોખમી રીતે દોડાવી હોવાનો વીડિયો ઈન્સ્ટાગ્રામ પર વાઈરલ કરનાર 24 વર્ષીય ચાલકને નવરંગપુરા પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડી કાર જપ્ત કરી હતી. 100થી વધુની સ્પીડે કાર ચલાવવા મામલે એક યુવકની અરજીના આધારે નવરંગપુરા પોલીસે કાર્યવાહી કરી. નોંધનીય છે કે, આ જ કાર 300ની સ્પીડમાં દોડતી હોવાનો અન્ય એક વીડિયો પણ સામે આવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
અમદાવાદમાં બેફામ સ્પીડે કાર દોડાવનાર યુવક ઝડપાયો
આ ઘટના ત્યારે બની જ્યારે શ્રેયાંશ નામનો એક યુવક HCG હોસ્પિટલથી લો ગાર્ડન તરફ જઈ રહ્યો હતો. તેવામાં અચાનક પાછળથી પૂરઝડપે આવેલી પોર્શ કારે ઓવરટેક કરતા શ્રેયાંશને અકસ્માતનો ડર લાગ્યો હતો. સદનસીબે આ સ્પીડમાં જતી કારનો સમગ્ર વીડિયો શ્રેયાંશની ગાડીના ડેસકેમમાં કેદ થઈ ગયો હતો. આ વીડિયો પુરાવા તરીકે રજૂ કરી તેણે પોલીસમાં અરજી આપી હતી. બે દિવસ બાદ આ વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થતાં નવરંગપુરા પોલીસ એક્શનમાં આવી હતી અને કારના નંબરના આધારે માલિકની પૂછપરછ કરી બેદરકારીભર્યા ડ્રાઇવિંગ બદલ ગુનો દાખલ કર્યો હતો.
ઈન્સ્ટા પર વીડિયો વાઈરલ
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ઈન્સ્ટાગ્રામ પર એક આઈડી પરથી પોર્શ કાર બેફામ ઝડપે દોડાવવાનો વીડિયો અપલોડ કરવામાં આવ્યો હતો. આ વીડિયોમાં પોર્શ કારચાલકે વાહનચાલકો અને રાહદારીઓના જીવ જોખમમાં મૂકાયા તે રીતે HCG હોસ્પિટલ તરફથી નવરંગપુરા તરફ અત્યંત બેદરકારી અને જોખમી રીતે દોડાવી હતી.
કારચાલકના અન્ય 300ની સ્પીડ વાળા વીડિયો અંગે પોલીસે તપાસ આદરી
અરજી દાખલ થયા બાદ કાર ચલાવનાર યુવકે અરજદાર શ્રેયાંશનો સંપર્ક સાધ્યો હતો. ફોન પર તેણે પોતે પાયલોટ હોવાની ઓળખ આપી હતી અને તે સમયે કાર 110ની સ્પીડે ચલાવી હોવાની કબૂલાત પણ કરી હતી. એટલું જ નહીં, તેણે શ્રેયાંશ પર પોલીસ ફરિયાદ પાછી ખેંચી લેવા માટે ભારે દબાણ પણ કર્યું હતું. પરંતુ ગંભીર અકસ્માત સર્જાતા પહેલા જ પોલીસે સતર્કતા દાખવી કાર્યવાહી કરી છે. હવામાં પ્લેન ઉડાવનાર આ પાયલોટ રોડ પર પણ પ્લેનની ઝડપે કાર ચલાવતો હોય તેવા વાઈરલ થયેલા અન્ય 300ની સ્પીડ વાળા વીડિયો અંગે પણ પોલીસ તપાસ શરૂ કરી છે.
CCTVના આધારે ગણતરીના કલાકોમાં કારચાલક ટ્રેસ
આ વાઈરલ વીડિયો પોલીસના ધ્યાને આવતા નવરંગપુરા પોલીસ સ્ટેશનની સર્વેલન્સ સ્ક્વોડ અને લો ગાર્ડન પોલીસ ચોકીની ટીમે તપાસ હાથ ધરી હતી. જેમાં ઘટનાસ્થળ અને આસપાસના વિસ્તારના CCTV ફૂટેજ ચકાસતાં ઘટના 22 ઓગસ્ટની હોવાનું જણાયું હતું.
તપાસ દરમિયાન કારચાલક ગાંધીનગર જિલ્લાના લિંબડીયા વિસ્તારમાં રહેતો મોહમ્મદ અકરન હોવાનું ખુલ્યું હતું. નવરંગપુરા પોલીસે ગણતરીના કલાકોમાં જ મોહમ્મદ અકરનની અટકાયત કરી તેને પોર્શ કાર સાથે પોલીસ મથકે બોલાવાયો હતો.
પોલીસે કાયદેસરનો ગુનો નોંધી કાર જપ્ત કરી
આ અંગે નવરંગપુરા પોલીસે જાહેર રોડ પર બેદરકારી અને જોખમી રીતે વાહન ચલાવવા મામલે ભારતીય ન્યાય સંહિતા(BNS)ની સંબંધિત કલમો તેમજ મોટર વાહન કાયદાની કલમો હેઠળ ગુનો નોંધી આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ સાથે પોલીસે સ્ટંટબાજીમાં વપરાયેલી કિંમતી પોર્શ કારને પણ જપ્ત કરી લીધી છે.




