સાણંદમાં છેડતીના આરોપમાં બે શખ્સોને પોલીસે ઝાડ સાથે બાંધી ઢોર માર માર્યો!, ફોટો વાઈરલ થતાં વિવાદ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Sanand News: સાણંદમાં ખાખી વર્દીનો રોફ અને કાયદો હાથમાં લેવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. સાણંદ પોલીસ મથકમાં છેડતીના બે શખ્સોની અટકાયત કર્યા બાદ, પોલીસે કાયદાકીય જોગવાઈઓ મુજબ કાર્યવાહી કરવાને બદલે તેને પોલીસ સ્ટેશનના કમ્પાઉન્ડમાં જ એક ઝાડ સાથે બાંધીને ઢોર માર માર્યો હતો. પોલીસની આ કથિત 'તાલિબાની સજા'નો ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ચકચાર મચી ગઈ છે.
યુવતીની છેડતી અને પીછો કરવા મામલે થઈ હતી અટકાયત
મળતી માહિતી મુજબ, આ સમગ્ર વિવાદના મૂળમાં એક યુવતીની છેડતીનો કિસ્સો છે. થોડા દિવસો અગાઉ સાણંદની એક યુવતી તેના મંગેતર સાથે પાણીપુરી ખાવા ગઈ હતી, ત્યારે આ બંને શખ્સોએ તેનો હાથ પકડીને જાહેરમાં ગેરવર્તન કર્યું હતું. આ અસામાજિક તત્ત્વો અગાઉ પણ પીડિતાનો પીછો કરીને તેને સતત દબાણ કરી હેરાન કરતા હતા. આખરે કંટાળીને યુવતીએ હિંમત દાખવી સાણંદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે બંને આરોપીઓને ઝડપી લીધા હતા.
પીઆઇની હાજરીમાં માર મરાયો, ફોટો પાડનારનો મોબાઇલ છીનવ્યો!
જ્યારે પોલીસ સ્ટેશનના પ્રીમાઇસીસમાં આરોપીઓને ઝાડ સાથે બાંધીને ફટકારવામાં આવી રહ્યા હતા, ત્યારે સાણંદ પોલીસ મથકના પીઆઇ(પોલીસ ઇન્સ્પેક્ટર) જાતે જ સાદા કપડામાં ત્યાં હાજર હતા. પોલીસની આ બર્બરતા જોઈને ત્યાં હાજર લોકોએ આ દૃશ્યો મોબાઇલમાં કેદ કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પોલીસે તેનો મોબાઇલ પણ બળજબરીપૂર્વક છીનવી લીધો હોવાની માહિતી મળી છે. જો કે, તેમ છતાં આ ઘટનાનો ફોટો સોશિયલ મીડિયા પર લીક થઈ ગયો હતો.
સવાલો ઉઠતાં જ PI અને DySP એ જવાબ આપવાનું ટાળ્યું
પોલીસ સ્ટેશનની અંદર જ માનવાધિકારના ધજાગરા ઉડાવતી આ ઘટના અંગે જ્યારે મીડિયા અને જાગૃત નાગરિકો દ્વારા સવાલો ઉઠાવવામાં આવ્યા, ત્યારે જવાબદાર અધિકારીઓએ મૌન ધારણ કરી લીધું છે. આ બાબતે સત્તાવાર સ્પષ્ટતા મેળવવા માટે સાણંદના પીઆઇ બી.ટી. ગોહિલ અને અન્ય ઉચ્ચ અધિકારીનો ટેલિફોનિક સંપર્ક સાધવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ આ જવાબદાર અધિકારીઓએ કોઈ પણ પ્રકારની પ્રતિક્રિયા આપવાનું કે ફોન પર વાત કરવાનું ટાળ્યું હતું.
યુવક દ્વારા યુવતીની વારંવાર છેડતી કરવામાં આવતી હતી
આ અંગે ડીવાયએસપીએ જણાવ્યું હતું કે, યુવક દ્વારા યુવતીની વારંવાર છેડતી કરવામાં આવતી હતી. જેનાથી કંટાળીને યુવતીએ આપઘાતનું અંતિમ પગલું ભરવાનું વિચાર્યું હતું. આ ઘટનાને પગલે સાણંદ પોલીસ દ્વારા કાયદેસરની શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવી છે.









