Ahmedabad

અમદાવાદમાં પોલીસનું નાઈટ ચેકીંગ, સિંધુ ભવન રોડ પરથી બિયરના ટીન સાથે ત્રણની ધરપકડ, જમાલપુરમાં કારમાંથી કફ સિરપની બોટલો જપ્ત

By GS Team
7 Aug 20263 mins read
TukuTouch Logo
અમદાવાદમાં 6 ઓગસ્ટે રાત્રે પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોતે અસામાજિક તત્વો પર લગામ કસવા સઘન નાઈટ રાઉન્ડનું નિરીક્ષણ કર્યું. મીડિયાની હાજરીમાં સિંધુ ભવન રોડ પરથી 4 બિયર ટીન સાથે 3 શખસો પકડાયા. જમાલપુર ચાટ રસ્તા પાસેથી 350 નશાકારક સિરપ મળી. પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદમાં પોલીસનું નાઈટ ચેકીંગ, સિંધુ ભવન રોડ પરથી બિયરના ટીન સાથે ત્રણની ધરપકડ, જમાલપુરમાં કારમાંથી કફ સિરપની બોટલો જપ્ત

Ahmedabad Police Night Checking Drive: અમદાવાદ શહેરમાં ગઈકાલે રાત્રે (છઠ્ઠી ઓગસ્ટ) અસામાજિક તત્વો પર લગામ કસવાના હેતુથી શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોત દ્વારા સઘન નાઈટ રાઉન્ડ અને વાહન ચેકિંગનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. મીડિયા કર્મચારીઓની ઉપસ્થિતિમાં મધરાતે હાથ ધરવામાં આવેલા આ મેગા ડ્રાઈવ દરમિયાન શહેરના અલગ-અલગ વિસ્તારોમાંથી ગાડીમાં ચેકીંગ કરવામાં આવ્યું હતું. જેમાં સિંધુ ભવન ખાતેથી એક ગાડીમાંથી 4 બિયરના ટીન મળ્યા હતા. બીજી તરફ જમાલપુર ચાટ રસ્તા પાસેથી 350 જેટલી નશાકારક શિરપ મળી હતી. જે અંગે પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

સિંધુ ભવન રોડ પરથી ત્રણ શખસોની ધરપકડ

મધ રાતે હાઈપ્રોફાઈલ ગણાતા સિંધુ ભવન રોડ પર આવેલા અશ્વવિલા ચાર રસ્તા ખાતે પોલીસ દ્વારા સઘન વાહન ચેકિંગ ચાલી રહ્યું હતું. આ દરમિયાન ત્યાંથી પસાર થતી એક કારને શંકાના આધારે રોકીને તપાસ કરવામાં આવી હતી. કારની તપાસ કરતા અંદરથી 4 બિયરના ટીન મળી આવ્યા હતા. પોલીસે આ મામલે તાત્કાલિક કાર્યવાહી કરતા કારમાં સવાર મિખિલ મનોજ, શુભમ મુકેશ અને પાર્થ વિજયની ધરપકડ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

આ ઉપરાંત જમાલપુર ચાર રસ્તા ખાતે પણ વાહન ચેકિંગ ચાલી રહ્યું હતું. આ ચેકિંગમાં પસાર થતી એક શંકાસ્પદ કારને પોલીસે અટકાવી હતી. કારની તપાસ કરતા તેમાંથી નશાના વિકલ્પ તરીકે ઉપયોગમાં લેવાતી આશરે 350 જેટલી કફ સિરપની બોટલોનો ગેરકાયદે જથ્થો મળી આવ્યો હતો. પોલીસે તાત્કાલિક મુદ્દામાલ અને વાહન જપ્ત કરી લીધા છે અને હાલમાં આ ગંભીર મામલે NDPS એક્ટ અંતર્ગત ગુનો નોંધીને વધુ તપાસ ચાલુ કરી છે.

અમદાવાદ પોલીસનો 'મિડનાઇટ એક્શન પ્લાન'

શહેરના ઝડપથી થઈ રહેલા વિસ્તાર તેમજ વધતા જતા કમર્શિયલ અને રેસિડેન્શિયલ વિસ્તારોને ધ્યાનમાં રાખીને અમદાવાદ શહેર પોલીસ દ્વારા રાત્રિ સુરક્ષા માટે એક ખાસ અને આક્રમક ‘મિડનાઇટ એક્શન પ્લાન’ શરૂ કરવામાં આવ્યો છે. શહેરની સુરક્ષા વ્યવસ્થા વધુ સુદ્રઢ બનાવવા અને અસામાજિક તત્વો પર કડક અંકુશ મેળવવાના હેતુથી આ મોટો નિર્ણય લેવાયો છે.

અધિકારીઓએ આપેલી માહિતી મુજબ, શહેરના તમામ 49 જ્યુરિસડિક્શનલ પોલીસ સ્ટેશન, 8 ઝોનના DCP, ક્રાઇમ બ્રાન્ચ તેમજ PCB ના સંકલનથી શહેરના સૌથી વધુ અવરજવર વાળા અને સંવેદનશીલ એવા આશરે 150 જેટલા મહત્ત્વના હોટસ્પોટ્સ નક્કી કરવામાં આવ્યા છે.

દરરોજ રાત્રે વાહનોનું સઘન ચેકિંગ

આ 150 પોઇન્ટ્સને ત્રણ અલગ-અલગ ગ્રુપમાં વહેંચવામાં આવ્યા છે. મિડનાઇટ એક્શન પ્લાન મુજબ દરેક પોલીસ સ્ટેશન વિસ્તારમાં દરરોજ મોડી રાત્રે ઓછામાં ઓછો એક મુખ્ય પોઇન્ટ કાર્યરત રહેશે. જ્યાં 5થી 6 પોલીસ વાહનો અને 20થી 25 જવાનોની હાજરીમાં મોડી રાત્રે પસાર થતા તમામ શંકાસ્પદ વાહનોનું સઘન ચેકિંગ કરવામાં આવશે.

મિડનાઇટ એક્શન પ્લાનના મુખ્ય હેતુઓ

•નશાખોરી પર લગામ: રાત્રિના સમયે દારૂ કે અન્ય નશાની હાલતમાં વાહન ચલાવતા તત્વો સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવી.
•ગેરકાયદે પ્રવૃત્તિઓ પર રોક: હથિયારો કે ગેરકાયદેસર નશાકારક પદાર્થોની હેરાફેરી અટકાવવી.
•સ્ટંટબાજો સામે લાલ આંખ: પૂરઝડપે (ઓવરસ્પીડિંગ) કે રોડ પર સ્ટંટ કરીને વાહન ચલાવતા નબીરાઓ પર અંકુશ મેળવવો.
•રોમિયોગિરી ડામવી: સામાન્ય નાગરિકોને અટકચાળા કરીને હેરાન કરતા અસામાજિક તત્વો સામે સખત પગલાં ભરવા.

સંવેદનશીલ વિસ્તારોમાં ક્રાઇમ બ્રાન્ચનું કોમ્બિંગ

વિધિવત ટ્રેનિંગ અને બ્રીફિંગ બાદ આ યોજનાનો અમલ શરૂ કરી દેવાયો છે. પ્રથમ દિવસે જ આખા શહેરમાં 50 જેટલા પોઇન્ટ્સ પર સઘન નાકાબંધી કરી ચેકિંગ હાથ ધરાયું હતું, જેમાં તમામ સિનિયર અધિકારીઓએ પોતે ફીલ્ડમાં ઉતરીને સુપરવિઝન કર્યું હતું.

આ ઉપરાંત, બહેરામપુરા અને સરખેજ જેવા વિસ્તારો—જ્યાં વારંવાર શારીરિક ગુનાઓ બને છે અથવા 112 હેલ્પલાઇન પર વધુ ફરિયાદો મળે છે—ત્યાં ક્રાઇમ બ્રાન્ચની ખાસ ટીમો દ્વારા સઘન કોમ્બિંગ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે.

અમદાવાદ પોલીસ કમિશનરે અસામાજિક તત્વોને ખુલ્લી ચેતવણી આપતા જણાવ્યું છે કે કાયદાનો અનાદર કરનાર કે જનતાને હેરાન કરનાર સામે પોલીસ તાત્કાલિક અને કડક પગલાં લેશે. આ સાથે જ નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે કોઈ પણ અસામાજિક પ્રવૃત્તિ કે હેરાનગતિના કિસ્સામાં તુરંત Emergency Helpline No. 112 પર સંપર્ક કરવો, ફરિયાદ કરનારની ઓળખ સંપૂર્ણપણે ગુપ્ત રાખવામાં આવશે.