Ahmedabad

અમદાવાદમાં લોકો ગટરના પાણીમાં સબડ્યા, સજા પૂર્ણ થાય તે પહેલાં અધિકારી પૈસા ભરી પ્રમોશનની રેસમાં આગળ નીકળ્યા!

By GS Team
29 Sep 20263 mins read
TukuTouch Logo
અમદાવાદના ગોતામાં 2024ના ચોમાસામાં પાણી ભરાવા-ગટર ઉભરાવાની બેદરકારી બદલ આસિસ્ટન્ટ એન્જિનિયર રાજેશ પટણીને એક ઇન્ક્રીમેન્ટ અટકાવવાની સજા થઈ હતી. પ્રમોશનમાં અડચણ આવતા તેમણે 40,480 રૂપિયા ભરી શિક્ષાના હુકમમાં ફેરફાર કરાવ્યો. હવે તેમની પ્રમોશનની અડચણ દૂર થઈ છે, જે કોર્પોરેશનમાં ચર્ચાનો વિષય બન્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદમાં લોકો ગટરના પાણીમાં સબડ્યા, સજા પૂર્ણ થાય તે પહેલાં અધિકારી પૈસા ભરી પ્રમોશનની રેસમાં આગળ નીકળ્યા!

Ahmedabad News: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ગોતા વિસ્તારમાં વર્ષ 2024ના ચોમાસા દરમિયાન ભારે વરસાદ બાદ પાણી ભરાવા અને ગટર ઉભરાવાની સમસ્યાને લઈને કરાયેલી તપાસમાં સંબંધિત અધિકારીની બેદરકારી સામે આવી હતી. આ મામલે આસિસ્ટન્ટ એન્જિનિયર રાજેશ પટણી સામે ખાતાકીય કાર્યવાહી કરવામાં આવી હતી અને એક ઇન્ક્રીમેન્ટ અટકાવવાની શિક્ષા કરવામાં આવી હતી. જોકે, સજા પૂર્ણ થાય તે પહેલાં જ 40,480 રૂપિયા ભરીને શિક્ષાના હુકમમાં ફેરફાર કરાવવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે.

જાણો શું છે સમગ્ર મામલો

મળતી વિગતો મુજબ, ગોતા વિસ્તારમાં પાણી ભરાવા અને ગટર ઉભરાવાની સમસ્યા બાદ એન્જિનિયર વિભાગ દ્વારા તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન સુપર શકર મશીનના ઓપરેશન અને મેન્ટેનન્સના કોન્ટ્રાક્ટને લઈને ગંભીર બેદરકારી સામે આવી હતી. સુપર શકર મશીનના ઓપરેશન અને મેન્ટેનન્સના કોન્ટ્રાક્ટની સમયમર્યાદા 8 માર્ચ 2024ના રોજ પૂર્ણ થવાની હતી, પરંતુ નવી ટેન્ડર પ્રક્રિયા તેના માત્ર બે દિવસ અગાઉ એટલે કે છઠ્ઠી માર્ચે શરૂ કરવામાં આવી હતી.

પરિણામે કોન્ટ્રાક્ટની સમયમર્યાદા પૂર્ણ થયા બાદ ચોમાસા દરમિયાન સુપર શકર મશીનના ઓપરેશન અને મેન્ટેનન્સની કામગીરીને અસર થઈ હતી. ગોતા વિસ્તારમાં પાણી ભરાવા અને ગટર ઉભરાવાની સમસ્યાને કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. સાથે જ ગંદકીના કારણે ગંભીર રોગચાળો ફેલાવાની આશંકા પણ ઊભી થઈ હતી.

આ મામલે જાન્યુઆરી 2025માં આસિસ્ટન્ટ એન્જિનિયર રાજેશ પટણીને શો-કોઝ નોટિસ આપવામાં આવી હતી. ત્યારબાદ તેમની સામે ખાતાકીય કાર્યવાહી હાથ ધરાઈ હતી અને 3 ઓક્ટોબર 2025ના હુકમથી એક ઇન્ક્રીમેન્ટ અટકાવવાની શિક્ષા કરવામાં આવી હતી. આ શિક્ષાની અસર ઓક્ટોબર 2026 સુધી રહેવાની હતી.

જૂનમાં પ્રમોશન મળ્યું, પરંતુ ખાતાકીય કાર્યવાહી નડતાં અટક્યું

દરમિયાન જૂન 2026માં ખાતાકીય પ્રમોશનની પ્રક્રિયા હાથ ધરાઈ હતી. પરંતુ રાજેશ પટણી સામે ખાતાકીય કાર્યવાહી/શિક્ષાનો મુદ્દો ચાલુ હોવાથી તેમને પ્રમોશન મળ્યું નહોતું. આ પછી તેમણે અગાઉની શિક્ષામાં ફેરફાર કરવા માટે અરજી કરી હતી. તેમની રજૂઆતને ધ્યાને લઈ કોર્પોરેશનના આઈ.આર. વિભાગે 3 ઓક્ટોબર 2025ના શિક્ષાના હુકમના અમલમાં ફેરફાર કરવાનો હુકમ કર્યો છે.

હુકમ મુજબ, એક ઇન્ક્રીમેન્ટ અટકાવવાની શિક્ષા યથાવત્ રાખવાને બદલે ઇન્ક્રીમેન્ટ અટકાવવાથી થતી રકમ જેટલી રકમ વસૂલ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ રકમ 40,480 રૂપિયા હોવાનું જાણવા મળે છે અને સંબંધિત અધિકારીએ આ રકમ ભરી દીધી છે.

સજા પૂરી થાય એ પહેલાં જ શિક્ષામાં ફેરફાર

આ સમગ્ર મામલામાં સૌથી મહત્વની બાબત એ છે કે એક ઇન્ક્રીમેન્ટ અટકાવવાની શિક્ષા ઓક્ટોબર 2026માં પૂર્ણ થવાની હતી, પરંતુ તે સમયગાળો પૂર્ણ થાય તે પહેલાં જ 40,480 રૂપિયાની વસૂલાત કરીને શિક્ષાના હુકમમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

મળતી માહિતી મુજબ, આગામી ડેપ્યુટી સિટી એન્જિનિયરના પ્રમોશનમાં રાજેશ પટણીનો પહેલા નંબર હોવાનું કોર્પોરેશનના વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે. અગાઉ શિક્ષાના કારણે પ્રમોશનમાં અડચણ ઊભી થઈ હતી. હવે શિક્ષાના હુકમમાં ફેરફાર થતાં પ્રમોશન માટેની તેમની અડચણ દૂર થઈ હોવાનું જાણવા મળે છે.

હવે અન્ય અધિકારીઓમાં પણ ચર્ચા

આ નિર્ણય બાદ કોર્પોરેશનમાં ખાતાકીય શિક્ષા અને પ્રમોશનને લઈને ચર્ચા શરૂ થઈ છે. ખાસ કરીને શિક્ષાના કારણે પ્રમોશનમાં અડચણ અનુભવતા અન્ય અધિકારીઓ પણ આ પ્રકારની અરજી કરી શકે તેવી શક્યતા અંગે ચર્ચા ચાલી રહી છે.