VIDEO: આગ્રા કેન્ટ-ગાંધીગ્રામ એક્સપ્રેસમાં પાણી જ નહીં! મુસાફરોએ કફોડી હાલતનો વીડિયો વાયરલ કરતાં રેલવેની પોલ ખુલી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Railways Passenger Problems: આગ્રા કેન્ટથી અમદાવાદના ગાંધીગ્રામ સ્ટેશન તરફ આવતી આગ્રા કેન્ટ-ગાંધીગ્રામ સુપરફાસ્ટ એક્સપ્રેસ ટ્રેનમાં (12547) 25/26 સપ્ટેમ્બરની મુસાફરી દરમિયાન અનેક કોચમાં પાણીની સમસ્યાના કારણે પેસેન્જરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ખાસ કરીને સવારના સમયે પેસેન્જરોને દૈનિક જરૂરિયાત માટે પાણીની જરૂર હોય ત્યારે કોચના નળમાં પાણી ઉપલબ્ધ ન હોવાથી મુશ્કેલી સર્જાઈ હતી. પેસેન્જરોના જણાવ્યા મુજબ ટ્રેનના B-4 સહિત અનેક કોચમાં પાણી આવતું ન હતું. સવારના સમયે પેસેન્જરોએ નળ ખોલ્યા ત્યારે પાણી નહીં મળતાં શૌચાલયનો ઉપયોગ તથા અન્ય જરૂરી કામોમાં મુશ્કેલી પડી હતી.
ઉત્તર ભારત તરફથી આવતી ટ્રેનોમાં સમસ્યા હોવાનો આક્ષેપ
ટ્રેનમાં સવાર મુસાફરોનો આક્ષેપ છે કે, ઉત્તર ભારત તરફથી ગુજરાત તરફ આવતી કેટલીક લાંબા અંતરની ટ્રેનોમાં કોચમાં પાણીની સમસ્યા અવારનવાર જોવા મળે છે. ટ્રેન લાંબા રૂટ પર દોડતી હોવા છતાં કોચમાં પાણીની ઉપલબ્ધતા અંગે યોગ્ય દેખરેખ રાખવામાં આવતી ન હોવાનો પેસેન્જરોએ આક્ષેપ કર્યો હતો. રેલવે પૂરતું ભાડું લે છે પરંતુ સુવિધા આપવામાં પાછી પડે છે.
મુસાફરોનું કહેવું છે કે, ટ્રેનમાં પાણીની સમસ્યા અંગે કર્મચારીઓને જાણ કર્યા બાદ પણ તાત્કાલિક ઉકેલ ન મળતાં મુશ્કેલી યથાવત્ રહી હતી. જો કે ત્યારબાદ પેસેન્જરો એ સોશિયલ મીડિયા પર આ સમસ્યાની ફરિયાદ કરતાં આબુ રોડ સ્ટેશન નજીક કોચમાં પાણી ભરવામાં આવ્યું હતું. લાંબી મુસાફરીમાં પાણી જેવી મૂળભૂત સુવિધા ઉપલબ્ધ ન રહેતાં રેલવે તંત્રની કોચ મેન્ટેનન્સ અને સર્વિસિંગ વ્યવસ્થા સામે સવાલો ઊભા થયા છે.




