Ahmedabad

પાનના ગલ્લાવાળા સાવધાન, પ્લાસ્ટિક મળશે તો થશે મોટો દંડ, AMC કમિશનરનો આદેશ

By GS Team
15 Oct 20262 mins read
TukuTouch Logo
અમદાવાદમાં મ્યુનિસિપલ કમિશનરે પ્લાસ્ટિકના વધતા વપરાશ પર નારાજગી વ્યક્ત કરી. તેમણે પાનના ગલ્લાઓ પર દરોડા પાડી પ્લાસ્ટિક જપ્ત કરી દંડ વસૂલવા સૂચના આપી. ગેરકાયદેસર ડ્રેનેજ જોડાણો દૂર કરવા અને રોડ પર આડેધડ પાર્કિંગ કરનારાઓને હાઈ પેનલ્ટી ફટકારવા પણ આદેશ કર્યો. કમિશનરે કહ્યું કે, તેઓ પોતે પબ્લિક ટોયલેટનો ઉપયોગ કરીને સ્વચ્છતા તપાસશે.

Summarized by AI; it may make mistakes. Check important info

પાનના ગલ્લાવાળા સાવધાન, પ્લાસ્ટિક મળશે તો થશે મોટો દંડ, AMC કમિશનરનો આદેશ

Ahmedabad Plastic Ban: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓની મળેલી સાપ્તાહિક સમીક્ષા બેઠકમાં મ્યુનિસિપલ કમિશનરે શહેરમાં વધી રહેલા પ્લાસ્ટિકના વપરાશ બાબતે નારાજગી વ્યક્ત કરી હતી. તેમજ પાનના ગલ્લાઓની સઘન તપાસ કરીને પ્લાસ્ટિક જપ્ત કરવા તેમજ દંડ ફટકારવાની સૂચના અધિકારીઓને આપી હતી. જોકે, આવી કાર્યવાહીની સૂચના મળે ત્યારે થોડો સમય તેની અસર દેખાય છે. બાદમાં સ્થિતિ ઠેરની ઠેર આવીને ઊભી રહી જાય છે.

ડ્રેનેજ લાઇનમાં થયેલા ઈન્ડસ્ટ્રીઅલ જોડાણો તાત્કાલિક રીતે દૂર નહીં કરાય તો મારે પગલાં લેવા પડશે!

અમદાવાદ મ્યુનિસિપલની બેઠકમાં કમિશનર દ્વારા રોડ પર આડેધડ વાહનો પાર્ક કરતા ચાલકોને હાઈ પેનલ્ટી કરવાનું પણ ફરમાન કરાયું હતું. જ્યારે સીજી રોડ સહિતના સ્થળોએ પાર્કિંગ દર્શાવતા પીળા રંગના પટ્ટા લગાવવા અધિકારીઓને કહ્યું હતું. જોકે, થોડા દિવસો પહેલાં સ્થાયી સમિતિ દ્વારા આવા સ્થળોએ બોર્ડ મુકવાની સૂચના આપવામાં આવી હતી. આમ અધિકારીઓ અને પદાધિકારીઓના અનેક પ્રયત્નો છતાં શહેરમાં પાર્કિંગની અમલવારી યોગ્ય રીતે થઈ રહી નથી! જ્યારે ડ્રેનેજ લાઇનમાં થયેલા ઈન્ડસ્ટ્રીઅલ જોડાણોને તાત્કાલિક અસરથી દૂર કરવા તમામ ઝોનલ ઓફિસરોને સૂચના આપી હતી. સાથે સાથે એવી ચેતવણી આપી હતી કે, જો આવા ગેરકાયદે ડ્રેનેજ જોડાણો દૂર કરવામાં નહીં આવે તો મારે પગલાં લેવા પડશે.

મ્યુનિસિપલના સોલિડ વેસ્ટ અને હેલ્થ સહિતના વિવિધ વિભાગોમાં આરડબલ્યુએ સંસ્થાના કર્મચારીઓ કામ કરી રહ્યા છે. આ તમામની હાજરી હવેથી ફરજિયાતપણે મ્યુનિસિપલની એપ્લિકેશન 311માં પૂરવા તેમજ તેનો દરરોજ રિપોર્ટ આપવા કમિશનરે તાકીદ કરી છે.

શાક માર્કેટમાં ન બેસતા ફેરીયાઓને બ્લેક લિસ્ટ કરવા સૂચના

અમદાવાદ શહેરમાં કરોડો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલી શાક માર્કેટો ખાલી છે, જ્યારે ફેરીયાઓ રોડ પર જ લારી-પાથરણાં રાખીને ધંધો કરે છે. ત્યારે ઝોન વાઈઝ આવા ફેરીયાઓનું લિસ્ટ બનાવીને તેને ભવિષ્યમાં પણ થડા ન ફાળવાય તે માટે બ્લેક લિસ્ટ કરવા અને શાકભાજી માર્કેટના ખાલી થડાં ફળના વેપારીઓને ફાળવવાની સૂચના કમિશનરે આપી હતી.

‘હું પોતે પબ્લિક ટોયલેટનો ઉપયોગ કરીશ’

શહેરના જાહેર શૌચાલયોની સફાઈ પર ભાર મુકતા કમિશનરે જણાવ્યું હતું કે, શહેર કેટલું સ્વચ્છ છે, તેનો અંદાજ તેના પબ્લિક ટોયલેટ પરથી આવે છે. માટે દરરોજ સવારે રાઉન્ડમાં નીકળતી વખતે હું પોતે પણ પબ્લિક ટોયલેટનો ઉપયોગ કરીને સરપ્રાઈઝ ચેકિંગ કરીશ.