Ahmedabad

PM મોદીના જન્મદિવસે દીવડા પ્રગટાવવાના કાર્યક્રમ માટે સરકારી કોલેજોમાં વિદ્યાર્થીઓને ફરજિયાત બેસાડી રખાતા રોષ

By GS Team
18 Sep 20262 mins read
TukuTouch Logo
પીએમ મોદીના જન્મદિવસની ઉજવણી અન્વયે સરકારી કચેરીઓ અને કોલેજોમાં દીવડા પ્રગટાવવાનો આદેશ અપાયો હતો. અમદાવાદની વિશ્વકર્મા એન્જિનિયરિંગ કોલેજે પરીક્ષાનો સમય બદલી વિદ્યાર્થીઓને ફરજિયાત રોક્યા, જેથી ભારે વિરોધ થયો. અન્ય કોલેજોમાં પણ વિદ્યાર્થીઓને સાંજે રોકાવા નોટિસ અપાઈ. શિક્ષકોને પણ અનેક કામગીરી સોંપાતા રોષ જોવા મળ્યો.

Summarized by AI; it may make mistakes. Check important info

PM મોદીના જન્મદિવસે દીવડા પ્રગટાવવાના કાર્યક્રમ માટે સરકારી કોલેજોમાં વિદ્યાર્થીઓને ફરજિયાત બેસાડી રખાતા રોષ
IMAGE - IANS

Gujarat government colleges controversy: પીએમ મોદીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે સરકાર દ્વારા સરકારી કચેરીઓમાં સાંજે દીવડા પ્રગટાવવાનો કાર્યક્રમ યોજવાનો આદેશ આપવામાં આવ્યો હતો. આ આદેશને પગલે સરકારી કોલેજોમાં પણ આ કાર્યક્રમો ગોઠવવામાં આવ્યા હતા, પરંતુ વિદ્યાર્થીઓને નાછૂટકે રોકી રાખવામાં આવતા ભારે વિરોધ ઉઠ્યો છે. કોલેજોએ સરકારને ફોટા મોકલવાના હોવાથી ફરજિયાતપણે આ કાર્યક્રમો કરવા પડ્યા હતા.

વિશ્વકર્મા એન્જિનિયરિંગ કોલેજની અનિયમિતતા: પરીક્ષાનો સમય બદલાયો

સરકારના આદેશ અનુસાર કમિશનર ઓફ ટેકનિકલ શિક્ષણ કચેરી દ્વારા તમામ સરકારી ટેકનિકલ કોલેજોને સાંજે દીવડા પ્રગટાવવાનો કાર્યક્રમ કરી ફોટા ઈમેઈલથી મોકલવા સૂચના અપાઈ હતી. જેને પગલે અમદાવાદના ચાંદખેડા ખાતે આવેલી વિશ્વકર્મા ઇજનેરી કોલેજે તો હદ જ કરી દીધી હતી. અહીં હાલ ચાલી રહેલી મીડ સેમેસ્ટરની પરીક્ષાનો સમય સવારનો હતો, જે બદલીને સાંજનો કરી દેવામાં આવ્યો હતો જેથી પરીક્ષા બાદ વિદ્યાર્થીઓને સીધા જ આ કાર્યક્રમમાં લઈ જઈ શકાય. આ બાબતને લઈને વિદ્યાર્થીઓએ ભારે વિરોધ નોંધાવ્યો હતો.

અન્ય કોલેજો અને શાળાઓમાં પણ હાજરી ફરજિયાત બનતા મુશ્કેલી

ઉચ્ચ શિક્ષણ કમિશનર કચેરીના આદેશથી ગુજરાત આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ સહિતની સંસ્થાઓ દ્વારા વિદ્યાર્થીઓને નોટિસ આપીને સાંજના સમયે દીવડા પ્રગટાવવાના કાર્યક્રમમાં બોલાવવામાં આવ્યા હતા. આ કારણે વિદ્યાર્થીઓએ સાંજના સમયે કોલેજમાં રોકાવું પડ્યું હતું. બીજી બાજુ, સ્કૂલના શિક્ષકોને પણ એક તરફ સ્કૂલ ક્વોલિટી એકેડિટેશનની તાલીમ, મોડલ સ્કૂલની મુલાકાત, દીપોત્સવની તૈયારીઓ અને ગામોના મંદિરોમાં સામૂહિક આરતીમાં હાજરી આપવા જેવી અનેકવિધ કામગીરી સોંપવામાં આવતા ભારે રોષ ફેલાયો હતો.