અમદાવાદ સહિત 18 જિલ્લામાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર, હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Gujarat Weather Updates : ભારત સરકારના પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય હેઠળના ભારતીય હવામાન વિભાગ (IMD), અમદાવાદ દ્વારા તાજેતરમાં જારી કરવામાં આવેલા નાઉકાસ્ટ બુલેટિન મુજબ, ગુજરાતમાં આગામી ત્રણ કલાક માટે વરસાદનું જોર યથાવત રહેવાની સંભાવના છે. હવામાન વિભાગ દ્વારા જારી કરવામાં આવેલા તાજા આંકડા અને નકશા અનુસાર રાજ્યના વિવિધ જિલ્લાઓમાં અલગ-અલગ ચેતવણીઓ આપવામાં આવી છે, જેમાં ખાસ કરીને મધ્ય અને પૂર્વ ગુજરાતના વિસ્તારોમાં વિશેષ સતર્કતા રાખવા જણાવાયું છે.
કયા કયા જિલ્લામાં ઓરેન્જ એલર્ટ?
હવામાન વિભાગની આગાહી મુજબ રાજકોટ, બોટાદ, ભાવનગર, મોરબી, સુરેન્દ્રનગર, અમદાવાદ, મહેસાણા, ગાંધીનગર, ખેડા, અરવલ્લી, મહિસાગર, દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર, વડોદરા, આણંદ, ભરુચ અને સુરત જિલ્લાઓમાં મધ્યમ સ્વરૂપનો વરસાદ (5 થી 15mm પ્રતિ કલાક) પડવાની વ્યાપક શક્યતા છે. આ વિસ્તારોમાં હળવા ગાજવીજ સાથે વાવાઝોડાની સાથોસાથ પવનની ઝડપ 40 કિમી પ્રતિ કલાકથી ઓછી રહેવાની સંભાવના છે અને સાથે જ જમીન પર વીજળી પડવાની 30 થી 60 ટકા જેટલી મધ્યમ સંભાવના પણ દર્શાવવામાં આવી છે, જેને પગલે તંત્ર દ્વારા અહીં 'ઓરેન્જ એલર્ટ' (સતર્ક રહો) જાહેર કરાયું છે.
ક્યાં ક્યાં યલો એલર્ટ જાહેર?
આ ઉપરાંત, રાજ્યના અન્ય કેટલાક જિલ્લાઓમાં જેમ કે નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલી, કચ્છ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, દીવ, બનાસકાંઠા, પાટણ અને સાબરકાંઠામાં હળવા વરસાદ (<5 mm પ્રતિ કલાક) સાથે છૂટાછવાયા ગાજવીજ અને વીજળી પડવાની ઓછી સંભાવના (<30%) સાથે 'યલો એલર્ટ' (ધ્યાન રાખો) આપવામાં આવ્યું છે. આ વિસ્તારોમાં પણ પવનની ઝડપ સામાન્ય રહેશે.
હવામાન વિભાગ દ્વારા જારી કરાયેલા નિર્દેશો અનુસાર, નાગરિકોએ અચાનક બદલાતા હવામાન પર નજર રાખવી અને સલામત સ્થળે રહેવું. ગાજવીજ અને વાવાઝોડાની સ્થિતિમાં ઝાડ નીચે આશરો ન લેવો તેમજ વીજ ઉપકરણોથી દૂર રહેવાની સલાહ આપવામાં આવી છે. તંત્ર દ્વારા સંવેદનશીલ વિસ્તારોમાં વાહનવહાર અને નાગરિકોની અવરજવર પર પણ નજર રાખવા સૂચના અપાઈ છે.




