Ahmedabad

અમદાવાદ: ઓઢવમાં મહિલાને બદનામ કરવા ચલણી નોટો સાથે ચિઠ્ઠી ફેંકનાર ઝડપાયો, એકતરફી પ્રેમીનું કારસ્તાન

By GS Team
7 Sep 20263 mins read
TukuTouch Logo
અમદાવાદના ઓઢવમાં એકતરફી પ્રેમમાં પાગલ રવિન્દ્ર પંચાલ ઝડપાયો છે. તેણે મહિલાને બદનામ કરવા 10, 20, 50 રૂપિયાની નોટો સાથે અભદ્ર વિગતોવાળી ચિઠ્ઠીઓ નરોડા, રામોલ, હાટકેશ્વર જેવા વિસ્તારોમાં ફેંકી હતી. 100થી વધુ CCTV ફૂટેજ તપાસી પોલીસે ફેબ્રિકેશન કારખાનાના માલિક આરોપીને પકડી પાડ્યો છે. તે મહિલાના દાંપત્યજીવનમાં કંકાસ કરાવવા માંગતો હતો.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદ: ઓઢવમાં મહિલાને બદનામ કરવા ચલણી નોટો સાથે ચિઠ્ઠી ફેંકનાર ઝડપાયો, એકતરફી પ્રેમીનું કારસ્તાન

Ahmedabad Odhav Crime News: અમદાવાદના ઓઢવ વિસ્તારમાં એકતરફી પ્રેમમાં પાગલ શખસે મહિલાના દાંપત્યજીવનમાં કંકાસ ઊભો કરવા માટે એક ચોંકાવનારી યોજના બનાવી હતી. આરોપી રવિન્દ્ર ભુરાલાલ પંચાલે મહિલાને પામવાની હિન માનસિકતા સાથે તેના નામ, મોબાઈલ નંબર અને સરનામા સાથેની અભદ્ર વિગતો લખેલી ચિઠ્ઠીઓ રસ્તા પર ફેંકવાનું શરૂ કર્યું હતું. લોકો આ ચિઠ્ઠીઓ ઉઠાવે અને મહિલાનો સંપર્ક કરે તે હેતુથી આરોપીએ આ ચિઠ્ઠીઓને 10, 20 અને 50 રૂપિયાની ચલણી નોટો સાથે રાખીને અલગ-અલગ વિસ્તારોમાં ફેંકી હતી, જેથી મહિલાની બદનામી થાય અને તેના પરિવારમાં અણબનાવ ઊભો થાય.

ઓઢવમાં મહિલાને બદનામ કરવા ચલણી નોટો સાથે ચિઠ્ઠી ફેંકનાર ઝડપાયો

આ ચિઠ્ઠીઓમાંથી એક ચિઠ્ઠી કોઈ વ્યક્તિના હાથમાં આવતા તેણે મહિલાનો સંપર્ક કર્યો હતો. મહિલાએ પોતાના પતિને જાણ કરતા, પતિએ તપાસ કરી કે આ ચિઠ્ઠી એસપી રિંગ રોડ પર આવેલા જાનવી આર્કેડના પાર્કિંગમાંથી મળી છે. ત્યારબાદ ઓઢવ પોલીસે આસપાસના આશરે 100 જેટલા CCTV કેમેરાના ફૂટેજ તપાસ્યા હતા, જેમાં આરોપી એક્ટિવા લઈને આવીને ચિઠ્ઠીઓ મૂકતો જોવા મળ્યો હતો. પોલીસે ફેબ્રિકેશનનું કારખાનું ધરાવતા આરોપી રવિન્દ્ર પંચાલની ધરપકડ કરી છે અને આ ગુનામાં અન્ય કોઈની સંડોવણી છે કે કેમ તથા આ ચિઠ્ઠીઓ કેટલા સમયથી ફેંકવામાં આવી રહી હતી તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે.

અમદાવાદના અલગ-અલગ વિસ્તારોમાં 50થી 100 ચિઠ્ઠીઓ ફેંકી

આ અંગે ઓઢવ પોલીસ સ્ટેશનના PIએ જણાવ્યું કે, ઓઢવ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ મહિલા અરજદારે પોલીસને જણાવ્યું કે છેલ્લા બે મહિનાથી તેમને અજાણ્યા લોકો તરફથી મોબાઈલ પર ફોન કરી અવારનવાર અભદ્ર માંગણીઓ કરવામાં આવી રહી હતી. તપાસ કરતાં જાણવા મળ્યું કે આરોપીએ ભોગ બનનાર મહિલાનું નામ, સરનામું, તેનો મોબાઈલ નંબર અને તેના પતિનો નંબર ધરાવતી આશરે 50થી 100 ચિઠ્ઠીઓ પૂર્વ અમદાવાદના નરોડા, રામોલ, હાટકેશ્વર સર્કલ, સિંગરવા અને ઓઢવ ચાર રસ્તા જેવા અલગ-અલગ વિસ્તારોમાં નાખી હતી. આરોપી શરૂઆતમાં માત્ર સાદી ચિઠ્ઠીઓ નાખતો હતો, પરંતુ કોઈ રિસ્પોન્સ ન મળતા તેણે લોકોનું ધ્યાન ખેંચવા માટે ચિઠ્ઠીઓ અને મહિલાના ફોટોગ્રાફ્સને રૂ. 10, 20 અને 50 ની ચલણી નોટો સાથે સ્ટેપલ કરીને રસ્તા પર ફેંકવાનું શરૂ કર્યું હતું. આ ચલણી નોટો રસ્તા પરથી ઉપાડીને લોકો મહિલાને ફોન કરીને હેરાન કરતા હતા.

આ પણ વાંચો: સુરેન્દ્રનગર: સાયલામાં નિર્દોષને ફસાવવાનું ષડયંત્ર ખુલ્લું પડ્યું, વાડીમાં ગાંજો પ્લાન્ટ કરનાર બે શખસ ઝડપાયા, નિર્દોષ જેલમુક્ત

પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે, પકડાયેલો આરોપી ફેબ્રિકેશનની ફેક્ટરી ચલાવે છે અને તે ભોગ બનનાર મહિલાનો દૂરનો સંબંધી કે પરિચિત છે. આ ગુનો આચરવા પાછળનો મુખ્ય હેતુ મહિલા પ્રત્યેનો તેનો એકતરફી પ્રેમ હતો. તે ઈચ્છતો હતો કે આ ચિઠ્ઠીઓને લીધે મહિલાના ઘરમાં કંકાશ પેદા થાય અને તે તેના પતિથી અલગ થઈ જાય, જેથી પાછળથી તે મહિલાનો સંપર્ક કરી શકે. આરોપીએ રૂબરૂમાં પણ મહિલાને અગાઉ કહ્યું હતું કે જો તે તેના પતિથી છૂટી થઈ જશે, તો તે પોતે તેની સારસંભાળ રાખશે. આરોપીનો અગાઉનો કોઈ ગુનાહિત ઈતિહાસ નથી અને તે મહિલાને માનસિક રીતે હેરાન કરવા માટે દરરોજ આવી 2થી 3 ચિઠ્ઠીઓ અલગ-અલગ જગ્યાએ નાખતો હતો.

100થી વધુ CCTV ફૂટેજ તપાસ્યા

પોલીસે આ કેસનો ભેદ ઉકેલવા માટે ભોગ બનનાર મહિલાને ફોન કરનાર વ્યક્તિઓનો સંપર્ક કરી તેમની પૂછપરછ કરી હતી અને વિવિધ વિસ્તારોના 100થી 125 સીસીટીવી કેમેરા તપાસ્યા હતા. જેમાં તાજેતરમાં જાનવી આર્કેડ પાસે ચિઠ્ઠી ફેંકતો આરોપી સીસીટીવી ફૂટેજમાં ઝડપાઈ ગયો હતો અને મહિલાએ તેને ઓળખી કાઢ્યો હતો. આરોપીની ધરપકડ કરી તેના ઘરની અને પાકીટની તપાસ કરતાં પોલીસને આવી જ ચલણી નોટો સાથે સ્ટેપલ કરેલા ફોટા અને ચિઠ્ઠીઓ મળી આવી હતી, જેને જપ્ત કરવામાં આવી છે. ગુનામાં કડક કાર્યવાહી કરવા અને મજબૂત પુરાવા તૈયાર કરવા માટે પોલીસ આરોપીના સ્પેસીમેન અને કુદરતી અક્ષરોના લખાણો મેળવી તેને એફએસએલમાં મોકલીને સાયન્ટિફિક તપાસ કરાવી રહી છે.