સુરેન્દ્રનગર: સાયલામાં નિર્દોષને ફસાવવાનું ષડયંત્ર ખુલ્લું પડ્યું, વાડીમાં ગાંજો પ્લાન્ટ કરનાર બે શખસ ઝડપાયા, નિર્દોષ જેલમુક્ત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Surendranagar NDPS Case: સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના કરસનપરામાં નોંધાયેલા એનડીપીએસ (NDPS) ગુનામાં એક ચોંકાવનારો વળાંક આવ્યો છે. અંગત રાગદ્વેષના કારણે નિર્દોષ વ્યક્તિને ફસાવવા માટે તેની વાડીમાં ગાંજાનો જથ્થો પ્લાન્ટ કરાયો હોવાનો ઘટસ્ફોટ થતાં પોલીસે આ કેસમાં સી-સમરી (C-Summary) ભરી નિર્દોષ વ્યક્તિને જેલમુક્ત કરાવ્યો છે. આ સાથે જ ષડયંત્ર રચનાર બે ઈસમોની પોલીસે ધરપકડ કરી લીધી છે.
અંગત અદાવતમાં વાડીમાં ગાંજો મૂકી પોલીસને આપી હતી ખોટી બાતમી
મળતી માહિતી અનુસાર, સાયલાના કરસનપરા વિસ્તારમાં રહેતા ગોપાલ સભાણી સાથે અંગત અદાવત રાખીને અરજણ ભુવા અને દેવજી મીર નામના બે વ્યક્તિઓએ ભેગા મળીને આ કાવતરું ઘડ્યું હતું. તેણે ગોપાલ સભાણીની વાડીમાં 7 કિલો ગાંજાનો જથ્થો ચૂપચાપ મૂકી દીધો હતો અને ત્યારબાદ પોલીસને ખોટી બાતમી આપીને ગોપાલ સામે એનડીપીએસ હેઠળ કેસ કરાવ્યો હતો, જેના કારણે નિર્દોષ ગોપાલને જેલ હવાલે થવું પડ્યું હતું.
તપાસમાં સત્ય સામે આવતાં જેલમાં ગયેલા નિર્દોષને છોડાવાયો
સમગ્ર ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખી બે ડીવાયએસપી (DySP) સહિતના ઉચ્ચ અધિકારીઓ તપાસમાં જોડાયા હતા. ઊંડાણપૂર્વકની તપાસ દરમિયાન બાતમીદારો જ મુખ્ય કાવતરાખોર હોવાનું અને ગોપાલ તદ્દન નિર્દોષ હોવાનું સામે આવ્યું હતું. પોલીસે તાત્કાલિક ધોરણે કોર્ટમાં 'સી-સમરી' રજૂ કરીને ગોપાલ સભાણીને જેલમાંથી સન્માનપૂર્વક બહાર કઢાવ્યા હતા અને ખોટો કેસ કરનાર અરજણ ભરવાડ તથા દેવજી મીરની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રથમ વખત એવી કાયદાકીય ટ્રેન્ડમાર્ક ઘટના બની છે જેમાં એનડીપીએસ જેવા ગંભીર ગુનામાં જેલમાં ગયેલા નિર્દોષ આરોપીને પોલીસે પોતે જ નિર્દોષ સાબિત કરી સી-સમરી ભરી જેલમુક્ત કરાવ્યો હોય. સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડાએ સત્ય શોધી કાઢી નિર્દોષને ન્યાય અપાવનારી તપાસ ટીમના નિષ્ઠાપૂર્વકના કાર્યને બિરદાવીને 5100 રૂપિયાનું રોકડ ઈનામ આપી પ્રોત્સાહિત કર્યા છે.




